મંત્રીમંડળના મારા સાથી ડૉ. હર્ષ વર્ધન, ડૉ. મહેશ શર્મા, શ્રી મનોજ સિંહા.
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના નિદેશક,
પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલયના સચિવ,
ભારત અને વિદેશના અન્ય માનવંતા મહાનુભવો
ભાઈઓ અને બહેનો,
ભારતના 1.3 અબજ લોકો વતી હું આપને નવી દિલ્હીમાં આવકારતાં આનંદ અનુભવું છું.
આ પ્રસંગની સાથે સાથે હું આશા રાખું છું કે વિદેશમાંથી આ સમારંભમાં જોડાયેલા પ્રતિનિધિઓ દિલ્હીનો ઈતિહાસ અને ભવ્યતા જોવા માટે પણ થોડો સમય ફાળવશે.
અમે વિશ્વ પર્યાવરણ દિવસ 2018 પ્રસંગે વૈશ્વિક યજમાન બનવાનું ગૌરવ અનુભવીએ છીએ.
અમે જ્યારે આ મહત્વના પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમે અમારી પ્રાચીન લાક્ષણિકતા અને સાર્વત્રિક ભાઈચારાને યાદ કરીએ છીએ.
આ ભાવનાને પ્રસિદ્ધ સંસ્કૃત સૂત્ર – વસુધૈવ કુટુમ્બકમ્ – વિશ્વ એક પરિવાર છે દ્વારા વ્યક્ત કરીએ છીએ.
આ લાક્ષણિકતા મહાત્મા ગાંધીજીએ જેના માટે અનુરોધ કર્યો હતો તે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે જણાવ્યું હતું કે ‘પૃથ્વી દરેકની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૂરતુ યોગદાન આપે છે, પંરતુ દરેક વ્યક્તિના લોભને કારણે તે અપૂરતું લાગે છે.’
આપણી પરંપરાઓમાં ઘણાં લાંબા સમયથી કુદરત સાથે સંવાદિતા જાળવીને જીવવાની બાબતને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
આ બાબત કુદરત પ્રત્યેના આપણાં પૂજ્ય ભાવમાં પ્રતિબિંબિત થાય છે. તે આપણાં તહેવારોમાં અને પૌરાણિક ગ્રંથોમાં પણ પ્રતિબિંબિત થાય છે.
ભાઈઓ અને બહેનો,
ભારત એ દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાય છે. અમે અમારા લોકોના જીવન ધોરણને ઊંચુ લઈ જવા માટે કટિબદ્ધ છીએ.
આ દિશામાં અમે છેલ્લા બે વર્ષમાં 40 મિલિયન રાંધણ ગેસના નવા જોડાણો આપ્યા છે.
આને કારણે ગ્રામ્ય મહિલાઓ ઝેરી ધૂમાડાની કષ્ટદાયક હાલતમાંથી મુક્ત થઈ છે. આ કારણે તેમનું લાકડાં પરનું અવવલંબન પણ ઘટ્યું છે.
આવી જ નિષ્ઠા સાથે અમે એ બાબતે ધ્યાન આપીને 300 મિલિયન એલઈડી બલ્બનું વિતરણ કર્યું છે. જેથી વીજળીની બચત થવાની સાથે સાથે જંગી પ્રમાણમાં અંગાર વાયુ હવામાં છૂટો પડતો રોકી શકાયો છે.
અમે પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનને ભારે વેગ આપી રહ્યા છીએ. અમે વર્ષ 2022 સુધીમાં 175 ગીગા વોટ સૌર અને પવન ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
અમે વિશ્વમાં સૌર ઊર્જાના પાંચમા નંબરના સૌથી મોટા ઉત્પાદક બની ચૂક્યા છીએ. એટલું જ નહીં અમે પુનઃપ્રાપ્ય ઊર્જાના પણ છઠ્ઠા નંબરના સૌથી મોટા ઉત્પાદક છીએ.
અમે દરેક ઘરને વીજળી પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ, જેનાથી પર્યાવરણને દૂષિત કરતા બળતણ પરના અવલંબનમાં ઘટાડો થશે.
અમે જમીનમાંથી નીકળતા બળતણ પર પરનું અવલંબન ઘટાડી રહ્યા છીએ. અમે જ્યાં શક્ય હોય ત્યાં ઊર્જાનો સ્રોત બદલીએ છીએ. અમે શહેરો અને જાહેર પરિવહનમાં ફેરફારો લાવી રહ્યા છીએ.
અમે એક યુવા રાષ્ટ્ર છીએ. રોજગાર નિર્માણ માટે અમે ભારતને ઉત્પાદનનુ વૈશ્વિક મથક બનાવવા માટે કામ કરી રહ્યા છીએ.
અમે મેક ઈન ઈન્ડીયા ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. એમ કરવા જતાં અમે ઝીરો ઈફેકટ -ઝીરો ડીફેટક ઉત્પાદન પર ભાર મૂકી રહ્યા છીએ. આનો અર્થ એ થયો કે એવુ ઉત્પાદન થશે જેમાં કોઈ ખામી નહીં હોય અને પર્યાવરણને કોઈ નુકશાન કરતુ નહીં હોય.
રાષ્ટ્રીય સ્તરે યોગદાન આપવા માટે કટિબદ્ધ રાષ્ટ્રના ભાગ તરીકે ભારત હવામાં વાયુ છોડવાની તિવ્રતામાં વર્ષ 2005 થી 2030 સુધીમાં જીડીપીના ભાગ તરીકે 33 થી 35 ટકાનો ઘટાડો કરી રહ્યાં છીએ. અમે 2030ના રાષ્ટ્રીય સ્તરે કટિબદ્ધ યોગદાન આપવાના માર્ગે છીએ.
યુએનડીપી ગેપ અહેવાલમાં જણાવ્યા મુજબ ભારત કોપનહેગનના શપથને પહોંચી વળવાના પંથે છીએ. અમે ભારતની જીડીપીની તિવ્રતા 2005ના સ્તરેથી ઘટાડીને 2020 સુધીમાં 25 ટકા સુધી પહોંચાડીશું.
અમે મજબૂત નેશનલ બાયોડાયવર્સિટી વ્યુહરચના ધરાવીએ છીએ. વિશ્વની જમીનનો 2.5 ટકા હિસ્સો ધરાવવા છતાં ભારતમાં 7 થી 8 ટકા જેટલી પ્રજાતિઓ હોવાનું નોંધાયુ છે. તેની સાથે સાથે ભારત અંદાજે 18 ટકા જેટલી માનવ વસતીને ટેકો પૂરો પાડે છે. છેલ્લા બે વર્ષમાં અમારે ત્યાં વૃક્ષો અને વનના આવરણમાં બે ટકાનો વધારો થયો છે.
અમે વન્ય જીવનની જાળવણી બાબતે પણ સારી કામગીરી કરી છે. વાઘ, હાથી સિંહ, ગેંડા અને અન્ય સ્વરૂપે વન્ય જીવોની સંખ્યામાં વધારો થયો છે.
અમે પાણીની ઉપલબ્ધીની સમસ્યાને હલ કરવામાં જરૂરિયાત પણ સારી રીતે પિછાણી છે. અમે ‘નમામી ગંગે’ની ભવ્ય પહેલ હાથ ધરી છે. આ કાર્યક્રમનાં પરિણામો મળી રહ્યાં છે. અમે ટૂંક સમયમાં અમારી મહામૂલી ગંગાનો પુનરોદ્ધાર કરીશું.
ભારત એ મુખ્યત્વે કૃષિ પ્રધાન દેશ છે. ખેતીને સતત પાણી મળી રહે તે જરૂરી છે. કોઈ ખેતર પાણીથી વંચિત રહે નહીં તે માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે. અમારૂ વિઝન ‘મોર ક્રોપ, પર ડ્રોપ’ છે.
અમારા ખેડૂતો ખેતીના કચરાને બાળવાને બદલે મૂલ્યવાન પોષક તત્વમાં રૂપાંતર કરે તે માટે અમે મોટી ઝુંબેશ ચલાવી છે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે દુનિયાનો મોટો હિસ્સો અગવડભર્યા સત્ય પર કેન્દ્રિત થઈ રહ્યો છે ત્યારે અમે સગવડભરી કામગીરી (Convenient Action) તરફ આગળ વધી રહ્યા છીએ. આ સગવડભરી કામગીરી માટે ભારતે ફ્રાન્સની સાથે રહીને આગેવાની લીધી હતી. આ બાબત એ કદાચ પેરિસની પરિષદ પછીની પર્યાવરણ પ્રત્યેની સૌથી મહત્વની વૈશ્વિક ગતિવિધી હતી.
ત્રણ મહિના પહેલાં 45 દેશોના આગેવાનો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ અહીં સૌર ગઠબંધનની પ્રથમ પરિષદ માટે નવી દિલ્હી ખાતે એકત્ર થયા હતા.
અમારો અનુભવ દર્શાવે છે કે વિકાસ પર્યાવરણલક્ષી હોઈ શકે છે. તે લીલી છમ અસ્કયામતોના ભોગે થાય તે જરૂરી નથી.
મિત્રો,
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે આ વર્ષે એક મહત્વનો પડકાર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક હવે માનવ જીવન માટે પડકારરૂપ દૂષણ બની ચૂક્યું છે. એમાંનો ઘણો બધો જથ્થો કચરાપેટી સુધી પહોંચતો નથી. ખરાબ બાબત એ છે કે એમાંનો ઘણો મોટો જથ્થો જમીનમાં ઓગળે નહીં તેવો છે.
પ્લાસ્ટીકના પ્રદૂષણની દરિયાઈ પર્યાવરણ પર ઘાતક અસરો જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકો અને માછીમારોએ એક સાથે મુશ્કેલીનો સંકેત આપ્યો છે. આ નિર્દેશોમાં માછલી મળવાનું પ્રમાણ ઘટવાનો, સમુદ્રનુ ઉષ્ણતામાન ઘટવાનો તથા વસવાટ કરતા જીવો નષ્ટ થવાનો સમાવેશ થાય છે.
દરિયામાં જતો કચરો અને ખાસ કરીને પ્લાસ્ટીકનો કચરો એ એક મહત્વનો અને દુનિયાની સરહદોને સ્પર્શતો સવાલ છે. ભારત સ્વચ્છ સમુદ્ર ઝુંબેશમાં જોડાવા માટે સજ્જ થઈ રહ્યું છે અને આપણા દરિયાને બચાવવામાં યોગદાન આપશે.
પ્લાસ્ટીકનુ પ્રદૂષણ હવે આપણી ફૂડ ચેઈનમાં પણ પ્રવેશ્યું છે. હવે માઈક્રો પ્લાસ્ટીક આપણા મીઠા, બોટલમાં મળતા પાણી અને નળના પાણીમાં પણ પ્રવેશ્યું છે.
મિત્રો,
ઘણા વિકસિત દેશોની તુલનામાં ભારતમાં પ્લાસ્ટીકનો માથા દીઠ વપરાશ ઘણો ઓછો છે.
અમારી સ્વચ્છતા અને સફાઈ માટેની રાષ્ટ્રીય ઝુંબેશ – સ્વચ્છ ભારત અભિયાનમાં ‘પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ’ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
થોડા સમય પહેલાં મેં વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમા અમારી સફળતાની કેટલીક ગાથાઓ દર્શાવવામાં આવી હતી. આ પ્રદર્શનમાં યુનાઈટેડ નેશન્સ, કેન્દ્ર અને રાજ્યની સરકારો, ઉદ્યોગો અને બિનસરકારી સંસ્થાઓ સામેલ થઈ હતી. હું આશા રાખું છું કે આ બધા પ્લાસ્ટીકના પ્રદૂષણને નિયંત્રિત કરવામાં ઉદાહરણરૂપ કામગીરી કરવાનુ ચાલુ રાખશે.
ભાઈઓ અને બહેનો,
પર્યાવરણનાં અસંતુલનને કારણે ગરીબો અને દયનીય હાલતમાં જીવતા લોકોને અત્યંત માઠી અસર થાય છે. આપણામાંની દરેક વ્યક્તિની એ બાબતે ખાતરી રાખવાની ફરજ બને છે કે ભૌતિક સંપત્તિની ખેવનામાં પર્યાવરણ સાથે કોઈ સમાધાન થવુ જોઈએ નહીં.
2030 સુધીના પર્યાવરણલક્ષી વિકાસની કાર્યસૂચિના ભાગ તરીકે વિશ્વ એ બાબતે સંમત થયું છે કે “કોઈને પાછળ રાખી દેવા નહી” ધરતી માતાએ આપણને જે કાંઈ આપ્યું છે તેને જાળવવા માટે તમામ લોકો સાથે મળીને કામ કરે તે બાબતે ખાતરી રાખ્યા વગર આ ધ્યેય હાંસલ થવાની શક્યતા જણાતી નથી.
મિત્રો,
આ એક ભારતીય પ્રણાલી છે, અને વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે અમે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે વધુ એક વાર તેની અભિવ્યક્તિ કરતાં આનંદ અનુભવીએ છીએ.
વિશ્વ પર્યાવરણ દિવસ 2018ના શુભ પ્રસંગના સમાપનમાં વૈશ્વિક યજમાન તરીકે હું પર્યાવરણલક્ષી વિકાસ માટેની મારી નિષ્ઠા ફરી વાર વ્યક્ત કરૂ છું.
આપણે સૌ સાથે મળીને પ્લાસ્ટિકના પ્રદૂષણને હંફાવીએ અને દુનિયાને રહેવા માટેનું વધુ સારૂ સ્થળ બનાવીએ.
આપણે આજે જે પસંદગી કરીશું તે આપણા બધાનું સામૂહિક ભાવિ નક્કી કરશે. પસંદગી કરવાનું સરળ નથી પરંતુ જાગૃતિ, ટેકનોલોજી અને સાચા અર્થમાં વૈશ્વિક ભાગીદારી દ્વારા મને ખાતરી છે કે આપણે યોગ્ય પસંદગી કરીશું
આપનો આભાર.