પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે સંયુક્તપણે વીડિયો કોન્ફરન્સ મારફતે બે પરિયોજનાઓનાં શિલાન્યાસની ઇ-તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ભારતનાં વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ જોડાયા હતાં.
આ પરિયોજાઓમાં સામેલ છેઃ (1) ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન (2) ઢાંકા-તોંગી-જયદેવપુર રેલવે પ્રોજેક્ટ.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેનાં સહકારયુક્ત સંબંધોને દુનિયા માટે ઉદાહરણરૂપ ગણાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશો ભૌગોલિક રીતે પડોશી છે; અને ભાવનાત્મક રીતે એક પરિવાર છે. તેમણે કહ્યું હતું કે, પ્રસ્તાવિત પાઇપલાઇન બાંગ્લાદેશનાં અર્થતંત્રની સાથે-બંને દેશો વચ્ચેનાં સંબંધોને પણ વધુ મજબૂત બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રસ્તાવિત રેલવે પ્રોજેક્ટ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય અને શહેરી પરિવહન સેવાને મજબૂત કરવાની પ્રક્રિયામાં યોગદાન આપશે.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કરેલા સંબોધનનો મૂળપાઠ આ મુજબ છે:
બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી, મહામહિમ શેખ હસીનાજી,
ભારત અને બાંગ્લાદેશનાં મંત્રીઓ,
અને આ સીધા પ્રસારણ સાથે જોડાયેલા ભારત અને બાંગ્લાદેશનાં સાથીદારો,
નમસ્કાર.
થોડા જ દિવસોમાં આ આપણી બીજી વીડિયો કોન્ફરન્સ છે.
આપણઆં સંપર્કની સહજતાનું કારણ ટેકનોલોજી નથી, તેની પાછળ ભારત-બાંગ્લાદેશનાં ગાઢ સંબંધો અને સાતત્યતતાપૂર્ણ પ્રગતિ છે.
ભૌગોલિક રીતે આપણે પડોશી દેશ છીએ. પણ ભાવનાત્મક રીતે આપણે એક પરિવાર છીએ. એકબીજાનાં સુખ-દુઃખમાં સાથ આપવો, એકબીજાનાં વિકાસમાં સહકાર આપવો – આ આપણાં પારિવારિક મૂલ્યો છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં આપણા સહયોગે વિશ્વને દર્શાવ્યું છે કે જો બે પડોશી દેશ નક્કી કરી લે, તો ઘણું બધું કરી શકે છે.
પછી એ દાયકાઓ જૂનાં સરહદ સાથે સંબંધિત વિવાદ હોય, કે વિકાસ માટે સહયોગની પરિયોજનાઓ હોય, આપણે તમામ વિષયો પર અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.
આ પ્રગતિનો શ્રેય મહામહિમ, હું તમારાં કુશળ નેતૃત્વને આપું છું. આ માટે તમને હાર્દિક શુભેચ્છા પણ પાઠવું છું.
મિત્રો,
આજે જે ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન પર કામ શરૂ થયું છે, એ વિકાસ માટે પારસ્પિક સહયોગનાં મહાકાવ્યામાં એક નવા પ્રકરણ ઉમેરશે.
કોઈ પણ દેશનાં વિકાસ માટે ઊર્જા એક આધારભૂત આવશ્યકતા છે. અને મને વિશ્વાસ છે કે આ પાઇપલાઇન બાંગ્લાદેશનાં મહત્ત્વાકાંક્ષી વિકાસ લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે પ્રેરકબળ બનશે.
ખાસ કરીને બાંગ્લાદેશનાં ઉત્તર ભાગમાં આ પાઇપલાઇન ઓછી કિંમતે ઊર્જા ઉપલબ્ધ કરાવશે.
બાંગ્લાદેશનાં અર્થતંત્રની સાથે આપણા સંબંધોને પણ આ પાઇપલાઇન ઊર્જા આપશે.
જોકે આ પાઇપલાઇન ભારતના અનુદાન સહયોગથી બનાવવામાં આવી રહી છે, પણ અમારાં માટે આનંદની વાત એ છે કે કામ પૂરું થતાં એને બાંગ્લાદેશની સરકાર અને લોકોને સમર્પિત કરવામાં આવશે.
આ જ રીતે અત્યારે આપણે જે રેલવે પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે એ ફક્ત ઢાંકાનાં સામાન્ય લોકોને રોડ ટ્રાફિકને રાહત આપવાની સાથે નૂર દરની આવકમાં પણ વધારો કરશે.
મને વિશ્વાસ છે કે આ રેલવે પ્રોજેક્ટથી બાંગ્લાદેશની રાષ્ટ્રીય અને શહેરી પરિવહન સુવિધા સુધારવાના અભિયાનમાં પણ મદદ મળશે.
મહામહિમ,
આપનું vision છે કે આપણી વચ્ચે 1965 પહેલાની કનેક્ટિવિટી ફરી સ્થાપિત થાય. એનાથી અમને પ્રેરણા મળે છે.
મને ખુશી છે કે, ઢાંકા-ટોંગી-જૉયદેવપુર જૈવા પ્રોજેક્ટ આપણી કનેક્ટિવિટીને 21મી સદીની જરૂરિયાતો અનુસાર આકાર આપી રહ્યાં છે.
ફક્ત 10 દિવસોમાં આપણે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી 5 પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું છે. આ ગતિ, આ વેગ, તમારા મજબૂત અને કુશળ નેતૃત્વ વિના શક્ય નથી.
મને ખાતરી છે કે આગામી સમયમાં ભારત અને બાંગ્લાદેશનાં લોકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે આ જ ભાવના સાથે કામ કરતા રહીશું.
મહામહિમ
પોતાની વાત પૂર્ણ કરતાં અગાઉ હું તમને 28 સપ્ટેમ્બરનાં રોજ આપનાં જન્મદિવસ માટે હાર્દિક શુભેચ્છા આપવા ઇચ્છું છું.
ભારતમાં અમે બધા તમારા લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરીએ છીએ તથા આશા કરીએ છીએ કે બાંગ્લાદેશની વિકાસયાત્રામાં અને ભારત-બાંગ્લાદેશ મૈત્રી માટે તમારું માર્ગદર્શન મળતું રહે.
ધન્યવાદ.