

તમે એકથી બહેતર એક સોલ્યુશન્સ ઉપર કામ કરી રહ્યા છો. દેશની સામે જે પડકારો છે, તેના નિરાકરણ તો આપો જ છો, ડેટા, ડિજિટાઇઝેશન અને હાઈ-ટેક ભવિષ્ય બાબતે પણ મહત્વાકાંક્ષાઓને મજબૂત બનાવી રહ્યા છો.
સાથીઓ,
અમને હંમેશા ગર્વ રહ્યો છે કે, વિતેલી સદીઓમાં આપણે દુનિયાને એક-એકથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, શ્રેષ્ઠ ટેક્નિશિયનો, ટેકનોલોજી એન્ટરપ્રાઈઝના આગેવાનો આપ્યા છે, પરંતુ આ 21મી સદી છે અને ઝડપથી બદલાતી જતી દુનિયામાં ભારતે પોતાની એ જ પ્રભાવશાળી ભૂમિકા નિભાવવા માટે એટલી જ ઝડપથી પોતાનું પરિવર્તન કરવાનું છે.
આ વિચારધારા સાથે હવે દેશમાં ઈનોવેશન માટે, સંશોધન માટે, ડિઝાઈન માટે, વિકાસ માટે, એન્ટરપ્રાઈઝ માટે જરૂરી વ્યવસ્થાઓ ઝડપભેર તૈયાર કરવાની છે. હવે શિક્ષણની ગુણવત્તા પર ખૂબ વધારે ઝોક મૂકવામાં આવ્યો છે. 21મી સદીની ટેકનોલોજીને સાથે લઈને 21મી સદીની જરૂરિયાતો પૂરી કરે તેવી વ્યવસ્થા એટલી જ જરૂરી છે.
પ્રધાનમંત્રી ઈ-વિદ્યા કાર્યક્રમ હોય કે પછી અટલ ઈનોવેશન મિશન, દેશમાં વૈજ્ઞાનિક માનસિકતામાં વધારો કરવા માટે અનેક ક્ષેત્રોમાં શિષ્યવૃત્તિઓ વિસ્તારવાની વાત હોય, કે પછી રમત-ગમતની દુનિયા સાથે જોડાયેલી પ્રતિભાઓને આધુનિક સુવિધાઓ અને આર્થિક મદદ કે પછી સંશોધનને વેગ આપનારી યોજનાઓ હોય કે પછી ભારતમાં વિશ્વસ્તરની પ્રતિષ્ઠિત 20 સંસ્થાઓના નિર્માણનું મિશન હોય કે ઓનલાઈન શિક્ષણ માટે નવા સાધનોના નિર્માણની વાત હોય કે પછી સ્માર્ટ ઈન્ડીયા હૈકાથોન જેવા આ અભિયાનનો પ્રયાસ હોય. ભારતનું શિક્ષણ આધુનિક બને, મોર્ડન બને, અહિંની પ્રતિભાઓને પૂરી તક મળે તેવો અમારો પ્રયાસ રહ્યો છે.
સાથીઓ,
આ કડીમાં થોડાક દિવસ પહેલાં દેશની નવી શિક્ષણ નીતિ અંગે જાહેરાત કરવામા આવી છે. આ નીતિ 21મી સદીના નવ યુવાનોની વિચારધારા, તેમની જરૂરિયાતો, તેમની આશાઓ અને અપેક્ષાઓ તથા આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને બનાવવાનો વ્યાપક પ્રયાસ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ સુધી સમગ્ર દેશમાં તેના દરેક મુદ્દા પર વ્યાપક ચર્ચા કરવામાં આવી અને દરેક સ્તરે પરામર્શ પણ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આ નીતિ તૈયાર કરવામાં આવી છે.
તે સાચા અર્થમાં સમગ્ર ભારતને, ભારતની ભાવિ પેઢીની આશા-આકાંક્ષાઓને પોતાનામાં સમાવી લઈને નવા ભારતની શિક્ષણ નીતિ આવી છે. તેમાં દરેક ક્ષેત્રમાં, દરેક રાજ્યના વિદ્વાનોના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલા માટે એ માત્ર નીતિ, દસ્તાવેજ જ નહીં, પરંતુ 130 કરોડ કરતાં વધુ ભારતીયોની મહત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ પણ પાડે છે.
સાથીઓ,
તમે પણ તમારી આસપાસ જોતાં હશો કે, આજે પણ અનેક બાળકોને લાગે છે તેમને એવા વિષયના આધારે ચકાસવામાં આવે છે કે, જેમાં તેમને રૂચિ જ નથી હોતી. માતા-પિતાનું, સગા-સંબંધીનું, મિત્રોનું અને સમગ્ર વાતાવરણનું દબાણ હોવાથી તે અન્ય લોકોએ પસંદ કરેલા વિષયો ભણવા માંડે છે. આ અભિગમને કારણે દેશને એક ખૂબ મોટી વસતી એવી મળી છે કે, જે ભણેલી-ગણેલી તો છે જ, પરંતુ તે જે કાંઈ ભણ્યા છે તેમાંનું મોટા ભાગનું ભણતર તેમના કામમાં આવતું નથી. ડીગ્રીઓનો ખડકલો થયા પછી પણ તે પોતાની જાતમાં એક અધૂરાપણાંનો અનુભવ કરી રહ્યા છે. તેમની અંદર આત્મવિશ્વાસ પેદા થવો જોઈએ. એક કોન્ફીડન્સ આવવો જોઈએ, પરંતુ તેનો અભાવ અનુભવાઈ રહ્યો છે, જેનો પ્રભાવ તેમના સમગ્ર જીવનની મજલ ઉપર પડી રહ્યો છે.
સાથીઓ,
નવી શિક્ષણ નીતિના માધ્યમથી આ અભિગમને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉની ઊણપોને દૂર કરવામાં આવી રહી છે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં હવે એક પધ્ધતિસરના સુધારા, શિક્ષણના ઈરાદા અને સામગ્રી, બંનેમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મિત્રો,
21મી સદી એ એક જ્ઞાનનો યુગ છે. આ ભણતર, સંશોધન અને ઈનોવેશનમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. લગભગ કંઈક આવું જ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 કરવા માંગે છે. આ નીતિ તમારી શાળા, કોલેજ અને યુનિવર્સિટીનો અનુભવ ફળદાયી અને વ્યાપક બનાવવા માંગે છે. એવો અનુભવ કે, જે તમારી કુદરતી ભાવનાઓને માર્ગદર્શન આપે.
મિત્રો,
તમારો સમાવેશ દેશના ઉત્તમ અને તેજસ્વી લોકોમાં થાય છે, આ હૈકાથોન એ તમે હલ કરવા માટે પ્રયાસ કર્યો હોય તેવી પ્રથમ સમસ્યા નથી અને તે છેલ્લી પણ નથી. હું તમને અને તમારા જેવા યુવાનોને ત્રણ બાબતોને નહીં રોકવા જણાવું છું, જેમાં ભણતર, પ્રશ્ન પૂછવાની ટેવ અને તેનો ઉપાય શોધવાની બાબતનો સમાવેશ થાય છે.
જ્યારે તમે ભણી રહ્યા હોવ છે, ત્યારે તમને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થતી હોય છે. જ્યારે તમે પ્રશ્ન કરો છો, ત્યારે સમસ્યા ઉકેલવા માટે કોઈ નવતર પ્રકારની પધ્ધતિ શોધી કાઢો છો. જ્યારે તમે તે કરો છો ત્યારે તમારો વિકાસ થાય છે. તમારા પ્રયાસોને પરિણામે આપણાં રાષ્ટ્રનો વિકાસ થાય છે. આપણી ધરતી સમૃધ્ધ બને છે.
મિત્રો,
ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ ભાવનાનું પ્રતિબિંબ જોવા મળે છે. આપણે હવે સ્કૂલ બેગનો બોજો સ્કૂલની બહાર ના રહે તેવા ફેરફારનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે એવું શિક્ષણ આપવા માંગીએ છીએ કે જે જીવન માટે આશિર્વાદરૂપ બની રહે. માત્ર મહત્વની બાબતો ગોખવાને કારણે આપણને વિદ્યાર્થીઓના જીવન પર થતી પધ્ધતિની વિપરીત અસરોની મર્યાદાઓ સમજાઈ છે. અત્યાર સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવા ભારતની મહેચ્છાઓનું પ્રતિનિધિત્વ કરતી ન હતી, તે પ્રક્રિયા કેન્દ્રિત ન હતી, હવે તે લોકલક્ષી અને ભવિષ્યલક્ષી બની છે.
મિત્રો,
આ નીતિની જે અત્યંત રોમાંચકારી બાબતો છે, તેમાં આંતર વિષય લક્ષી અભ્યાસ ઉપર ઝોક મૂકવાનો સમાવેશ થાય છે. આ અભિગમ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યો છે અને તે ખૂબ જ સાચી દિશાની બાબત છે. એક સાઈઝ તમામ લોકોને બંધ બેસતી આવતી નથી. એક વિષય નક્કી કરી શકતો નથી કે, તમે કોણ છો. કશુંક નવું શોધવા માટે કોઈ મર્યાદા હોતી નથી. માનવ ઈતિહાસમાં ઘણાં મહાન પુરૂષોના એવા અનુભવો જોવા મળ્યા છે કે, જેમણે ભિન્ન ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી બજાવી હોય. આ મહાનુભવો આર્યભટ્ટ હોય કે લિયોનાર્ડો દ વિન્સી હોય, હેલન કેલર હોય કે ગુરૂદેવ ટાગોર હોય. આપણે હવે કલા, વિજ્ઞાન, વાણિજ્ય જેવી કેટલીક પરંપરાગત સરહદોથી દૂર થયા છીએ. જો, કોઈ વ્યક્તિને રસ પડે તો તે ગણિત અને સંગીત બંને સાથે ભણી શકે છે અથવા કોડીંગ અને કેમિસ્ટ્રી બંનેનો સાથે અભ્યાસ કરી શકે છે. આમાં વિદ્યાર્થી પાસે શું અપેક્ષા તેના બદલે વિદ્યાર્થીની ભણતરની ઈચ્છા મુજબ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. એકથી બીજા વિષયના અભ્યાસને કારણે તમને નિયંત્રણ પ્રાપ્ત થશે અને આ પ્રક્રિયામાં તમે સુગમતા પ્રાપ્ત કરી શકશો.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુગમતાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં વિવિધ ક્ષેત્રે પ્રવેશ અને પ્રસ્થાન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે કોઈ એક જ દિશામાં જનારી હોનારી ગલી હોતી નથી. પૂર્વ સ્નાતક અનુભવ ત્રણ કે ચાર વર્ષની મજલ બની શકે છે. વિદ્યાર્થીઓ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો લાભ મેળવી શકે છે, જેમાં હસ્તગત કરેલી એકેડેમીક ક્રેડિટમાંથી લાભ લેવાનો સમાવેશ થાય છે. તેને તબદીલ કરીને ફાયનલ ડીગ્રી વખતે ધ્યાનમાં લેવામાં આવશે. આવી સુગમતાની ઘણાં લાંબા સમયથી આપણી શિક્ષણ પધ્ધતિને જરૂર હતી. મને એ બાબતનો આનંદ છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ પાસાં ઉપર કામ કરવામાં આવ્યું છે.
મિત્રો,
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ પ્રાથમિક શિક્ષણથી માંડીને શિક્ષણ હાંસલ કરવા માટેની મોટી વ્યવસ્થા ઉભી કરે છે. ઉચ્ચ શિક્ષણનો ઉદ્દેશ વર્ષ 2035 સુધીમાં એકંદર નોંધણીનો ગુણોત્તર 50 ટકા સુધી લઈ જવાનો છે. બીજા પાસાંઓમાં જાતિય સમાવેશીતા ભંડોળ, વિશેષ શિક્ષણ ઝોન્સ, ખૂલ્લા અને ડિસ્ટન્સ લર્નિંગ માટેના વિકલ્પો પણ સહાયરૂપ બનશે.
સાથીઓ,
આપણાં દેશના મહાન શિક્ષણવિદ અને આપણાં બંધારણના શિલ્પી બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે, શિક્ષણ એવું હોવું જોઈએ કે, જે દરેક વ્યક્તિની પહોંચમાં હોય, તમામને માટે સુલભ હોય. આ શિક્ષણ નીતિ તેમના આ વિચારોને સમર્પિત કરવામાં આવી છે. આ શિક્ષણ નીતિ નોકરી શોધનારા સમુદાયને બદલે નોકરીઓ સર્જનારા લોકો ઉપર ઝોક વધારશે, એટલે કે દરેક પ્રકારે તે આપણી માનસિકતામાં, આપણાં અભિગમમાં જ પરિવર્તન લાવવાનો પ્રયાસ બની રહેશે. આ પોલિસીના કેન્દ્રમાં એક આત્મનિર્ભર યુવાનનો નિર્માણ કરવાનો પ્રયાસ છે. જેથી તે નક્કી કરી શકશે કે, તેણે નોકરી કરવી છે, સર્વિસ કરવી છે કે પછી ઉદ્યોગસાહસિક બનવું છે.
સાથીઓ,
આપણાં દેશમાં ભાષા હંમેશા એક સંવેદનશીલ વિષય બની રહી છે. આનું એક મોટું કારણ એ છે કે, આપણે ત્યાં સ્થાનિક ભાષાઓને પોતાના સ્થિતિ પર છોડી દેવામાં આવી છે. તેના સંવર્ધનની અને તેના વિકાસની તકો ખૂબ ઓછી મળી છે. હવે શિક્ષણ નીતિમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેના કારણે ભારતની ભાષાઓ આગળ વધશે, તેનો વિકાસ થશે. તે આગળ તો વધશે જ, પરંતુ ભારતના જ્ઞાનને પણ વધારનારી બની રહેશે. ભારતની એકતાને પણ આગળ ધપાવશે. આપણી ભારતીય ભાષાઓમાં કેટલી બધી સમૃધ્ધ રચનાઓ છે, સદીઓનું જ્ઞાન છે, અનુભવ છે. આ બધાનું હવે વિસ્તરણ થશે અને તેને વિશ્વની અને ભારતની સમૃધ્ધ ભાષાઓનો પરિચય થશે. એક ખૂબ મોટો લાભ એ થશે કે વિદ્યાર્થીઓને તેમના શરૂઆતના વર્ષોમાં પોતાની જ ભાષામાં શિખવાનો લાભ મળશે.
તેનાથી તેમની પ્રતિભા પુષ્પીત, પલ્વવિત થવા માટે ખૂબ મોટી તક પ્રાપ્ત થશે. તે સહજ બનીને કોઈપણ દબાણ વગર નવી ચીજો શીખવા માટે પ્રેરિત કરશે અને શિક્ષણ સાથે જોડાઈ શકશે. એક રીતે જોઈએ તો આજે જીડીપીના આધારે વિશ્વના ટોચના 20 દેશોની યાદી જોઈએ તો તેમાંથી મોટા ભાગના દેશ પોતાની માતૃભાષામાં કે ક્ષેત્રિય ભાષામાં શિક્ષણ આપી રહ્યા છે. આ દેશ આપણાં દેશમાં યુવાનોના વિચાર અને સમજને પોતાની ભાષામાં વિકસિત કરવા અને દુનિયા સાથે સંવાદ કરવા માટે બીજી ભાષાઓ ઉપર ભાર મૂકવાની પણ વાત કરે છે. આ નીતિ અને રણનીતિ 21મી સદીના ભારત માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. ભારતની પાસે તો ભાષાઓનો અદ્દભૂત ખજાનો છે, જેને શીખવા માટે એક જીવન ઓછું પડી શકે છે. અને આજે દુનિયા પણ તેની તરફ આકર્ષાઈ છે.
સાથીઓ,
નવી શિક્ષણ નીતિની એક વિશેષ બાબત એ છે કે, તેમાં લોકલ ઉપર જેટલું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેટલો જ ઝોક વૈશ્વિક સાથે જોડાવા ઉપર પણ મૂકવામાં આવ્યો છે. એક વધુ બાબત એ છે કે, સ્થાનિક લોક કલાઓ અને વિદ્યાઓ, શાસ્ત્રીય કલા અને જ્ઞાન તરફ સ્વાભાવિક ધ્યાન આપવાની બાબત છે અને તેથી જ ટોચની વૈશ્વિક શિક્ષણ સંસ્થાઓને ભારતમાં સંકુલો ખોલવા માટે આમંત્રણ આપવામાં આપવામાં આવ્યું છે. એના કારણે આપણાં યુવાનોને ભારતમાં જ વિશ્વ સ્તરની જાણકારી અને તકો પ્રાપ્ત થશે અને વૈશ્વિક સ્પર્ધા માટે વધારે તૈયારી પણ થઈ શકશે. આના કારણે ભારતમાં વિશ્વ સ્તરની સંસ્થાઓના નિર્માણમાં ભારતે વૈશ્વિક શિક્ષણનું મથક બનાવવામાં ઘણી જ સહાયતા પ્રાપ્ત થવાની છે.
સાથીઓ,
દેશની યુવા શક્તિ પર મને હંમેશા ખૂબ જ ભરોંસો રહ્યો છે. આ ભરોંસો શા માટે છે તે દેશના યુવાનોએ વારંવાર પૂરવાર કરી બતાવ્યુ છે. તાજેતરમાં જ કોરોનાથી બચવા માટે ફેસ શિલ્ડની માંગ એટલી બધી વધી ગઈ કે, આ માંગને 3ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીની સાથે પૂરી કરવા માટે દેશના યુવાનો મોટાપાયે આગળ આવ્યા છે. પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટસ અને અન્ય મેડિકલ ડિવાઈસીસ માટે જે પ્રકારે દેશના યુવા ઈનોવેટર્સ, યુવા ઉદ્યોગસાહસિકો સામે આવ્યા છે, તેની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. આરોગ્ય સેતુ એપ સ્વરૂપે યુવા ડેવલપર્સે કોવિડનું ટ્રેકીંગ કરવા માટે એક બહેતર માધ્યમ ખૂબ ઓછા સમયમાં તૈયાર કર્યું છે.
સાથીઓ,
આપ સૌ યુવાનો આત્મનિર્ભરતા માટે ભારતની મહત્વાકાંક્ષાની ઉર્જા છો. દેશના ગરીબોને એક શ્રેષ્ઠ જીવન આપવા માટે, જીવન જીવવામાં આસાનીનું આપણું લક્ષ હાંસલ કરવામાં આપ સૌ યુવાનોની ભૂમિકા ખૂબ મહત્વની બની રહેશે. હું હંમેશા એ માનતો રહ્યો છું કે, દેશની સામે આવે તેવો એક પણ પડકાર એવો નથી કે, જેને આપણાં દેશના યુવાનો ટક્કર ના આપી શકે, તેના ઉપાયો ના શોધી શકે. દરેક જરૂરિયાતના સમયે દેશને જ્યારે જરૂર પડી છે, ત્યારે તેણે યુવા ઈનોવેટર્સ તરફ નજર માંડી છે અને તેમણે તેને નિરાશ નથી કર્યા.
સ્માર્ટ ઈન્ડીયા હૈકાથોનના માધ્યમથી વિતેલા વર્ષમાં અદ્દભૂત ઈનોવેશન્સ પ્રાપ્ત થયા છે. મને પૂરો વિશ્વાસ છે કે, આ હૈકાથોન પછી પણ આપ સૌ યુવા સાથીઓ, દેશની જરૂરિયાતોને સમજવાની સાથે-સાથે દેશને આત્મનિર્ભર બનાવવા માટે નવા ઉપાયો શોધવા પર કામ કરતા રહેશો.
વધુ એક વખત આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ…!