નમસ્તે -સિંગાપોર!
ગુડ ઈવનીંગ!
ની હાઓ
સલામત દતાંગ
વણક્કમ
મંત્રી શ્રી ઈશ્વરન
વ્યાપર ક્ષેત્રના આગેવાનો,
સિંગાપોરનામારા મિત્રો,
સિંગાપોરમાં વસતા ભારતીય સમુદાયના લોકો,
આપ સૌને નમસ્કાર!
આજે અહિં આપણને અચરજ થાય તેવા વાતાવરણમાં આપણે ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધોની શક્તિ જોઈ શકીએ છીએ. તે આપણો વારસો છે, આપણા લોકો છે અને આપણા સમયની એક સુંદર ભાગીદારી છે. અહિં આકર્ષણ અનેભવ્ય બે સિંહોની ગર્જના પણ છે. મારા માટે સિંગાપોર પરત આવવાનુ હંમેશાં આનંદદાયક બની રહે છે. આ એક એવું શહેર છે જે પ્રેરણા પૂરી પાડવામાં ક્યારેય નિષ્ફળ જતુ નથી. સિંગાપોર ભલે એક નાનો ટાપુ હશે, પણ તેની સિમાઓ વૈશ્વિક છે. આ મહાન દેશે આપણને પૂરવાર કરી બતાવ્યું છે કે કદના કારણે સિદ્ધિઓના વ્યાપને અથવા તો રાષ્ટ્રની તાકાતને દુનિયા સુધી અવાજ પહોંચાડવામાં કોઈ અવરોધ નડતો નથી
પરંતુ સિંગાપોરની સંવાદિતા તેની બહુવિધ સંસ્કૃતિ ધરાવતા સમાજમાં પડેલી છે, વિવિધતાના ઉત્સવમાં પડેલી છે. જે સિંગાપોરની એક અનોખી અને ભિન્ન ઓળખ ઉભી કરે છે અને અહિંના આ અચરજકારી ભીંતચિત્રો એક પૌરાણિકસૂત્રમાં પરોવાયેલા છે, એ રંગબેરંગી અને સુંદર ચિત્રો તે ભારત અને સિંગાપોરને જોડે છે.
મિત્રો,
ભારતનો સદીઓ જૂનો દક્ષિણ એશિયા તરફ જતો માર્ગ પણ સિંગાપોરથીપસાર થાય છે. આ માનવીયસંબંધો ઊંડા અને દૂરગામી છે અને તે સિંગાપોરમાં વસતા ભારતીયોમાં જીવંતપણે દેખાય છે અને આ સાંજ તમારી હાજરીથી, તમારી ઊર્જાને કારણે, તમારી પ્રતિભા અને તમારી સિદ્ધિઓ થકી ઝળહળી ઉઠી છે.
તમે અહિં ઈતિહાસની તકને કારણે હો કે પછી વૈશ્વિકરણ દ્વારા પ્રાપ્ત થયેલ તકને કારણે હોવ, તમારા પૂર્વજો અહિં સદીઓ પહેલાં આવેલા હોય કે પછી તમે જાતે આ દેશમાં આવીને વસ્યા હોવ, તમારામાંના સૌ કોઈ સિંગાપોરની અનન્ય સૂત્રતા અને પ્રગતિનો હિસ્સો બની ગયા છો.
અને સિંગાપોરે તમને વધાવ્યા છે, તમારી તેજસ્વિતાને અને તમારા સખત પરિશ્રમને બિરદાવ્યા છે. તમે ભારતના વૈવિધ્યનું અહિં પ્રતિનિધિત્વ કરો છો. જો તમારે ભારતના તમામ તહેવારોને એક જ શહેરમાં જોવા હોય કે પછી સપ્તાહો સુધી તેની ઉજવણી કરવી હોય તો સિંગાપોરની મુલાકાત લેવા જેવી છે. આ બાબત ભારતીય આહાર માટે પણ સાચી ઠરી છે! પ્રધાનમંત્રી લીએ મને યજમાન તરીકે લીટલ ઈન્ડીયામાં આપેલા ભોજનને હું હજૂ પણ યાદ કરૂ છું.
તામિલ અહિંની અધિકૃત ભાષા છે, પરંતુ તે સિંગાપોરની ભાવનાનુ ઉદાહરણ વ્યક્ત કરે છે. કે શાળાનાં બાળકો અહી અન્ય પાંચ ભારતીય ભાષાઓ ભણી શકે છે. આ શહેર ઉત્તમ ભારતીય સંસ્કૃતિ દ્વારા ધમધમી રહ્યું છે. આ બધુ પ્રતિભાશાળી ભારતીય સમુદાય તથા સિંગાપોરની સરકાર તરફથી મળેલા સહયોગને આભારી છે.
તમે અહિં સિંગાપોરમાં પરંપરાગત ભારતીય રમતોની સંપૂર્ણ સ્પર્ધા પણ શરૂ કરી છે. તે તમને તમારા યુવાકાળની સ્મૃતિઓની યાદ અપાવે છે અને બાળકોને ખોખો અને કબડ્ડી જેવી રમતો સાથે જોડી રાખે છેઅને અહિં વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ શહેરનાં 70 કેન્દ્રોમાં મનાવાયો હતો, જેના દ્વારા દર દસ ચોરસ કિલોમીટરે એક કરી ઉભુ કરવામાં આવ્યું હતુ.
દુનિયાના કોઈ અન્ય શહેરમાં યોગ માટેની આટલી પરાકાષ્ઠા જોવા મળી નથી. શ્રી રામકૃષ્ણ મિશન અને શ્રી નારાયણ મિશન અહિં દાયકાઓથી અહિંસ્થાપિત છે અને તે લોકો વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર સેવા પૂરી પાડી રહ્યાં છે.
તેમના આ વિસ્તારના પ્રવાસ અને સિંગાપોરની મજલમાં સ્વામિ વિવેકાનંદ અને કવિ ગુરૂ રવિન્દ્રનાથ ટાગોર ભારતના સર્વોત્તમ ભારતીય વિચારકો દ્વારા ભારત અને પૂર્વને જોડી રાખતો એક સમાન તંતુ બની રહ્યા છે, જે ભારતને પૂર્વ સાથે જોડે છે. ભારતની આઝાદી માટે કૂચ કરી જવાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હાકલ ચલો દિલ્હી ના નામે અહિંથી જ અપાઈ હતી. જે દરેક ભારતીયના દિલમાં એક અવિરત જ્યોત તરીકે ઝળહળે છે.
અને વર્ષ 1948માં મહાત્મા ગાંધીજીનાં અસ્થિનું વિસર્જન અહિં નજીકના કાંઠે આવેલ ક્લિફર્ડ પિયર ખાતે કરાયુ હતું. આ અસ્થિ વિસર્જન કરાયુ ત્યારે તમામ વર્ગોના હજારો લોકોએ આ પ્રસંગને નજરે જોયો હતો. વિમાનમાંથી પૂષ્પ વર્ષા કરવામાં આવી હતી. લોકોએ સમુદ્રના પાણીનો ઘૂંટડોભર્યો હતો.
પરમ દિવસે મને ઈતિહાસની આ યાદગાર ઘટનાની સ્મૃતિમાં ક્લિફોર્ડ ફિયર ખાતે એક તકતી ખૂલ્લી મૂકવાનુ સન્માન પ્રાપ્ત થશે. આ ક્ષણઆજે મહાત્મા ગાધીનાં સમયથી પર અને સાર્વત્રિક મૂલ્યો ઉપર ભાર મૂકે છે.
મિત્રો,
આપણી માનવ કડીઓ આ અસાધારણ વારસાનો પાયો અને આપણાં પરસ્પરનાં મૂલ્યોની તાકાત છે. ભારત અને સિંગાપોર આપણા યુગની ભાગીદારીનું નિર્માણ કરી રહયાં છે.
ભારતને જ્યારે વિશ્વ સમક્ષ ખૂલ્લુ મૂકવામાં આવ્યું અને તે પૂર્વ તરફ વળ્યું ત્યારે સિંગાપોર, ભારત અને આસિયાન વચ્ચે એક ઉષ્માપૂર્ણ અને નિકટતમ ભાગીદાર અને સેતુ બની રહ્યું હતુ. આ બાબતે કોઈ દાવા, વિવાદ કે શંકા નથી. પરસ્પર સાથે આદાન-પ્રદાન થતા વિઝનની એ એક કુદરતી ભાગીદારી છે. આપણા સંરક્ષણ સંબંધો બંને માટે ખૂબ જ સબળ માનવામાં આવે છે. અમારા લશ્કરી દળો ભારે સન્માન અને પ્રશંસા સાથે સિંગાપોરનાં સશસ્ત્ર દળો અંગે વાત કરે છે. સિંગાપોર સાથે ભારતની નૌકા કવાયત સૌથી લાંબી ગણાય છે અને સતત ચાલુ રહી છે.
હવે તે રજત જયંતીની નજીક છે. અમે સિંગાપોરના લશ્કર અને વાયુદળ સાથે તાલીમનું આયોજન કરતાં ગૌરવ અનુભવીએ છીએ. અમારા જહાજો નિયમિતપણે એક બીજા દેશની મુલાકાત લેતા હોય છે.
તમારામાંના ઘણાં લોકો અમારા નૌકાદળના જહાજોમાં બેઠા હશે. હું પણ પરમ દિવસે ચંગી નેવલ બેઝ પર સિંગાપોર નેવી શીપ અને ભારતીય નેવી શીપની મુલાકાત લેવાનો છું.
આંતરરાષ્ટ્રીય મંચ પર અમે નિયમ આધારિત સાર્વભૌમ વ્યવસ્થા, તમામ રાષ્ટ્રો માટે સમાનતા અને વ્યાપાર તથા સંબંધો અંગે મુક્ત અને ખુલ્લા માર્ગ અંગે એક અવાજે બોલતા હોઈએ છીએ. અર્થતંત્ર એ તમામ સંબંધોનો ધબકાર છે.
ભારતના વૈશ્વિક સંબંધોની આ મોખરાની ભાગીદારી છે. સિંગાપોર મૂડી રોકાણનો અગ્રણી સ્રોત અને ભારત માટેનું મથક છે. સિંગાપોર એ એવો પ્રથમ દેશ કે જેની સાથે અમે ઘનિષ્ટ આર્થિક સહયોગના કરાર કર્યા હતા.
સિંગાપોરથી અંદાજે 250 જેટલી ફ્લાઈટસ દર સપ્તાહે દરેક દિશામાં ઉડીને ભારતના 16 શહેરોને જોડે છે.
અને આ કારણે જ ભારત સિંગાપોર આવતા પ્રવાસીઓ માટેનો ત્રીજા નંબરનો સૌથી મોટો સ્રોત બની રહ્યો છે અને આ સંખ્યા ઝડપભેર વધી રહી છે. અમારી આઈટી કંપનીઓ સિંગાપોરને સ્માર્ટ અને સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરે છે. ભારતના વિકાસની અગ્રતાઓના ઘણાં ક્ષેત્રોમાં સિંગાપોર મહત્વનું ભાગીદાર છેઃ સ્માર્ટ સિટી, શહેરી સમાધાનો, નાણાંકીય ક્ષેત્ર, કૌશલ્ય વિકાસ, બંદરો, માલપરિવહન, ઉડ્ડયન અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક.
આથી ભારત અને સિંગાપોર એક બીજાની સમૃદ્ધિમાં યોગદાન આપી રહ્યા છે અને હવે આપણે ડિજિટલ વર્લ્ડ માટે નવી ભાગીદારીનું નિર્માણ કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રી લી અને મેં હમણાં જ ટેકનોલોજી, નવીનીકરણ અને ઉદ્યોગના એક અદ્દભૂત પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ બધા ભારત અને સિંગાપોરના તેજસ્વી યુવાનો છે. આમાંના ઘણાં બધા ભારતમાંથી આવેલી તેજસ્વી પ્રતિભાઓ છે અને તેમણે સિંગાપોરને ઘર બનાવ્યું છે. તે હવે ભારત, સિંગાપોર અને આસિયાન વચ્ચે નવીનીકરણ અને ઉદ્યોગનો પાયો બની રહેશે. થોડા સમય પહેલાં અમે રુપે, ભીમ અને યુપીઆઈને આંતરરાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરી છે.
તેની સિંગાપોરમાં શરૂઆત કરાય તે સ્વાભાવિક છે! સાથે મળીને આપણે મોબાઈલ અને ડિજિટલ ટેકનોલોજીનો શાસન અને સમાવેશીતામાં ઉપયોગ કરવા માટે કામ કરીશું. આપણે સાથે મળીને નવા યુગની એક શ્રેષ્ઠ, આર્થિક ભાગીદારીનું નિર્માણ કરીશું.
જ્યારે સિંગાપોર તેના નવા ભવિષ્યને આકાર આપી રહ્યું છે ત્યારે ભારત પણ નવી વૈશ્વિક તકો માટે અગ્ર સ્થાને ઉભરી રહ્યુ છે. વસ્તુ અને સેવાકર જેવા મોટા માળખાગત સુધારા કરાયા તે વર્ષે પણ અમે દુનિયામાં મોખરાની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર બની રહ્યા છીએ અને અમે એ રીતે આગળ વધવાનો ઈરાદો ધરાવીએ છીએ. અમારૂં અર્થતંત્ર હવે વધુ સ્થિર બન્યું છે. નાણાંકિય ખાધમાં ઘટાડો થયો છે. ફૂગાવાનો દર નીચો આવ્યો છે. ચાલુ ખાતાની ખાધ આરામદાયક છે. ચલણ સ્થિર છે અને વિદેશી હુંડિયામણની અનામતો તેની વિક્રમીઊંચાઈએ પહોંચી છે.
ભારત વર્તમાન સમયે ઝડપથી આગળ વધી રહ્યું છે. એક ‘નવુભારત’ આકાર લઈ રહ્યું છે અને આ માટે ઘણાં કારણો છે. એક, આર્થિક સુધારાઓ ઝડપભેર સ્થાન લઈ રહ્યા છે અને અત્યાર સુધી હતી તેના કરતાં તેનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર અને રાજ્યની સરકારોએ 10 હજારથી વધુ એવા પગલાં લીધા છે કે જેનાથી અમે વ્યાપાર વાણિજ્યમાં સરળતાના ક્રમાંકમાં 42ક્રમ આગળ વધી ચૂક્યા છીએ. ભારત આ રીતે આગળ વધી રહ્યું છે અને
બીજુ, કર વ્યવસ્થાઓ બદલવામાં આવી છેઃ નીચા દરે કર, વધેલી સ્થિરતા, કરવેરા વિવાદોનું ઝડપી નિરાકરણ અને ઈલેક્ટ્રોનિક ફાઈલીંગ સિસ્ટમ. વસ્તુ અને સેવા કર આઝાદી પછીનો સૌથી મોટો કર સુધારો છે. તેનાથી ભારત એક સિંગલ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે અને કરવેરાનો વ્યાપ વિસ્તર્યો છે.
આ કામ સરળ ન હતુ, પરંતુ તેને સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે અને તેને કારણે નવી આર્થિક તકો ઉભી થઈ છે. અમારો વ્યક્તિગત આવકનો વ્યાપ પણ વિસ્તરીને લગભગ 20 મિલિયનની નજીક પહોંચ્યો છે.
ત્રીજુ, અમારૂં માળખાગત સુવિધાનું ક્ષેત્ર વિક્રમી ઝડપે વિસ્તરી રહ્યું છે. ગયા વર્ષે અમે લગભગ 10 હજાર કિમી.ના રાષ્ટ્રીય ધોરિમાર્ગોનું નિર્માણ કર્યું છે, એટલે કે દરરોજ 27 કિમીનું બાંધકામ થયું છે. આ ઝડપ થોડા વર્ષો પહેલાં હતી તેના કરતાં આશરે બમણા જેટલી છે.
રેલવે ટ્રેકમાં ઉમેરો કરવાની ગતિ બમણી થઈ છે. મેટ્રો રેલવેની કામગીરી ઘણાં શહેરોમાં આગળ વધી રહી છે. સાત હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ, ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર અને 400 રેલવે સ્ટેશનોનું આધુનિકરણ થશે એટલે રેલવે ક્ષેત્રે પરિવર્તન આવશે.
અન્ય પ્રોજેક્ટસમાં 10 ગ્રીનફીલ્ડ એરપોર્ટસ, 5 નવા મોટા બંદરો, રાષ્ટ્રીયજળમાર્ગ માટે 111 નદીઓની પસંદગી અને 30માલ પરિવહન પાર્કનો સમાવેશ થાય છે અમે માત્ર 3 વર્ષના ગાળામાં 80 હજાર મેગા વોટ વીજળીનો ઉમેરો કર્યો છે.
અને પુનઃપ્રાપ્ય ઊર્જાની વાત કરીએ તો અમે દુનિયાના છઠ્ઠા નંબરના સૌથી મોટા ઉત્પાદક બન્યા છીએ. ગ્રીન અને ટકાઉ ભવિષ્ય માટેની અમારી આ નિષ્ઠા છે. સાદા શબ્દોમાં કહીએ તો દુનિયાની સૌથી મોટી માળખાગત સુવિધાઓની ગાથા ભારતમાં આકાર લઈ રહી છે.
ચોથુ, અમારૂં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર ફરીથી બેઠુ થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સીધા વિદેશી મૂડી રોકાણમાં ઘણો વધારો થયો છે. વર્ષ 2013-14માં 36મિલિયન યુએસ ડોલરથી વધીને 2016-17માં 60મિલિયન યુએસ ડોલર સુધી પહોંચ્યા છીએ. માઈક્રો, નાના અને મધ્યમ કદના એકમો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
અમે ચોક્કસ ક્ષેત્રોમાં આધુનિકીકરણ અને ઉત્પાદનનાંકાર્યક્રમો હાથ ધર્યા છે. વ્યવસાય વેરાના દરમાં ઘટાડો કર્યો છે અને કરવેરાના લાભ વધુ આકર્ષક અને સરળ બનાવ્યા છે. ભારતનું સ્ટાર્ટઅપ ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે અને હવે તેની ગણના ત્રીજા નંબરના આવા સૌથી મોટા ક્ષેત્ર તરીકે થાય છે. વાસ્તવમાં મારી મનગમતી યોજના મુદ્રા યોજના છે, જે ગરીબ અને વંચિત લોકોને નાનીલોન આપે છે. વિતેલા 3 વર્ષ દરમિયાન128 મિલિયન જેટલીલોન દ્વારા અમે 90મિલિયન યુએસ ડોલર જેટલા ધિરાણનું વિતરણ કર્યું છે અને તેમાંથી 74 ટકા જેટલી રકમ મહિલાઓને મળી છે. હા, મહિલાઓને 74 ટકા રકમ મળી છે!
પાંચમું, અમે નાણાંકિય સમાવેશિતા ઉપર મજબૂતપણે ધ્યાન આપી રહ્યા છીએ. છેલ્લા 3 વર્ષના ગાળા દરમિયાન અમે જેમની પાસે બેંકનું ખાતુ ન હતુ તેવા 316 મિલિયન જેટલા બેંકના ખાતાઓ ખોલાવ્યા છે. હવે ભારતના 99 ટકા પરિવારો પાસે બેંકનું ખાતુ છે.
દરેક નાગરિકને ગૌરવ અને ઓળખનો નવો સ્રોત પ્રાપ્ત થાય તે માટે અમે સમાવેશીતા અને સશક્તિકરણની નવી ગાથા શરૂ કરી છે. આ ખાતાઓમાં 12બિલિયન યુએસ ડોલરથી વધુ રકમ જમા થઈ છે.
50 મિલિયન યુએસ ડોલરથી વધુ રકમ સરકારે લાભાર્થીઓના ખાતામાં સીધી હસ્તાંતરીત કરી છે. તેમને હવે સરળતાથી પેન્શન અને વીમો ઉપલબ્ધ થયો છે. આ બધુ એક સપના સમાન હતું. હવે બેંકીંગના વિસ્તરણની એવી દુનિયા છે, જે ખૂબ જ વ્યાપકપણે અને ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.
છઠ્ઠુ, સમગ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ છવાઈ ગઈ છે. દરેકને માટે બાયોમેટ્રિક ઓળખ, લગભગ દરેકના ખિસ્સામાં મોબાઈલ ફોન અને બેંકનું ખાતુ દરેક પરિવાર સુધી પહોંચ્યું છે. દરેક ભારતીયનું જીવન પરિવર્તન થઇ રહ્યું છે.
અને આ રીતે ભારતમાં બધુ જ બદલાઈ રહ્યું છેઃ શાસન, જાહેર સેવા, ગરીબોને લાભ પહોંચાડવાની યોજનાઓ, ગરીબ લોકો સુધી બેંકીંગ અને પેન્શનના લાભ પહોંચાડવા વગેરે , દા.ત. ડિજિટલ વ્યવહારો ઝડપભેર વૃદ્ધિ પામી રહ્યા છે.
વર્ષ 2017માં યુપીઆઈ આધારિત આર્થિક વ્યવહારો 7000 ટકાના દરે વધ્યા છે. જાન્યુઆરીમાં તમામ ડિજિટલ વ્યવહારોનું મૂલ્ય બે ટ્રિલિયન યુએસ ડોલર જેટલું થયું છે. અમે 250 હજાર ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ કનેક્ટીવિટીનું વિસ્તારી રહ્યા છીએ અને આ દરેક ગ્રામ પંચાયતોમાં અમે કોમન સર્વિસ સેન્ટરની સ્થાપના કરી રહ્યા છીએ.
આના દ્વારા ઘણી ડિજિટલસેવાઓ પ્રાપ્ત થશે અને ગ્રામીણ વિસ્તારોમાં હજારો નોકરીઓ પેદા થશે. અટલ ઈનોવેશન મિશન હેઠળ અને 100 ઈન્ક્યુબેશન સેન્ટર ઉભા કરી રહ્યા છીએ. અમે ભારતભરમાં બાળકો માટે 24 હજાર ટીંકરીંગ લેબ સ્થાપી છે, જેથી તે સંશોધકો અને નોકરીઓનું નિર્માણ કરનાર બની શકે. આજના પ્રદર્શનકર્તા પણ આમાની એક લેબમાંથી આવે છે.
સાતમુ, છેલ્લા બે દાયકામાં ભારત દુનિયામાં સૌથી મોટા શહેરીકરણનો અનુભવ કરી રહ્યું છે. આ એક પડકાર છે, પરંતુ તે મોટી જવાબદારી અને તક પણ છે.
અમે 100 શહેરોને સ્માર્ટ સિટીમા રૂપાંતર કરવા અને 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓને પ્રગતિના નવા ક્ષેત્રો તરીકે નિર્માણ કરી રહ્યા છીએ. માસ ટ્રાન્ઝીટ, વેસ્ટ મેનેજમેન્ટ, પ્રદુષણ નિયંત્રણ, ટકાઉ આવાસો અને પોસાય તેવા આવાસના કાર્યક્રમોને અમે અગ્રતા આપી રહ્યા છીએ.
આઠમું, અમે કૌશલ્યોમાં મૂડી રોકાણ કરી રહ્યા છીએ અને ઉચ્ચ શિક્ષણના ધોરણમાં સુધારો કરી રહ્યા છીએ, કે જેથી અમારા 800 મિલિયન યુવાનો માટે ગૌરવ અને તકો પ્રાપ્ત થાય. સિંગાપોર પાસેથી શિખીને અમે એડવાન્સ્ડ ઈન્સ્ટીટ્યુટસ ઑફ સ્કિલ ડેવલપમેન્ટ સ્થાપી રહ્યા છીએ. અને આ વર્ષે અમે 15બિલિયન ડોલરનો કાર્યક્રમ હાથ ધર્યો છે, જે અમારી શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
નવમુ, કૃષિ ક્ષેત્રને એક અગ્રતાનું પ્રાપ્ત થઈ રહ્યું છે, જે દાયકાઓ પહેલાં હરિયાળી ક્રાંતિ થઈ ત્યારથી પ્રાપ્ત થયું નથી. અમે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થશે અને ન્યૂ ઈન્ડિયાનો જન્મ થશે ત્યારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.
આ માટે અમે ટેકનોલોજી, રિમોટ સેન્સીંગ, ઈન્ટરનેટ, ડિજિટલ ફાયનાન્સિયલ સિસ્ટમ, સરળ ધિરાણ,વીમો, જમીનની તંદુરસ્તીમાં સુધારો, સિંચાઈ, કિંમત અને કનેક્ટિવિટીનો ઉપયોગ કરવાના છીએ.
દસમુ, હું જેને ‘જીવન જીવવાનીસરળતા’ કહુ છુ તેવર્ષ 2022 સુધીમાં દરેક નાગરિક માણી શકે તેવી અમારી ઈચ્છા છે. આનો અર્થ એ થયો કે દાખલા તરીકે50 મિલિયન જેટલા નવા આવાસો બાંધવામાં આવશે જેથી દરેક માટે એક મકાન ઉપલબ્ધ હશે.
ગયા મહિને અમે એક સિમાચિન્હ સુધી પહોંચ્યા છીએ. 600 હજાર ગામડાંમાંથી દરેક ગામ હવે પાવર ગ્રીડ સાથે જોડાઈ ગયું છે. અમે દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાની યોજના હાથ ધરી રહ્યા છીએ.
આ વર્ષે અમે આયુષ્યમાન યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કર્યો છે. તેની હેઠળ 100 મિલિયન પરિવારો અથવા500 મિલિયન લોકોને આવરી લેવામાં આવશે અને 8,000 યુ.એસ. ડોલરનો વીમો આપવામાં આવશે. સાદા શબ્દોમાં કહીએ તો આ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સુવિધાયોજના છે.
જીવનની ગુણવત્તાને પણ સ્વચ્છ અને ટકાઉ વિકાસ સાથે જોડવામાં આવી છે. એ અમારાં મહત્વનાં ધ્યેયમાંનુ એક ધ્યેય છે. તે અમારા વારસાની જેમ ઊંડા મૂળ ધરાવે છે અને તે ધરતીના ભાવિ સાથે પણ સંબંધ ધરાવે છે અને હવે તે ભારતમાં જાહેર નીતિના દરેક પાસા અને પ્રજાની પસંદગી અંગે અમને માહિતગાર કરે છે.
આ મિશનમાં અમારા સ્વચ્છ ભારત, સ્વચ્છ નદીઓ, સ્વચ્છ હવા અને સ્વચ્છ શહેરોનો સમાવેશ થાય છે અને આ બધા ફેરફારો થઈ રહ્યા છે તેનુ કારણ કે અમારા લોકો. 1.25 અબજ લોકોનુ બનેલુ રાષ્ટ્ર, જેના 65 ટકા લોકો 35 વર્ષથી ઓછી વયના છે, જે આગળ વધી રહ્યાછે, પરિવર્તન માટે આતુર છે અને નવું ભારતબનાવવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે. આ પરિબળ પણ શાસન અને રાજકારણમાં પરિવર્તક બળ છે.
મિત્રો ,
ભારતમાં આર્થિક સુધારાઓની ગતિ અને દિશા અંગે ખૂબ જ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ પ્રવર્તે છે. અમે ભારતમાં બિઝનેસ કરવાની કામગીરીને સરળ અને સમતોલ બનાવીશુ. અમે ખુલ્લી, સ્થિર અને ન્યાયી આંતરરાષ્ટ્રીય વ્યાપાર વ્યવસ્થા માટે કામ કરીએ છીએ અને પૂર્વ માટેનુ અમારૂ જોડાણ સૌથી મજબૂત છે અને તે એકટ ઈસ્ટ નીતિનો મહત્વનો હિસ્સો બની રહેશે.
અમે ઘનિષ્ઠ, ન્યાયી, સમતોલ કરારોમાં માનીએ છીએ કે જે અમારાં તમામ રાષ્ટ્રોને વ્યાપાર અને મૂડીરોકાણના મોજા તરફ દોરી જાય. અમે હમણાં જ ભારત – સિંગાપોરના ઘનિષ્ઠઆર્થિક સહયોગ કરારની સમીક્ષાની કામગીરી પૂરી કરી છે અને અમે તેને વધુ અપગ્રેડ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.
અમે તમામની સાથે રહીને કામ કરીશું. લગભગ આસિયાનના તમામ દેશો સાથે, કે જેથી સ્થાનિક ઘનિષ્ઠ આર્થિક ભાગીદારી સુધી વહેલાં તારણ ઉપર પહોંચી શકાય. આ ક્ષેત્ર સાથે ભારતના સંબંધો જેમ વિકસી રહ્યા છે તેમ તેમ સિંગાપોર, આસિયાન અને વ્યાપક રીતે કહીએ તો ઈસ્ટ માટે પ્રવેશ દ્વાર બની રહેશે. આ વર્ષે સિંગાપોરના અધ્યક્ષ પદ હેઠળ આસિયાન, ભારત સાથેના આસિયાનના સંબંધોને વધુને વધુ આગળ લઈ જશે.
મિત્રો,
સમાપનમાં કહીશ કે સિંગાપોર માટે ભારતથી વધુ બહેતર કોઈ તક નથી. ભારત અને સિંગાપોર વચ્ચે જે સમાન બાબતો અને સમાન ક્ષમતા છે તેવી ખૂબ થોડા દેશો વચ્ચે હશે. આપણે સમાજમાં એક બીજાનું પ્રતિબિંબ છીએ. અને આપણે આ ક્ષેત્ર માટે જ એવુ જ ભાવિ ઈચ્છી રહ્યા છીએ.
અમે એવી દુનિયાને અનુસરવા માગીએ છીએ કે જ્યાં કાયદાનુ શાસન હોય અને તે ખુલ્લા સમુદ્ર અને સ્થિર વ્યાપાર વ્યવસ્થા સાથે જોડાયેલુ હોય. આખરે તો આપણી પાસે દુનિયાના અત્યંત પ્રતિભાશાળી, પ્રગતિશીલ પ્રોફેશનલ અને સિંગાપોરવાસી હોવાનું ગૌરવ અનુભવતા, અને પોતાના ભારતીય વારસા માટે પણ ગૌરવ અનુભવતો કટિબદ્ધ ભારતીય સમુદાય છે અને તે ભારત અને સિંગાપોર વચ્ચે સેતુ બનવા તૈયાર છે.
ભવિષ્ય એ અમર્યાદિત તકોની એક દુનિયા છે. અને તે આપણી પાસે છે. આ તકો ઝડપી લેવા માટે આપણે મહત્વાકાંક્ષી અને હિંમતવાન બનવાનું છે. આ સાંજ આપણને કહી રહી છે કે આપણે સાચા માર્ગે છીએ. બંને સિંહોએ સાથે મળીને કદમ માંડવા જોઈએ
આપનો આભાર,
આપનો ખૂબ – ખૂબ આભાર