મંચ પર બિરાજમાન મહાનુભાવો,
ભારત અને વિદેશમાંથી પધારેલા મહેમાનો,
દેવીઓ અને સજ્જનો
મને આજે અહીં વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદઘાટન કરવાની ખુશી છે. જે લોકો આપણી સાથે પરદેશમાંથી જોડાયા છે તેમનું ભારતમાં સ્વાગત છે, દિલ્હીમાં સ્વાગત છે.
મને આશા છે કે, આ સમિટમાં બાકીનાં સમયમાં તમે આ ઐતિહાસિક મહાનગરનાં ઇતિહાસ અને ભવ્ય સાંસ્કૃતિક વારસાને જોવા-જાણવા માટે થોડો સમય ફાળવશો. આ સમિટ ભારતની આપણાં માટે અને આપણી ભવિષ્યની પેઢીઓ માટે પૃથ્વીને પર્યાવરણ માટે અનુકૂળ બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરે છે.
અમને એક દેશ તરીકે અમારાં હજારો વર્ષ જૂનાં ઇતિહાસ તથા મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સાનુકૂળ સહ-અસ્તિત્ત્વની પરંપરા પર ગર્વ છે. પ્રકૃતિ માટેનું સન્માન અમારાં મૂલ્યનું અભિન્ન અંગ છે.
અમારી પરંપરાગત પદ્ધતિઓ સ્થાયી જીવનશૈલીમાં વ્યવહારિકતા પ્રદાન છે. આપણું લક્ષ્ય આપણાં પ્રાચીન સૂત્રોને જીવંત કરવા સક્ષમ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે,“આપણે ધરતી માતાનાં સંતાનો છીએ અને તેને શુદ્ધ રાખવી આપણી પવિત્ર ફરજ છે.”
આપણાં અતિ પ્રાચીન ગ્રંથોમાંનો એક અથર્વવેદ કહે છે,
माताभूमि: पुत्रोहंपृथिव्याः
આ આદર્શને આપણે ચરિતાર્થ કરીને જીવન જીવવા ઇચ્છીએ છીએ. અમારું માનવું છે કે, તમામ સંસાધનો અને સંપદા પ્રકૃત્તિ અને કુદરતની છે. આપણે ફક્ત તેનાં ટ્રસ્ટી કે મેનેજર છીએ. મહાત્મા ગાંધીએ પણ ટ્રસ્ટીશિપની આ ફિલોસોફીની હિમાયત કરી છે.
તાજેતરમાં નેશનલ જીઓગ્રાફિકનાં વર્ષ 2014નાં ગ્રીનેક્સ અહેવાલમાં ભારતને તેની પર્યાવરણને અનુકૂળ ઉપભોગની પેટર્ન માટે ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. આ અહેવાલ ઉપભોક્તાની પસંદગીની પર્યાવરણીય સ્થિરતાનું આકલન કરે છે. વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ દુનિયાનાં તમામ વિસ્તારોમાં પૃથ્વી માતાની શુદ્ધતાનું સંરક્ષણ કરવા આપણાં કાર્ય વિશે જાગૃતિ લાવે છે.
વર્ષ 2015માં પેરિસમાં સીઓપી-21માં આ સામાન્ય ઇચ્છા પ્રદર્શિત થઈ હતી. દેશો આપણી ધરતીનું રક્ષણ કરવા અને તેની શુદ્ધતા જાળવવાનાં સામાન્ય હિત માટે એકમંચ પર આવ્યા હતા અને તેના પર કામ કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. દુનિયા આ પરિવર્તન કરવા કટિબદ્ધ છે અને આપણે પણ. જ્યારે દુનિયા ‘અસુવિધાજનક સત્ય’ની ચર્ચા કરી રહી હતી, ત્યારે આપણે તેને ‘સુવિધાજનક કે અનુકૂળ કામગીરી’માં પરિવર્તિત કર્યું હતું. ભારત વૃદ્ધિમાં, વિકાસમાં માને છે, પરંતુ સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરવા પણ કટિબદ્ધ છે.
મિત્રો,
આ વિચાર સાથે ભારતે ફ્રાંસ સાથે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલ કરી હતી. અત્યાર સુધી આ ગઠબંધનમાં 121 સભ્યો થયાં છે, જે પેરિસ પછી દુનિયાની સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. નેશનલી ડિટરમાઇન કોન્ટ્રિબ્યુશન (એનડીસી)નાં ભાગરૂપે ભારત વર્ષ 2005થી વર્ષ 2030 દરમિયાન તેની જીડીપીમાં તેની ઊર્જાનું ઉત્સર્જન 33થી 35 ટકા ઘટાડવા કટિબદ્ધ છે.
અમારો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં 2.5થી 3 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડસમકક્ષ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાનો છે, જે એક સમયે ઘણાંને મુશ્કેલ લાગતો હતો. છતાં આપણે એ માર્ગે આપણી પ્રગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખી છે. યુએનઇપી ગેપ અહેવાલ મુજબ, ભારત વર્ષ 2020 સુધીમાં વર્ષ 2005માં તેની જીડીપીમાં ઉત્સર્જનનાં સ્તરથી 20થી 25 ટકા ઉત્સર્જનમાં ઘટાડો કરવાની કોપનહેગન સમજૂતીનાં લક્ષ્યાંકને પૂર્ણ કરવાનાં માર્ગે અગ્રેસર છે.
આપણે વર્ષ 2030 નેશનલી ડિટરમાઇન કોન્ટ્રિબ્યુશનનાં લક્ષ્યાંકને પૂર્ણ કરવાની દિશામાં પણ અગ્રેસર છીએ. સંયુક્ત રાષ્ટ્રનાં સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકોએ આપણને સમાનતા, ભાગીદારી અને ઉચિત આબોહવાનાં માર્ગે અગ્રેસર કર્યા છે. જ્યારે આપણે આપણી જરૂરિયાત માટે તમામ કામગીરી કરી રહ્યાં છીએ, ત્યારે આપણને અપેક્ષા છે કે, અન્ય દેશો પણ સામાન્ય છતાવિશેષ જવાબદારી અને ભાગીદારી પર આધારિત તેમની કટિબદ્ધતા પૂર્ણ કરશે.
આપણે દરેકસંવેદનશીલ વસતિ માટે ઉચિત આબોહવા પર પણ ભાર મૂકવો જોઈએ. અમે ભારતમાં સુશાસન, સ્થાયી આજીવિકા અને સ્વચ્છ વાતાવરણ મારફતે જીવનની સરળતા વધારવા અને ગુણવત્તા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વચ્છ ભારત માટેનું અભિયાન દિલ્હીની શેરીઓમાંથી દેશનાં દરેક ખૂણે પહોંચી ગયું છે. સ્વચ્છતાં ઉત્તમ સ્વાસ્થ્ય, કામગીરીની સારી સ્થિતિ તથા તેનાં પગલે આવક અને જીવનની ગુણવત્તામાં વધારા તરફ દોરી ગઈ છે.
અમે અમારાં ખેડૂતોને કૃષિ ઉત્પાદનોનાં નકામાં કચરાં કે બગાડને સળગાવીને તેનો નાશ કરવાને બદલે પોષક દ્રવ્યોમાં પરિવર્તિત કરવાનું સુનિશ્ચિત કરવા મોટા પાયે અભિયાન પણ શરૂ કર્યું છે.
અમે વર્ષ 2018માં વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન કરીશું અને આ તક મળવા બદલ અમે ખુશ છીએ, જે વિશ્વને સ્વચ્છ સ્થાન બનાવવા માટે આપણી કટિબદ્ધતા અને આપણી સાતત્યપૂર્ણ ભાગીદારીને સૂચવે છે.
અમે જળ ઉપલબ્ધતાની સમસ્યાનું સમાધાન કરવાની જરૂરિયાત પણ ઓળખી છે, જે મોટો પડકાર છે. આ કારણે અમે મોટા પાયે નમામિ ગંગે પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમનાં સારાં પરિણામો મળવાનું શરૂ થયું છે, જે ટૂંક સમયમાં ગંગાને પુનર્જીવિત થશે, જે અમારાં દેશની સૌથી પવિત્ર નદી ગણાય છે.
અમારો દેશ મુખ્યત્વે ખેતીપ્રધાન છે. એટલે ખેતીવાડી માટે પાણીની સતત ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી છે કે, કોઈ પણ ખેતર પાણી વિનાનું ન હોવું જોઈએ. અમારો સિદ્ધાંત ‘જળની દરેક બુંદ દીઠ વધારે પાકનું ઉત્પાદન’ છે.
ભારત જૈવવિવિધતાનાં રક્ષણ પર સારો અહેવાલ ધરાવે છે. વિશ્વની ફક્ત 2.4 ટકા જમીન ધરાવતાં ભારતમાં 7થી 8 ટકા જૈવવિવિધતા છે, ત્યારે અમે આશરે 18 ટકા માનવવસતિ ધરાવીએ છીએ.
ભારત યુનેસ્કોનાં મેન એન્ડ બાયોસ્ફીઅર કાર્યક્રમ અંતર્ગત તેનાં 18 બાયોસ્ફીઅર રિઝર્વમાંથી 10 માટે આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવે છે. આ પુરાવો છે કે અમારો વિકાસ પર્યાવરણને અનુકૂળ છે અને અમારૂ વન્યજીવન જીવંત છે.
મિત્રો,
ભારત હંમેશા દરેક સુધી સુશાસનનાં ફાયદા પહોંચાડવામાં માને છે.
અમે સબ કા સાથ, સબ કા વિકાસમાં માનીએ છીએ, જે આ ફિલસૂફીનો જ વિસ્તાર છે. આ ફિલસૂફી મારફતે અમે સુનિશ્ચિત કર્યું છે કે સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ અમારાં કેટલાંક ક્ષેત્રો અન્ય ક્ષેત્રો કરતાં પાછળ રહી ગયા છે.
અત્યારે આ યુગમાં વીજળી અને સ્વચ્છ રાંધણ માટેનાં ઉપાયો મૂળભૂત સુવિધાઓ છે, જે દરેક વ્યક્તિને મળવી જોઈએ. આ કોઈ પણ દેશનાં આર્થિક વિકાસનું હાર્દ છે.
છતાં ભારતમાં ઘણાં લોકો આ સંસાધનોથી વંચિત છે અને તેને મેળવવા સંઘર્ષ કરી રહ્યાં છે. લોકોને સ્વાસ્થ્ય માટે જોખમકારક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની ફરજ પડે છે, જેનાથી ઘરની અંદર હવાનું પ્રદૂષણ ફેલાય છે. મને જણાવવામાં આવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં રસોડામાં ધુમાડાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. છતાં બહુ થોડાં લોકો તેનાં વિશે વાત કરતાં હતાં. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે બે લાંબા ગાળાની યોજનાઓ – ઉજ્જવલા અને સૌભાગ્ય શરૂ કરી છે. આ યોજનાઓ શરૂ થયા પછી અત્યાર સુધી લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક ફેરફાર થયો છે. આ બંને કાર્યક્રમો સાથે ટૂંક સમયમાં ગ્રામીણ વિસ્તારની મહિલાઓને જંગલોમાં સૂકાં લાકડાં શોધવાની કે ગાયનાં છાણમાંથી ભોજન બનાવવાની જરૂર નહીં રહે. એટલું જ નહીં ટૂંક સમયમાં પરંપરાગત ચુલા અમારાં સામાજિક ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં જ દેખાશે.
તે જ રીતે સૌભાગ્ય યોજના મારફતે અમે આ દેશનાં દરેક ઘર સુધી વીજળીનો પુરવઠો પહોંચાડવાનું કામ કરી રહ્યાં છીએ, જે મોટા ભાગે ચાલુ વર્ષનાં અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. અમે જોયું છે કે, ફક્ત સ્વસ્થ રાષ્ટ્ર જ વિકાસની પ્રક્રિયામાં ટોચનું સ્થાન મેળવી શકે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળથી પ્રાયોજિક સ્વાસ્થ્ય યોજના શરૂ કરી છે. આ યોજના લાખો ગરીબ કુટુંબોને ટેકો આપશે.
અમારી ‘દરેકનેઘર’ અને ‘દરેકને વીજળી’ પ્રદાન કરવાની પહેલ એવા લોકોને જીવનની મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવાનાં લક્ષ્યાંકોનો ભાગ છે, જેઓ તેને મેળવવા સક્ષમ નથી.
મિત્રો!
તમે જાણો છો કે, ભારત વિશ્વનાં છઠ્ઠા ભાગની વસતિ ધરાવે છે. અમારી વિકાસની જરૂરિયાતો પુષ્કળ છે. અમારી ગરીબી કે સમૃદ્ધિની સીધી અસર વૈશ્વિક ગરીબી કે સમૃદ્ધિ પર થશે. ભારતમાં લોકો લાંબા સમયથી આધુનિક સુવિધાઓ મેળવવા અને વિકાસનાં માધ્યમોની રાહ જોઈ રહ્યાં છે.
અમે અપેક્ષા કરતાં વહેલાં આ કામગીરી પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ. જોકે અમે એ પણ જણાવ્યું છે કે, અમે આ તમામ કામગીરી પર્યાવરણને અનુકૂળ રીતે અને સ્વચ્છ રીતે કરીશું. તમને થોડાં ઉદાહરણો આપું. અમે યુવા રાષ્ટ્ર છીએ. અમારાં યુવાનોને રોજગારી આપવા અમે ભારતને વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. અમે આ માટે મેક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. જોકે સાથે સાથે અમે ઝીરો ડિફેક્ટ અને ઝીરો ઇફેક્ટ ઉત્પાદન પર ભાર મૂકી રહ્યાં છીએ.
વિશ્વનાં સૌથી વધુ ઝડપથી વિકસતાં મોટાં અર્થતંત્ર તરીકે અમારી ઊર્જાની જરૂરિયાતો પુષ્કળ છે. જોકે અમે વર્ષ 2022 સુધીમાં અક્ષય ઊર્જાનાં સ્ત્રોતોમાંથી 175 ગિગા-વોટ ઊર્જાનું ઉત્પાદન કરવાની યોજના ધરાવીએ છીએ. તેમાં સૌર ઊર્જામાંથી 100 ગિગા-વોટ તથા અન્ય 75 ગિગા-વોટ પવન ઊર્જા અને અન્ય સ્ત્રોતોમાંથી મળશે. અમે ત્રણ વર્ષ અગાઉ વર્ષે ત્રણ ગિગા-વોટનો ઉમેરો કરતાં હતાં, પણ અત્યારે 14 ગિગાવોટથી વધારે સૌર ઊર્જાનું ઉત્પાદન વધી રહ્યું છે.
આ સાથે ભારત દુનિયામાં સૌર ઊર્જાનું ઉત્પાદન કરતો પાંચમો સૌથી મોટો દેશ છે. એટલું જ નહીં ભારત અક્ષય ઊર્જાનાં ઉત્પાદનમાં વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો દેશ છે.
શહેરીકરણમાં વધારો થવાની સાથે પરિવહનની જરૂરિયાતો પણ વધી રહી છે. પણ અમે સામૂહિક કે જન પરિવહન વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ખાસ કરીને મેટ્રો રેલ સિસ્ટમ પર. લાંબા અંતરનાં કાર્ગો પરિવહન માટે પણ અમે રાષ્ટ્રીય જળમાર્ગ વ્યવસ્થા વિકસાવવા પર કામ શરૂ કરી દીધું છે. અમારાં દરેક રાજ્ય આબોહવામાં ફેરફાર સામે કાર્યયોજના તૈયાર કરી રહ્યાં છે.
આ સુનિશ્ચિત કરશે કે, જ્યારે અમે અમારાં વાતાવરણનું સંરક્ષણ કરવા કાર્યરત છીએ, ત્યારે અમે અમારાં અતિ મુલ્યવાન વિસ્તારોનું સંરક્ષણ પણ કરીશું. અમારાં મોટાં રાજ્યોમાનાં એક મહારાષ્ટ્રે આ દિશામાં પોતાની યોજના બનાવી તેનો સ્વીકાર કર્યો છે. અમે અમારી પોતાની રીતે અમારાં સ્થાયી વિકાસનાં દરેક લક્ષ્યાંકો હાંસલ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ, પણ જોડાણ મહત્ત્વપૂર્ણ છે.
આ જોડાણ સરકારો વચ્ચે, ઉદ્યોગો વચ્ચે અને લોકો વચ્ચે છે. તેને ઝડપથી હાંસલ કરવા વિકસિત દુનિયા પણ અમને મદદ કરી શકે છે.
આબોહવાની સફળ કામગીરીને નાણાકીય સંસાધનો અને ટેકનોલોજીની સુલભતાની જરૂર છે. ટેકનોલોજી ભારત જેવા દેશોને સ્થાયીત્વ વિકસાવવા અને તેમાંથી ગરીબ લોકોને સક્ષમ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
મિત્રો,
આપણે અહીં આજે એ વિશ્વાસ પર કાર્ય કરવા એકત્ર થયા છીએ કે આપણે મનુષ્ય તરીકે આ ગ્રહ પૃથ્વી પર પરિવર્તનલાવી શકીએ. આપણે એ સમજવાની જરૂર છે કે આ ગ્રહ, આપણી પૃથ્વી માતા એક છે અને એટલે આપણે જાતિ, ધર્મ અને ક્ષમતા, એમ ત્રણેયનાં ભેદભાવોથી પર થવું જોઈએ તથા પૃથ્વીનું રક્ષણ કરવા એક થઈને કામ કરવું જોઈએ.
અમે પ્રકૃતિ અને એકબીજા સાથે સહઅસ્તિત્વની સદીઓ જૂની પરંપરા સાથે તમને પૃથ્વીને વધારે સલામત, સ્થિર અને સુરક્ષિત સ્થાન બનાવવાની સફરમાં અમારી સાથે જોડાવા આમંત્રણ આપીએ છીએ.
વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટને જબરદસ્ત સફળતા મળશે એવી મારી શુભેચ્છા.
આભાર