પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કેન્યાનાં નાઇરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના રજત જયંતિ સમારંભની ઉજવણીને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમા કચ્છી લેઉવા પટેલ સમુદાયની વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પ્રદાનની અને પૂર્વ આફ્રિકાનાં વિકાસમાં પ્રદાનની પ્રશંસા કરી હતી. તેમણે કેન્યાની આઝાદીની લડતમાં ભારતીય સમુદાયનાં સભ્યોની ભૂમિકાને પણ યાદ કરી હતી.
પ્રધાનમંત્રીએ સંપૂર્ણ વિકાસ માટે કચ્છી સમાજનાં પ્રદાનની પ્રશંસા કરી હતી, ખાસ કરીને વર્ષ 2001માં કચ્છમાં ધરતીકંપ પછી પુનર્નિર્માણ અને પુનર્વસનમાં તેમની ભૂમિકાની. તેમણે કહ્યું હતું કે, “એક સમયે વેરાન ગણાતું કચ્છ અત્યારે મુખ્ય પ્રવાસન સ્થળમાં પરિવર્તિત થઈ ગયું છે.” પ્રધાનમંત્રીએ તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતાં, ત્યારે કચ્છનાં અંતરિયાળ વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે તેમની સરકારનાં પ્રયાસો વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કચ્છ વિસ્તારમાં વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા કેન્દ્ર અને રાજ્ય સરકારની બમણી ઊર્જાથી થઈ રહેલાં કાર્યો વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “કચ્છને છેલ્લાં થોડાં વર્ષોમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે.” તેમણે કચ્છ અને જામનગર વચ્ચે ગુજરાતમાં રો-રો સર્વિસ વિશે પણ જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને આફ્રિકાનાં દેશો વચ્ચે જોડાણ વધી રહ્યું છે, ભારત આફ્રિકા સમિટ અને તાજેતરમાં ભારતમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બેઠક યોજાઈ હતી. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, વર્તમાન સરકારનાં કાર્યકાળ દરમિયાન ભારતનાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી તરીકે પોતે પણ 20થી વધારે પ્રસંગોએ આફ્રિકાનાં વિવિધ દેશોની મુલાકાત લીધી છે.
પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધન દરમિયાન સમારંભમાં ઉપસ્થિત લોકોને જાન્યુઆરી, 2019માં કુંભ મેળામાં ભારત આવવા આમંત્રણ આપ્યું હતું, ખાસ કરીને જેમણે ભારતની મુલાકાત લીધી નથી, જેથી તેમને ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનો અનુભવ મળે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજનાં નાઇરોબી-વેસ્ટ કોમ્પ્લેક્સનાં રજત જયંતિ પ્રસંગે એકત્ર થયેલા લોકોને અભિનંદન પાઠવ્યાં હતાં.