પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું હતું. રોટ્રીઅન્સને સફળતા અને સેવાનો સાચો સમન્વય ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આટલા મોટાપાયાના દરેક રોટરી સંમેલનો મિની-ગ્લોબલ એસેમ્બલી જેવા છે. તેમાં વિવિધતા અને જીવંતતા છે.”
‘પોતાનાથી ઉપર સેવા’ અને ‘જે સૌથી શ્રેષ્ઠ સેવા કરે છે એ જ સૌથી વધુ ફાયદામાં છે’ – રોટરીના આ બંને સૂત્રોની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર માનવજાતના કલ્યાણ માટે આ મહત્વના સિદ્ધાંતો છે અને આપણા સંતો તેમજ ઋષિઓના ઉપદેશોને અનુરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિના છીએ જેમણે પોતાના કામ દ્વારા બતાવી દીધું હતું કે, બીજાના માટે જીવવું એ કોને કહેવાય.”
સ્વામી વિવેકાનંદના ઉપદેશનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે બધા જ પરસ્પર નિર્ભર, આંતર-સંબંધિત અને આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલ વિશ્વમાં આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ. તેથી જ, આપણી પૃથ્વીને વધુ સમૃદ્ધ અને ટકાઉક્ષમ બનાવવા માટે વ્યક્તિઓ, સંસ્થાઓ અને સરકારો સાથે મળીને કામ કરે તે ખૂબ જ મહત્વનું છે.” તેમણે પૃથ્વી પર સકારાત્મક પ્રભાવ પાડતા અનેક કારણો પર સખત મહેનત કરવા બદલ રોટરી ઇન્ટરનેશનલની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ભારત પર્યાવરણનું સંરક્ષણ કરવા માટેના પ્રયાસોમાં અગ્રેસર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દીર્ઘકાલિન વિકાસ અત્યારના સમયની માંગ છે. પ્રકૃતિ સાથે સૂમેળમાં રહેવાના આપણા સદીઓ જૂના સિદ્ધાંતોથી પ્રેરાઇને, 1.4 અબજ ભારતીયો આપણી પૃથ્વીને સ્વચ્છ અને હરિયાળી બનાવવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે.” તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, ‘એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ’ અને LIFE – પર્યાવરણ માટે જીવનશૈલી જેવી ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની ભારતની કટિબદ્ધતાની પણ સમગ્ર વૈશ્વિક સમુદાય દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
રોટરી ઇન્ટરનેશન દ્વારા પીવાના સ્વચ્છ પાણી, સેનિટાઇઝેશન અને સ્વચ્છતા માટે કરવામાં આવેલા કાર્યોને બિરદાવતા પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશનથી થયેલા લાભો જેમ કે, પાંચ વર્ષમાં લગભગ સંપૂર્ણ કહી શકાય એટલું સેનિટાઇઝેશન વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જળ સંરક્ષણ અને આત્મનિર્ભર ભારત જેવી ઝુંબેશો વિશે પણ વાત કરી જે નવી જાગૃતિ અને વાસ્તવિકતાઓને કારણે આકાર પામી છે. તેમણે ભારતમાં વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ક્ષેત્ર વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયા પરની માનવજાતની કુલ વસ્તીના સાતમા ભાગના લોકો માટેનું ઘર હોવાથી, આટલા મોટા પાયા પર ભારતે પ્રાપ્ત કરેલી કોઇપણ સિદ્ધિથી દુનિયા પર સકારાત્મક પ્રભાવ પડશે. તેમણે કોવિડ-19ની રસી વિશેની વાતનું દૃશ્ટાંત આપ્યું હતું અને 2025 સુધીમાં TB નાબૂદીકરણ એટલે કે 2030 આખા વિશ્વમાંથી TB નાબૂદ કરવાના વૈશ્વિક લક્ષ્યાંક કરતાં પાંચ વર્ષ પહેલાં જ આ લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.
શ્રી મોદીએ આ પ્રયાસોમાં પાયાના સ્તરેથી સમર્થન આપવા માટે રોટરી પરિવારને આમંત્રણ આપ્યું હતું. તેમજ આખી દુનિયામાં મોટી સંખ્યામાં યોગ દિવસ ઉજવવા માટે પણ અનુરોધ કર્યો હતો.