આદરણીય પ્રધાનમંત્રી,
મારા મિત્ર, માર્ક રુટ,
પ્રતિષ્ઠિત પ્રતિનિધિગણ,
મીડિયાના સભ્યો,
મિત્રો,
પ્રધાનમંત્રી માર્ક અને તેમની સાથે આવેલા પ્રતિનિધિ મંડળનું ભારતમાં હાર્દિક સ્વાગત છે. મને ખાસ કરીને પ્રસન્નતા છેકે પ્રધાનમંત્રી માર્કની સાથે તેમના મંત્રીમંડળનાં4 સહયોગી, હેગના મેયર અને 200થી વધુ વેપારી પ્રતિનિધિઓ પણ ભારત આવ્યા છે.નેધરલેંડથી ભારત આવનારૂ આ સૌપ્રથમ વેપારી પ્રતિનિધિમંડળ છે અને તે સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે અમારા વેપાર અને રોકાણના સંબંધોમાં કેટલી ગતિશીલતા છે. કેટલી સંભાવનાઓ છે. 2015માં પ્રધાનમંત્રી રુટ સૌપ્રથમ વાર ભારત આવ્યા હતા. 2017માં મારે નેધરલેંડ જવાનું થયું હતું. અને અમારુ ત્રીજુસંમેલન આજે થયું છે. એવા ઘણા ઓછા દેશો છે કે જેમની સાથે અમારા સંબંધોમાં ઉચ્ચસ્તરીય મુલાકાતની આ પ્રકારની ગતિ જોવા મળે છે અને આ ગતિ માટે, ભારતની સાથે સંબંધોને અંગતરૂપે પ્રાથમિકતા આપવા માટે, હું મારા મિત્ર માર્કને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
મિત્રો,
આજે અમે બંનેએ અમારા દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી છે. ક્ષેત્રીય અને વૈશ્વિક વિકાસના વિષયમાં પોતપોતાના અનુભવો વહેંચ્યા છે અને અમે બંને દેશના મુખ્ય સીઈઓને પણ મળ્યા. ગયા વર્ષે જયારે હું નેધરલેંડ ગયો હતો તો મે મારા મિત્ર માર્કને આગ્રહ કર્યો હતો કે તેઓ આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધનનાંસભ્ય બનવા માટે હકારાત્મક વિચાર કરે. સૌર ઊર્જાના ક્ષેત્રમાં નેધરલેંડ પાસે જે ટેકનોલોજી છે, જે અનુભવ છે અને જે વિશેષતા છે, તેનો લાભ સમગ્ર વિશ્વને મળવો જોઈએ અને મને પ્રસન્નતા છે કે આજે નેધરલેંડ આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધનનું સભ્ય બન્યું છે. આ નિર્ણય માટે હું પ્રધાનમંત્રી રુટનો આભાર પ્રગટ કરું છું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી લઈને બહુપક્ષીય નિકાસ નિયંત્રણનાં નિયમો સુધી, ભારત અને નેધરલેંડની વચ્ચે ખૂબ સારા અને નજીકના સહયોગ અને સમન્વય રહ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધન, આંતરરાષ્ટ્રીય મંચ પર અમારા મજબુત સહયોગનું એક નવું પાસું બનશે.
મિત્રો,
ભારત ડચ કંપનીઓ માટે નવું નથી. ઘણા વર્ષોથી સેંકડો ડચ કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે. નેધરલેંડ ભારતમાં અત્યાર સુધી થયેલ કુલ સીધા વિદેશી મૂડી રોકાણ માટે પાંચમું સૌથી મોટું સ્રોત છે અને છેલ્લા કેટલાક સમયમાં તો ત્રીજા સૌથી મોટા સ્રોતના રૂપમાં ઉભરી આવ્યું છે. તે જ રીતે ભારતીય કંપનીઓના રોકાણ માટે પણ નેધરલેંડ ઘણું આકર્ષક સ્થળ છે અને એટલા માટે બંને દેશોના સીઈઓ સાથે મુલાકાત ઘણી ઉપયોગી છે. મને ખુશી છે કે નેધરલેંડના વેપારી સમુદાયમાં ભારતમાં પ્રાપ્ત થઇ રહેલા અવસરો પ્રત્યે ઉત્સાહપૂર્વકની ભાવના છે. મે પણ તેમને ભરોસો અપાવ્યો છે કે ભારતમાં આર્થિક સુધારાઓ પ્રત્યે મારી મજબુત પ્રતિબદ્ધતા યથાવત રહેશે. કૃષિ અને ખાદ્યાન્ન પ્રક્રિયાના ક્ષેત્ર ભારત માટે ખાસ રૂપે મહત્વપૂર્ણ છે. આ વિષય અમારી ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલ છે. સાથે જ ભારતના ખેડૂતોની આવકને બમણી કરવાના અમારા લક્ષ્ય માટે પણ તેનું ખૂબ મહત્વ છે. આ ક્ષેત્રોમાં નેધરલેંડે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. ગયા વર્ષે વર્લ્ડ ફૂડ ઇન્ડિયામાં નેધરલેંડે ફોકસ કન્ટ્રીના રૂપમાં ભાગ લીધો હતો. અને મને વિશ્વાસ છે કે 2019માં આના આગામી ભાગમાં નેધરલેંડની ભાગીદારી હજુ વધારે હશે. મને ખુશી છે કે બારામતીમાં શાકભાજીઓ માટે ઇન્ડો-ડચ સેન્ટર ઑફ એકસેલન્સ શરૂ થઇ ગયું છે. આ પ્રકારના અન્ય કેન્દ્રો પર પણ અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. એ જ રીતે શહેરી વિકાસમાં પણ અમારો સહયોગ ગતિમાન છે. વડોદરા અને દિલ્હીમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટના પ્રોજેક્ટ્સ સારી પ્રગતિ કરી રહ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અમારો સહયોગના 10 વર્ષ પુરા થઇ રહ્યા છે અને 2019માં ભારતમાં આયોજિત થનાર ટેક સમિટમાં નેધરલેંડ દ્વારા સહયોગી દેશ તરીકે ભાગીદારી વડે આ સફળ સહયોગને વધારે મજબુતી મળશે.
મિત્રો,
મારી સરકારની વિદેશ નીતિની એક મોટી પ્રાથમિકતા એ રહી છે કે વિદેશમાં રહેનારા ભારતીય સમાજના વિષયો ઉપર પણ અમારું ખાસ ધ્યાન રહે. સપ્ટેમ્બર 2017માં સિંટ માર્ટનમાં આવેલા વાવાઝોડાના સમયે ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાના વિષયે સહયોગ માટે હું પ્રધાનમંત્રી રુટ અને નેધરલેંડની સરકારને ખાસ રૂપે અભિનંદન આપું છું.
મહોદયશ્રી,
હું એકવાર ફરી ભારતમાં આપનું અને આપના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.
આભાર! ખૂબખૂબ આભાર!!