નેપાળનાં પ્રધાનમંત્રી રાઇટ ઑનરેબલ શ્રી કે પી શર્મા ઓલી ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણનો સ્વીકાર કરીને 6 એપ્રિલથી 8 એપ્રિલ, 2018 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે.
બંને પ્રધાનમંત્રીઓએ ભારત અને નેપાળ વચ્ચેનાં બહુપક્ષીય સંબંધોનાં તમામ પ્રકારનાં પાસાંની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે બંને દેશોની સરકાર, ખાનગી ક્ષેત્ર અને બંને દેશોનાં નાગરિક સ્તરે ગાઢ થતાં સંબંધોને આવકાર આપ્યો હતો. બંને પ્રધાનમંત્રીઓએ સમાનતા, પારસ્પરિક વિશ્વાસ, સન્માન અને લાભનાં આધારે બંને દેશો વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભારત અને નેપાળ વચ્ચેનાં મૈત્રીપૂર્ણ સંબંધો બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક પાયા અને સાંસ્કૃતિક જોડાણ તથા લોકો વચ્ચેનાં ગાઢ સંબંધો પર નિર્મિત છે એ વાતને યાદ કરીને બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં નિયમિતપણે ઉચ્ચ સ્તરીય રાજકીય આદાનપ્રદાનોનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રી ઓલીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને વધારે મજબૂત કરવાની અતિ મહત્ત્વપૂર્ણ બાબતોને સમજે છે. તેમણે આર્થિક પરિવર્તન અને વિકાસ માટે ભારતની પ્રગતિ અને સમૃદ્ધિમાંથી લાભ લઈ શકે એ રીતે દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા નેપાળની સરકારની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ઓલીને ખાતરી આપી હતી કે નેપાળ સરકારની પ્રાથમિકતાઓ મુજબ નેપાળ સાથે ભાગીદારીને મજબૂત કરવા ભારત કટિબદ્ધ છે અને રહેશે.
પ્રધાનમંત્રીએ મોદીએ જણાવ્યું હતું કે, ભારત સરકારનો ‘સબકા સાથ સબકા વિકાસ’નો દ્રષ્ટિકોણ ભારતનેતેનાપોતાનાં પડોશી દેશો સાથે સર્વસમાવેશક વિકાસ અને સમૃદ્ધિનાં સહિયારા વિઝન સાથેના સંબંધો રાખવા માર્ગદર્શન પૂરું પાડે છે.પ્રધાનમંત્રી ઓલીએ જણાવ્યું હતું કે, નેપાળમાં સીમાચિહ્નરૂપ રાજકીય પરિવર્તન થયા પછી તેમની સરકાર નેપાળની આર્થિક કાયાપલટ કરવા ઇચ્છે છે અને તેમની સરકારનો સિદ્ધાંત ‘સમૃદ્ધ નેપાળ, સુખી નેપાળી’ છે. પ્રધાનમંત્રી મોદીએ નેપાળમાં સ્થાનિક સ્તરે, સંઘીય સંસદ અને સૌપ્રથમ પ્રાંતીય ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજવા બદલ નેપાળની સરકાર અને જનતાને અભિનંદન આપ્યાં હતાં તથા તેમનાં સ્થિરતા અને વિકાસનાં મંત્રની પ્રશંસા કરી હતી.
બંને પ્રધાનમંત્રીઓએ નેપાળમાં વીરગંજ ખાતે ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટનું ઉઘાટન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ ચેક પોસ્ટ વહેલાસર કાર્યરત થવાથી સીમા પાર વેપાર અને ચીજવસ્તુઓ તથાલોકોની અવરજવરમાં વધારો થશે તેમજ સહિયારી વૃદ્ધિ અને વિકાસ માટે મોટી તકો ઊભી થશે.
બંને પ્રધાનમંત્રીઓ ભારતમાં મોતિહારી ખાતે મોતિહારી-આમ્લેખગંજ ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પાઇપલાઇનનાભૂમિપૂજનનાં પણસાક્ષી બન્યાં હતાં.
બંને પ્રધાનમંત્રીઓએ નેપાળમાં દ્વિપક્ષીય પ્રોજેક્ટનાં ઝડપી અમલીકરણ માટે જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા વિવિધ ક્ષેત્રોમાં સાથસહકારને પ્રોત્સાહન આપવા હાલની દ્વિપક્ષીય વ્યવસ્થાઓને પુનઃસક્રિય કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.
આજે પારસ્પરિક હિતનાં નીચેનાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર ત્રણ અલગ-અલગ સંયુક્ત નિવેદનોની લિન્ક નીચે મુજબ છેઃ
- India-Nepal: New Partnership in Agriculture
- Expanding Rail Linkages: Connecting Raxaul in India to Kathmandu in Nepal
- New Connectivity between India and Nepal through Inland Waterways
બંને પ્રધાનમંત્રીઓ સંમત થયાં હતાં કે, આ મુલાકાત બંને દેશો વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપશે.
પ્રધાનમંત્રી ઓલીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપવા બદલ તથા તેમનાં અને તેમનાં પ્રતિનિધિમંડળને ઉષ્માભર્યો આવકાર આપવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી ઓલીએ નેપાળની વહેલામાં વહેલી તકે મુલાકાત લેવા પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. હવે રાજદ્વારી ચેનલ્સ મારફતે તારીખો નક્કી થશે.