સ્વામી ચિદાનંદ સરસ્વતીજી,
શંકરાચાર્ય દિવ્યાનંદ તીર્થજી મહારાજ
સ્વામી અસંગાનંદ સરસ્વતીજી,
સાધવી ભગવતી સરસ્વતીજી,
સાધુસંતો, આચાર્યો, મિત્રો,
આજે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે તમારી સાથે જોડાવાનો મને આનંદ છે.
હું મારી વાત શરૂ કરું એ અગાઉ આપ સૌને તાજેતરમાં ભારતમાં આપણા વિજ્ઞાનીઓએ મેળવેલી નોંધપાત્ર સિદ્ધિઓ વિશે જણાવવા ઇચ્છું છું.
આપણા અંતરિક્ષ વિજ્ઞાનીઓએ ગયા મહિને વિશિષ્ટ સિદ્ધિ મેળવી હતી.
તેમણે એક જ રોકેટ છોડીને અવકાશમાં એકસાથે 104 ઉપગ્રહો તરતા મૂક્યા હતા.
તેમાંથી 101 ઉપગ્રહો અમેરિકા, ઇઝરાયેલ, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, કઝાખિસ્તાન અને યુએઇ જેવા દેશોની માલિકીના હતા.
આપણા સંરક્ષણ વિજ્ઞાનીઓએ પણ ભારતને ગૌરવ થાય તેવી સફળતા હાંસલ કરી છે.
તેમણે 11 ફેબ્રુઆરીના રોજ હાઈ અલ્ટિટ્યુડ બેલિસ્ટિક મિસાઇલ સુરક્ષાકવચનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું, જે આપણા મહત્વપૂર્ણ શહેરોને મિસાઇલ હુમલાઓ સામે અસરકારક રીતે સુરક્ષા પૂરી પાડી શકે છે.
તેમણે ગઇકાલે તેમની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું હતું અને લો અલ્ટિટ્યુડ ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
આ ક્ષમતા અત્યારે દુનિયાના ફક્ત ચાર દેશો જ ધરાવે છે.
હું આ બંને મહત્વપૂર્ણ સફળતાઓ બદલ આપણા અંતરિક્ષ અને સંરક્ષણ વિજ્ઞાનીઓને અભિનંદન આપું છું.
हमारे अंतिरक्ष और रक्षा वैज्ञानिकों की उपलब्धियों ने भारत की प्रतिष्ठा को पूरे विश्व मेंऊंचा किया है।
(આપણા અંતરિક્ષ અને સંરક્ષણ વૈજ્ઞાનિકોની સિદ્ધિઓએ સંપૂર્ણ વિશ્વમાં ભારતની શાન વધારી છે.)
દેવીઓ અને સજ્જનો,
આપણે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એમ બંને ક્ષેત્રોમાં સંશોધન કરવામાં તેમજ આપણું આત્મમંથન કરવામાં માનીએ છીએ. બંને સંશોધનમાં એક વિજ્ઞાન છે અને બીજું યોગ છે.
આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન કરવા માટે ઋષિકેશથી શ્રેષ્ઠ સ્થળ બીજું કોઈ ન હોઈ શકે.
ખરેખર ગંગાકિનારે વસેલું આ નગર શાંતિ મેળવવા અને યોગનો સાચો સાર ગ્રહણ કરવા સદીઓથી સાધુસંતો, યાત્રાળુઓ, નાગરિકો અને સેલિબ્રિટીઓને આકર્ષે છે.
ઋષિકેશમાં ગંગા મૈયાના કિનારાઓ પર વિશ્વના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અને વિવિધ સંસ્કૃતિઓના લોકોનો સંગમ થાય છે. તેને જોઈને મને મહાન જર્મન વિદ્વાન મેક્સ મૂલરની વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું કેઃ
“જો મને પૂછવામાં આવે કે આ ધરતી પર ક્યા મનુષ્યએ તેને પ્રાપ્ત કુદરતી ભેટનો સૌથી વધુ વિકાસ કર્યો છે, ક્યા મનુષ્યએ જીવનની સમસ્યાઓનું સમાધાન કરવા ગહન ચિંતન કર્યું છે અને તેને શાશ્વત સમાધાન મળ્યા છે, તો મારે ભારત તરફ નજર કરવી જોઈએ.”
મેક્સમૂલરથી લઈને આજે ઋષિકેશમાં હાજર તમે બધા તમારા જીવનમાં અતિ સફળ લોકો છો. પણ આપણા બધા માટે આત્મજ્ઞાન મેળવવાનું એકમાત્ર સ્થળ, એકમાત્ર પીઠ ભારત જ રહ્યું છે.
અને મોટા ભાગના કિસ્સાઓમાં આ ઝંખના તેમને યોગ તરફ દોરી ગઈ છે.
યોગ લોકોને જીવન સાથે તાર મેળવવાનો, જોડાણ કરવાનો સેતુ છે, જે પ્રકૃતિ સાથે માનવજાતને ફરી જોડે છે.
તે આપણી સ્વની મર્યાદિત સમજણ વધારે છે, આપણને કુટુંબ, સમાજ અને માનવજાત પ્રત્યે જોવાની દ્રષ્ટિ આપે છે.
એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “વિસ્તરણ જીવન છે, સંકુચિતતા મૃત્યુ છે.”
યોગના માર્ગે એકત્વની ભાવના પેદા થાય છે – તન, મન અને બુદ્ધમાં એકત્વ પેદા થાય છે.
આપણા કુટુંબ સાથે એકત્વ, આપણે જે સમાજમાં રહીએ છીએ એની સાથે એકતા, આપણે જે સુંદર ગ્રહ પર રહીએ છીએ તેમાં આપણી સાથે રહેતા સાથી મનુષ્યો, તમામ પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો સાથે જોડાણની ભાવના…આ જ યોગ છે.
યોગ ‘વ્યક્તિ’માંથી ‘સમષ્ટિ’ તરફની સફર છે.
व्यक्ति से समष्टि तक ये यात्रा है। मैं से हम तक की यह अनुभूति, अहम से वयम तक कायह भाव-विस्तार, यही तो योग है।
(આ વ્યક્તિમાંથી સમષ્ટિ સુધીની સફર છે. સ્વમાંથી આપણા સુધીની આ અનુભૂતિ, અહમથી વયમ્ સુધીનો આ ભાવવિસ્તાર જ તો યોગ છે.)
આ સફર કુદરતી આડપેદાશ તરીકે સારું સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને જીવનમાં સમૃદ્ધિના વધારાના લાભ પણ આપે છે.
યોગ વ્યક્તિને વૈચારિક, કર્મ, જ્ઞાન અને સમર્પણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વ્યક્તિ બનાવે છે.
યોગને ફક્ત કસરત કરવાની પદ્ધતિ તરીકે જોવું અનુચિત છે. કસરત કરવાથી શરીર ચુસ્ત રહે છે.
પણ યોગ શારીરિક કસરતથી વિશેષ છે.
આધુનિક જીવનના તણાવમાંથી શાંતિ મેળવવાની તડપ ઘણી વખત લોકોને તમાકુ, શરાબ, કે નશીલા દ્રવ્યોના સેવન તરફ દોરી જાય છે.
યોગ શાશ્વત, સરળ અને સ્વસ્થ વિકલ્પ પૂરો પાડે છે. અનેક પુરાવા પ્રાપ્ત થયા છે કે યોગ કરવાથી તણાવ અને જીવનશૈલી સંબંધિત વિકારોમાંથી છૂટકારો મેળવવામાં મદદ મળે છે.
અત્યારે દુનિયા બે ગંભીર પડકારોનો સામનો કરી રહી છે – આતંકવાદ અને આબોહવામાં પરિવર્તન.
આ સમસ્યાઓનું સ્થાયી અને શાશ્વત સમાધાન મેળવવા દુનિયાએ ભારત અને યોગ તરફ મીટ માંડી છે.
જ્યારે આપણે વૈશ્વિક શાંતિની વાત કરીએ છીએ, ત્યારે આ માટેનું એકમાત્ર સમાધાન છે – વિવિધ દેશો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધોનું નિર્માણ. જ્યારે સમાજની અંદર શાંતિ હોય, ત્યારે જ આ શક્ય છે. સ્વસ્થ અને સંતુલિત કુટુંબો જ શાંત સમાજની રચના કરી શકે. શાંત વ્યક્તિઓ જ સ્થિર કુટુંબોનું નિર્માણ કરી શકે. યોગ આ પ્રકારની સંવાદિતા ઊભી કરવાનો તથા વ્યક્તિઓ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને છેવટે દુનિયાની અંદર શાંતિ સ્થાપિત કરવાનો માર્ગ છે.
યોગ મારફતે આપણે નવા યુગનો સૂત્રપાત કરીશું – આ યુગ એકતા અને સંવાદિતાનો યુગ હશે.
જ્યારે આપણે આબોહવામાં પરિવર્તન સામે લડવાની વાત કરીએ છીએ, ત્યારે આપણે જીવનશૈલી સંબંધિત ઉપભોગ કે “ભોગ” છોડવા ઇચ્છીએ છીએ. યોગથી આ શક્ય છે.
યોગ શિસ્તબદ્ધ અને વિકસિત જીવન તરફ અગ્રેસર થવા મજબૂત આધાર છે તેવું પુરવાર થયું છે.
અત્યારે વ્યક્તિ માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે, ત્યારે યોગ સંપૂર્ણપણે નવો અભિગમ પૂરો પાડે છે.
યોગ કશું મેળવવા સાથે સંબંધિત નથી. પણ તમે શું છોડી શકો છો, તમે મુક્તિ મેળવી શકો છો તેના પર કેન્દ્રીત છે.
એટલે યોગ પ્રાપ્તિને બદલે આપણને મુક્તિના માર્ગે દોરી જાય છે.
સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ પરમાર્થ નિકેતનમાં તેમના કાર્ય દ્વારા આ ઉદાત્ત વિચારો જીવવાના માર્ગનું દર્શન આપણને કરાવ્યું છે.
હું યોગને સમગ્ર દુનિયાના લોકો સુધી પહોંચાડવામાં પરમાર્થ નિકેતનના કાર્યોની પ્રશંસા કરું છું.
મને એન્સાઇક્લોપીડિયા ઓફ હિંદુઇઝમના 11 વોલ્યુમનું સંકલન કરવામાં સ્વામીજીએ ભજવેલી સક્રિય ભૂમિકા યાદ છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, સ્વામીજી અને તેમની ટીમે 25 વર્ષથી ઓછા સમયગાળામાં આ મિશન પૂર્ણ કર્યું હતું અને તેમના કાર્યનું ઊંડાણ જબરદસ્ત હતું.
તેમણે ફક્ત 11 વોલ્યુમમાં હિંદુ સંસ્કૃતિના, હિંદુ જીવનશૈલીના લગભગ તમામ પાસા આવરી લીધા હતા.
હકીકતમાં આ વોલ્યુમ ખજાનો છે, જેનો લાભ અધ્યાત્મમાં રસ ધરાવતી દરેક વ્યક્તિ, યોગી અને સામાન્ય નાગરિક પણ લઈ શકે છે.
એન્સાઇક્લોપીડિયા ઓફ હિંદુઇઝમ જેવું કામ વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે દેશની અંદર અન્ય સંસ્કૃતિઓ અને પરંપરાઓની સમજણ વધારવા અને જાગૃતિ લાવવા માટે અતિ ઉપયોગી છે.
આ સમજણ વધારે છે, જેથી વિવિધ સમુદાયો વચ્ચે નફરત, ગેરસમજણ ઘટે છે તથા સહકાર, શાંતિ અને ભાઈચારો વધે છે.
આ પ્રસંગે હું ભારતને સ્વચ્છ બનાવવા માટેના જન આંદોલન સ્વચ્છ ભારત મિશનમાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ પરમાર્થ નિકેતનને અભિનંદન પાઠવું છું.
ભારતીય પરંપરાઓમાં અંગત સ્વચ્છતા પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. આપણને આપણું શરીર શુદ્ધ અને સ્વચ્છ જાળવવાની સાથે આપણી પરંપરાઓમાં આપણા ઘર, કાર્યસ્થળો અને મંદિરોને સ્વચ્છ રાખવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ સ્થાનોની ચાર દિવાલોની અંદર કચરો કરવો કે ગંદકી કરવાની કામગીરીની અનૈતિક, અશુદ્ધ કે અપવિત્ર ગણવામાં આવે છે.
આપણા ધર્મગ્રંથોમાં પણ વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વના ગુણગાન ગાવામાં આવ્યા છે.
જોકે આપણા સમાજમાં ખુલ્લી જગ્યાઓ પર ગંદકી કરવાનું વલણ જોવામાં આવે છે.
પશ્ચિમ અને અન્ય વિકસિત દેશોમાં આવું જોવા મળતું નથી, જ્યાં સામુદાયિક સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્ય વચ્ચેના જોડાણની સમજણ વધારે સ્પષ્ટ છે. જળાશયો, જમીન અને હવા જેવી જાહેર ચીજવસ્તુઓની સાફસફાઈ અંગે જાગૃતિ અને તેનું પાલન મહત્વપૂર્ણ છે.
એટલે સારું સ્વાસ્થ્ય વ્યક્તિગત સુખાકારી અને પર્યાવરણીય સુખાકારીનો સંયુક્ત પ્રયાસ છે.
સ્વચ્છ ભારત મિશન મારફતે અમે સામુદાયિક સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વાસ્થ્ય વચ્ચે જોડાણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.
ઐતિહાસિક મંદિરો આપણા સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સામાન્ય રીતે તેમનું નિર્માણ જમીનના મોટા વિસ્તાર પર થયું હતું અને ઘણી વખત તેઓ રહેણાક વિસ્તારોથી દૂર હતા.
જોકે સમયની સાથે તેમની આસપાસ બજારો ભરાવા લાગ્યા અને રહેણાક વિસ્તારોનું નિર્માણ થયું હતું. એટલે તેમના માટે આસપાસ અસ્વચ્છ વાતાવરણના મોટા પડકારો ઊભા થયા હતા.
એટલે સ્વચ્છ ભારત મિશનમાં હવે આ સમસ્યાનું સમાધાન કરવા પ્રોજેક્ટ “સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ” સામેલ કરવામાં આવ્યો છે.
તેના પ્રથમ તબક્કામાં અમે કામાખ્યા મંદિર, જગન્નાથ પુરી, મીનાક્ષી મંદિર, તિરુપતિ, સુવર્ણ મંદિર અને વૈષ્નૌદેવી મંદિરને સામેલ કર્યાં છે અને તેમની આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવીશું.
અને એટલે જ ભારતને સ્વચ્છ બનાવવા માટેના મહત્વપૂર્ણ મિશન સ્વચ્છ ભારત અભિયાન દેશમાં વિશ્વાસ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે.
આપણે બધાએ સપ્ટેમ્બર, 2014માં યોગ માટે વિશ્વના જબરદસ્ત સમર્થનના સાક્ષી બન્યા હતા. મેં સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાના સત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
મારે સ્વીકારવું પડશે કે આ દરખાસ્તને તરત જ દુનિયાના મોટા ભાગના દેશો વધાવી લેશે તેવી મને કલ્પના નહોતી.
સમગ્ર વિશ્વમાંથી અનેક દેશોએ આપણી સાથે હાથ મિલાવ્યા છે.
અને હવે દર વર્ષે 21મી જૂનને દક્ષિણાયન નિમિત્તે આખી દુનિયા એકસાથે યોગ કરે છે. યોગ કરવા એક થાય છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા અનેક દેશોનું એકમંચ પર આવવું યોગના સાચા સાર – એકતાને, એકત્વને પ્રદર્શિત કરે છે.
યોગ નવા યુગનો સૂત્રપાત કરવાની ક્ષમતા ધરાવે છે. આ યુગ શાંતિનો, કરુણાનો, ભાઇચારાનો અને માનવજાતની તમામ પ્રકારની પ્રગતિનો હશે.
દેવીઓ અને સજ્જનો,
હિમાલયના પવિત્ર આશીર્વાદ તમને બધાને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
ગંગા મૈયાના કિનારે સદીઓથી આપણા ઋષિમુનિઓ અને સાધુસંતો સાધના કરે છે. અહીં યોગના આ મહાન ઉત્સવમાં તમારી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય અને તમને આશીર્વાદ મળે તેવી પ્રાર્થના.
તમને બધાને આધ્યાત્મિક નગર ઋષિકેશ અને પરમાર્થ નિકેતનના દિવ્ય સાંનિધ્યમાં આનંદ મળે તેવી આશા.
યોગ દરેક અને તમામ વ્યક્તિઓને લાભદાયક બની રહે તેવી પ્રાર્થના.
આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવને ભવ્ય સફળતા મળે તેવી મારી શુભેચ્છા.
તમારો આભાર. તમારો ખૂબ ખૂબ આભાર.
There can be no better place than Rishikesh to host the @IntlYogaFest : PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017
There is ample evidence that practicing Yoga helps fight stress and life-style related issues: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017
Through Yoga, we will create a new Yuga of togetherness & harmony: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017
I appreciate the work being done by @ParmarthNiketan in bringing Yoga closer to people across the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017
I wish that the @IntlYogaFest becomes a grand success: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 2, 2017