પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ 2020માં સંબોધન કર્યું હતું અને ભરતિયારને તેમની જન્મજંયતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. આ મહોત્સવનું આયોજન વનવિલ સાંસ્કૃતિક કેન્દ્રના ઉપક્રમે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની 138મી જન્મજયંતિની ઉજવણી માટે કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ વિદ્વાન શ્રી સીની વિશ્વનાથનને આ વર્ષે ભારતી પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સુબ્રમણ્યમ ભારતી વિશે વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. ભરતિયારને કોઇ એક જ વ્યવસાય અથવા પરિમાણ સાથે ના સાંકળી શકાય. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ એક કવિ, લેખક, પત્રકાર, સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, માનવતાવાદી અને બીજા અનેક રૂપોમાં સમાજની સેવા કરતા હતા.
પ્રધાનમંત્રીએ ટાંક્યુ હતું કે કોઇપણ વ્યક્તિ માત્ર આ મહાન કવિની રચના, તેમની કવિતાઓ, તેમની ફિલસુફી અને તેમના જીવનથી આશ્ચર્યચકિત થઇ શકે છે. શ્રી મોદીએ મહાકવિના વારાણસી સાથેના ઘનિષ્ઠ સંબંધને યાદ કર્યો હતો. ભારતીની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 39 વર્ષના ટૂંકા આયુષ્યમાં તેમણે ઘણું બધુ લખ્યું છે, ઘણા કાર્યો કર્યા છે અને ખૂબ જ સારી ઉન્નતિ કરી છે. તેમના લેખનો આપણાં માટે કીર્તિપૂર્ણ ભવિષ્યની દિશામાં આગળ વધવા માટે માર્ગદર્શક પ્રકાશ સમાન છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે એવું ઘણું બધુ છે જે આપણાં આજના યુવાનો સુબ્રમણ્યમ ભારતીના જીવનમાંથી શીખી શકે છે. સૌથી મહત્વપૂર્ણ તો તેમની હિંમત છે. સુબ્રમણ્યમ ભારતીને ડર એટલે શું એ ખબર જ નહોતી. ભારતીના શબ્દો “હું ડરતો નથી, હું ડરતો નથી, કદાચ આખી દુનિયા મારી વિરુદ્ધ થઇ જાય તો પણ હું ડરતો નથી”નો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજના યુવાન ભારતીયો જ્યારે નવાચાર અને ઉત્કૃષ્ટતામાં અગ્રમોરચે આવી આગળ વધી રહ્યાં હોય ત્યારે તેમનામાં તેમને ભારતી દેખાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનું સ્ટાર્ટ-અપ ક્ષેત્ર એવા નીડર યુવાનોથી ભરેલું છે જેઓ માનવજાતને કંઇક નવું આપી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે ‘હું કરી શકીશ’ની તેમની આવી ભાવના આપણા રાષ્ટ્ર અને આપણા ગ્રહ માટે મોટા આશ્ચર્યો સર્જશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભરતિયાર પ્રાચીન અને અર્વાચીન વચ્ચે મજબૂત મિશ્રણમાં માનતા હતા. તેમણે કહ્યું કે, ભારતીએ આપણા મૂળિયા સાથે જોડાયેલા રહેવામાં ચાતુર્ય જોયું અને સાથે સાથે ભવિષ્ય પર નજર પણ રાખી અને તમિલ ભાષાને તેમજ માતૃભૂમિ ભારતને પોતાના બે નેત્રો માન્યા. ભારતી પ્રાચીન ભારતની મહાનતા, વેદો અને ઉપનિષદોની શ્રેષ્ઠતા, આપણી સંસ્કૃતિ, પરંપરા અને આપણા કિર્તીપૂર્ણ ભૂતકાળના ગીતો ગાતા. પરંતુ સાથે સાથે, તેમણે આપણને ચેતવ્યા પણ ખરા કે, માત્ર ભવ્ય ભૂતકાળમાં જીવવું એ પૂરતું નથી. શ્રી મોદીએ વૈજ્ઞાનિક જુસ્સો વિકસાવવાની, જિજ્ઞાસાની ભાવના જગાવવાની અને પ્રગતિ તરફ આગેકૂચ કરવાની જરૂરિયાત હોવાનો અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહાકવિ ભરતિયારની પ્રગતિની પરિભાષામાં કેન્દ્રની ભૂમિકામાં મહિલાઓ હતી. સ્વતંત્ર અને સશક્ત મહિલાઓ તેમના એક સૌથી મહત્વપૂર્ણ દૂરંદેશી હતી. મહાકવિ ભારતિયારે લખ્યું છે કે, મહિલાઓ જ્યારે લોકોની આંખો સામે નજર મિલાવીને ચાલતી હોય ત્યારે માથુ ઊંચુ રાખીને ચાલવું જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની આ દૂરંદેશીથી સરકાર પ્રેરિત છે અને મહિલાઓના નેતૃત્વ સાથેના સશક્તિકરણને સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહી છે. સરકારની કામગીરીના તમામ ક્ષેત્રોમાં મહિલાઓને સન્માન આપવા માટે તેમને મહત્વ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આજે 15 કરોડથી વધારે મહિલા ઉદ્યોગ સાહસિકોને મુદ્રા યોજના જેવી વિવિધ યોજનાઓ દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે. આજે, મહિલાઓ આપણા સશસ્ત્ર દળોમાં કાયમી નિયુક્તિ સાથે તેનો હિસ્સો બની રહી છે. આજે, ગરીબમાં ગરીબ મહિલાઓ કે જેઓને સલામત સેનિટેશનની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેમને 10 કરોડથી વધારે સલામત અને સ્વચ્છ શૌચલયોનો લાભ મળી રહ્યો છે. હવે તેમણે વધારે સમસ્યાઓનો સામનો કરવાની જરૂર નથી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આ નવા ભારતની નારી શક્તિનો યુગ છે. તેઓ બંધનો તોડીને પ્રગતિ કરી રહી છે અને પોતાનો પ્રભાવ પાડી રહી છે. સુબ્રમણ્યમ ભારતીને આ નવા ભારતની શ્રધ્દ્ધાંજલિ છે.”
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, મહાકવિ ભરતિયાર સમજતા હતા કે, ક્યારેય પણ કોઇપણ વિભક્ત સમાજ સફળ થઇ શકતો નથી. સાથે સાથે, તેમણે રાજકીય સ્વતંત્રતાના ખાલીપા વિશે પણ લખ્યું હતું જે સામાજિક અસમાનતા અને સામાજિક માંદગીઓનો સામનો નથી કરી શકતો. ભારતીના શબ્દો “હવે આપણે કાયદો ઘડીશું અને તેને હંમેશ માટે અમલમાં મૂકીશુ, જો એક વ્યક્તિ પણ ભૂખે મરશે તો આખી દુનિયાએ વિનાશની વેદનાનું પ્રાયશ્ચિત કરવું પડશે”નો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ શીખ આપણને એકજૂથ રહેવાની અને ખાસ કરીને ગરીબો તેમજ સિમાંત લોકો સહિત પ્રત્યેક વ્યક્તિના શક્તિકરણ માટે કટિબદ્ધ રહેવાની પ્રબળપણે યાદ અપાવે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીના જીવનમાંથી આપણા યુવાનોને શીખવા જેવું ઘણું બધુ છે અને આશા વ્યક્ત કરી હતી કે, આપણા દેશમાં પ્રત્યેક વ્યક્તિ તેમના પુસ્તકો વાંચશે અને તેમના જીવનમાંથી પ્રેરણા લેશે. ભરતિયારના સંદેશાનો પ્રસાર કરવા માટે આ અદભૂત કાર્ય કરવા બદલ તેમણે વનવિલ સાંસ્કૃતિક કેન્દ્રની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મહોત્સવથી ફળદાયી ચર્ચાઓ થશે અને તેનાથી ભારતને નવા ભવિષ્ય તરફ દોરી જવામાં મદદ મળશે.