આજે ખુબ જ સારો પ્રસંગ છે જ્યારે આપણે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા દેશના મહાન સપુતને યાદ કરી રહ્યા છીએ. આ દેશને માટે અવિરત કાર્ય કરવાનો, પોતાને હોમી દેવાનો એક જુસ્સો છે કે, જે આપણને દિવસ-સમય-પ્રહરની ચિંતાઓથી પર થઈને આવી રીતે સાથે લાવે છે.
આચાર્ય સત્યેન્દ્રનાથ બોઝના 125માં જન્મોત્સવ પર હું આપ સૌને અને ખાસ કરીને વૈજ્ઞાનિક બંધુઓને ખુબ ખુબ અભિનંદન આપું છું.
મિત્રો, મને દર વખતે વર્ષના પ્રારંભમાં પ્રખ્યાત વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. મને ખુશી છે કે આજની પવિત્ર ઘડીમાં મને તમારી સાથે કેટલાક વિચારો વહેંચવાની તક સાંપડી છે.
આજે આપણે આચાર્ય સત્યેન્દ્રનાથ બોઝ કે જેઓ 1894માં આજના જ દિવસે જન્મ્યા હતા તેમની 125મી જન્મજયંતીની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીનો પ્રારંભ કરી રહ્યા છીએ. મેં તેમની અગાધ સિદ્ધિઓ વિષે જાણ્યું છે કે, તેઓ સમય અને તે વખતના સમાજ કરતા ખુબ આગળ હતા.
સાથીઓ, દેશબંધુ ચિતરંજન દાસે પોતાના એક ગીત કાવ્યમાં કહ્યું હતું-
“બંગાળના પાણી અને બંગાળની માટીમાં એક ચિરંતર સત્ય સમાયેલું છે.”
આ એ સત્ય છે કે જે બંગાળના લોકોને ચિંતન મનનના એવા સ્તર ઉપર લઇ જાય છે જ્યાં પહોંચવું મુશ્કેલ હોય છે. આ એ સત્ય છે જેના કારણે બંગાળે સદીઓ સુધી દેશની ધુરી બનીને દેશને જકડી રાખ્યો છે.
સ્વતંત્રતા આંદોલનની વાત હોય, સાહિત્ય હોય, વિજ્ઞાન હોય, રમત-ગમત હોય, દરેક ક્ષેત્રમાં બંગાળના પાણી અને બંગાળની માટીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ગુરૂવર રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, શ્યામાપ્રસાદ મુખર્જી, બંકિમચંદ્ર, શરદચંદ્ર, સત્યજીત રે, તમે કોઈ પણ ક્ષેત્રનું નામ લો, બંગાળનો કોઈ ને કોઈ સિતારો ત્યાં ચમકતો જોવા મળશે જ.
ભારત માટે એ ગર્વની વાત છે કે આ ભૂમિએ એકથી એક ચઢિયાતા એવા એક વૈજ્ઞાનિકો પણ સમગ્ર દુનિયાને આપ્યા છે. આચાર્ય એસ. એન. બોઝ સિવાય જે. સી. બોઝ, મેઘનાદ સાહા, કેટલાય નામો છે જેમણે દેશમાં આધુનિક વિજ્ઞાનની આધારશીલા મજબુત કરી.
ખુબ જ ઓછા સંસાધનો અને પુષ્કળ સંઘર્ષની વચ્ચે તેમણે પોતાના વિચારો અને આવિષ્કારોથી લોકોની સેવા કરી. આજે પણ આપણે તેમની પ્રતિબદ્ધતા અને રચનાત્મકતામાંથી શીખી રહ્યા છીએ.
મિત્રો, આપણે આચાર્ય એસ. એન. બોઝના જીવન અને કાર્યોમાંથી ઘણું બધું શીખવાનું છે. તેઓ સ્વશિક્ષિત વિદ્વાન હતા. અનેક મર્યાદાઓ છતાં પણ તેમણે સફળતા મેળવી. આ મર્યાદાઓમાં પૂર્વ સંશોધન શિક્ષણનો અભાવ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય સાથે ખુબ જ ઓછા જોડાણનો સમાવેશ થાય છે. 1924માં એમણે કરેલું મહત્વનું કાર્ય વિજ્ઞાન પ્રત્યેનાં એમના સમર્પણનું પરિણામ માનવું રહ્યું.
તેમણે કવોન્ટમ સ્ટેટિસ્ટિકસ અને આધુનિક પરમાણું થીયરીનો પાયો નાખવાનું કામ કર્યું હતું. આઇન્સ્ટાઇનનું જીવનચરિત્ર લખનાર અબ્રાહમ પેસે તેમના કાર્યને જૂની કવોન્ટમ થીયરી ઉપરના ચાર મુખ્ય ક્રાંતિકારી સંશોધનપત્રોમાંનું એક ગણાવ્યું હતું. સત્યેન્દ્ર નાથ બોઝનું નામ વિજ્ઞાનનાં ઇતિહાસમાં બોઝ સ્ટેટિસ્ટિકસ, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન અને હિગ્સ બોઝોન જેવી વિભાવનાઓ અને નામો વડે અમર થઇ ગયું છે.
તેમના કાર્યનાં મૂળભૂત મહત્વનું કદાચ એ તથ્ય ઉપરથી અનુમાન લગાવી શકાય કે ભૌતિકશાસ્ત્રમાં અનેક નોબલ પુરસ્કારો પછીથી એવા સંશોધકોને આપવામાં આવ્યા છે કે, જેઓ ભૌતિક બાબતોનાં તેમનાં વિચારને આગળ ધપાવનારા હોય.
પ્રોફેસર બોઝ સ્થાનિક ભાષામાં વિજ્ઞાન શીખવવા માટેના પ્રણેતા હતા. તેમણે બંગાળી વિજ્ઞાન મેગેઝીન જ્ઞાન ઓ બિજ્ઞાન શરૂ કર્યું હતું.
આપણી યુવા પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે પ્રેમ અને સમજણ કેળવવા માટે આ બાબત ખુબ જ અગત્યની છે કે, આપણે વૈજ્ઞાનિક સંવાદનો બહોળો પ્રચાર પ્રસાર કરીએ. આ કાર્યમાં ભાષા એ અડચણ નહી પરંતુ સહાયક બનવી જોઈએ.
સાથીઓ, ભારતની વૈજ્ઞાનિક સંશોધન ઇકો સીસ્ટમ ઘણી મજબુત રહી છે. આપણે ત્યાં ન તો પ્રતિભાની ખોટ છે, ન પરિશ્રમની અને ન તો પ્રયોજનની.
પાછલા કેટલાક દાયકાઓમાં ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ ઝડપથી આગળ વધ્યું છે. આઈટી ક્ષેત્ર હોય, અવકાશ ટેકનોલોજી હોય, મિસાઈલ ટેકનોલોજી હોય, ભારતે પોતાની ધાક આખી દુનિયામાં જમાવી છે. આપણા વૈજ્ઞાનિકો અને આપણા ટેકનોલોજી નિષ્ણાતોની આ ઉપલબ્ધિઓ સમગ્ર દેશ માટે ગર્વનો વિષય છે.
જ્યારે ઈસરોના રોકેટથી એક જ વખતમાં 100થી વધુ સેટેલાઈટ છોડવામાં આવે છે તો સમગ્ર દુનિયા ફાટી આંખે જુએ છે. તે સમયે આપણે ભારતીયો આપણું માથું ઊંચું કરીને આપણા વૈજ્ઞાનિકોના આ પરાક્રમથી પ્રફુલ્લિત થઇ ઉઠીએ છીએ.
સાથીઓ, તમે પ્રયોગશાળામાં જે મહેનત કરો છો તમારૂ જીવન હોમી દો છો, તે માત્ર પ્રયોગશાળામાં જ રહી જાય તો તે દેશ સાથે, તમારી સાથે ખુબ મોટો અન્યાય થયો ગણાશે. દેશની વૈજ્ઞાનિક ક્ષમતા વધારવા માટે તમારો પરિશ્રમ ત્યારે વધુ રંગ લાવશે જ્યારે તમે તમારા મૂળભૂત જ્ઞાનને આજના સમયની રીતે દેશના સામાન્ય જન સુધી પહોંચાડી શકો. એટલા માટે આજે એ ઘણું અગત્યનું છે કે, આપણા સંશોધનો, આપણા આવિષ્કારોનો અંતિમ પડાવ નક્કી થાય. શું તમારા આવિષ્કારોથી કોઈ ગરીબની જિંદગી સરળ બની રહી છે? મધ્યમ વર્ગના કોઈ માણસની મુશ્કેલીઓ ઓછી થઇ રહી છે?
જ્યારે આપણા વૈજ્ઞાનિક પ્રયોગોનો આધાર આપણી સામાજિક આર્થિક સમસ્યાઓનું સમાધાન હશે તો તમને તમારૂ અંતિમ પરિણામ, તમારું લક્ષ્ય નક્કી કરવામાં પણ સરળતા રહેશે.
મારો વિશ્વાસ છે કે, આપણા દેશના વૈજ્ઞાનિકો તેમની જરા હટકે વિચારધારાથી દેશને એવી રચનાત્મક ટેકનોલોજીનો ઉકેલ આપતા રહેશે કે, જેનો ફાયદો સામાન્ય માનવીને થશે, જે તેમની જિંદગીને વધુ સરળ બનાવશે.
મને જણાવવામાં આવ્યું છે કે જુદી જુદી વૈજ્ઞાનિક સંસ્થાનોએ સૂર્ય ઉર્જા, સ્વચ્છ ઉર્જા, જળ સંસાધન, વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષયોને ધ્યાનમાં રાખીને સંશોધન અને વિકાસના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ પ્રકારના પ્રોજેક્ટ્સ અને તેના પરિણામો પ્રયોગશાળામાં જ ન રહી જાય એ પણ આપણી સામુહિક જવાબદારી છે.
નામાંકિત વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ, તમે સૌએ કવોન્ટમ મિકેનિકસનો અભ્યાસ કર્યો છે અને કદાચ તમે તેના નિષ્ણાત પણ છો. હું નથી ભણ્યો, પરંતુ હું સમજુ છું કે, એવા ઘણા પાઠ છે જે આપણને રોજબરોજની જીંદગીમાં ભૌતિક વિજ્ઞાન શીખવાડી શકે છે. એક ક્લાસિકલ પાર્ટિકલ(કણ) ઉંડા કુવાની અંદરથી સરળતાથી છટકી નથી શકતો પરંતુ એક કવોન્ટમ પાર્ટિકલ(કણ) કરી શકે છે.
એક અથવા બીજા કારણસર આપણે આપણી જાતને એકાંતમાં મર્યાદિત બનાવી દીધી છે. આપણે ભાગ્યે જ અન્ય સંસ્થાઓ અને રાષ્ટ્રીય પ્રયોગશાળાઓનાં સાથી વૈજ્ઞાનિકો સાથે સહકાર સાધીએ છીએ, જોડાણ કરીએ છીએ અને આપણા અનુભવો વહેંચીએ છીએ.
આપણી સાચી કાર્યક્ષમતા સુધી પહોંચવા માટે અને ભારતીય વિજ્ઞાનને તેની ખરી ગૌરવગાથા સુધી લઇ જવા માટે આપણે કવોન્ટમ કણ જેવા બનવું પડશે કે જે પોતાની મર્યાદાઓને ઓળંગી જાય છે. આ બાબત આજના સમયમાં વધુ અગત્યની છે, કારણ કે વિજ્ઞાન અનેક શાખાઓવાળું બની ગયું છે અને આપણા એકલક્ષી પ્રયત્નોની જરૂર છે.
હું ભૌતિક અને સંશોધન માળખાગત સુવિધાને વહેંચવાની તાતી જરૂરિયાત ઉપર વાત કરી રહ્યો હતો કે, જે ઘણી ખર્ચાળ છે અને તેની સમય અવધિ પણ ટૂંકાગાળાની છે.
મને કહેવામાં આવ્યું છે કે, આપણો વિજ્ઞાન વિભાગ હવે બહુ આયામી વિચારધારા ઉપર કામ કરી રહ્યો છે. હું સમજુ છું કે વૈજ્ઞાનિક માળખાને વહેંચવા માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે કે, જે સંસાધનોને પારદર્શક અને અને અસરકારક રીતે જોડવા અને વહેંચવામાં સહાયભૂત બનશે.
શૈક્ષણિક તથા સંશોધન અને વિકાસ સંસ્થાઓ વચ્ચે મજબુત જોડાણ ઉભું કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં ભાગીદારોને શિક્ષણ થી સંસ્થાઓ સુધી અને ત્યાંથી ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચાડવા શહેર આધારિત સંશોધન અને વિકાસ સંસ્થાઓના સમુહ બનાવવામાં આવ્યા છે.
આ પ્રયત્નની સફળતા આપણી તમામ સંસ્થાઓ અને પ્રયોગશાળાઓને આ યોજના હેઠળ આવરી લેવાની આપણી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે. તેની માટે આપણા સૌ તરફથી સંપૂર્ણ સહાયની જરૂર પડશે. આ માળખું એ બાબતની ખાતરી કરતું હોવું જોઈએ કે દેશના સાવ છેવાડાનો વૈજ્ઞાનિક હોય તો તેને પણ દેશના આઇઆઇટી દિલ્હી અથવા દેહરાદૂનની સીએસઆઈઆર પ્રયોગશાળા સુધીની અમાપ પહોંચ પ્રાપ્ત થાય.
આપણું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું હોવું જોઈએ કે આપણા સંપૂર્ણ પ્રયાસો અને કાર્યો જુદા જુદા ભાગોના કુલ સરવાળા કરતા હંમેશા વધુ હોવા જોઈએ.
સાથીઓ, વિકાસ, વૃદ્ધિ અને અપરિવર્તન માટે વિજ્ઞાન અને ટેકનોલોજી એક અદ્વિતીય એન્જીનની જેમ કામ કરતું રહ્યું છે. હું આપ સૌને, દેશના વૈજ્ઞાનિક સમુદાયને ફરીથી આગ્રહ કરીશ કે તમારા આવિષ્કારોની દિશા આપણા સામાજિક આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને નક્કી કરો.
તમારી જાણમાં છે કે દેશમાં લાખો લોકો ખાસ કરીને આદિવાસી સમુદાયમાં હજારો બાળકો સિકલ સેલ એનીમિયાથી પીડિત છે. આની ઉપર દાયકાઓથી સંશોધન થઇ રહ્યું છે પરંતુ શું આપણે ગાંઠ વાળી શકીએ છીએ કે આ બીમારીનું પોષણક્ષમ નિરાકરણ સમગ્ર દુનિયાને આપીશું?
શું કુપોષણના પડકાર સામે લડવા માટે વધુ સસ્તી અને પ્રોટીનયુક્ત દાળની નવી ઉપજોને બનાવી શકાય તેમ છે? શું શાકભાજીઓ અને આપણા અનાજની ગુણવત્તાને વધુ સારી બનાવી શકાય તેમ છે? શું નદીઓની સફાઈ માટે, નદીઓને કીચડ અને કાંપથી મુક્તિ અપાવવા માટે, નદીઓને પ્રદુષણથી મુક્ત કરવા માટે ટેકનોલોજી ઉપર કામ હજુ વધારે ઝડપી બનાવી શકાય તેમ છે?
શું મેલેરિયા, ટ્યુબરક્યુલોસીસ, જાપાનીઝ એન્સીફેલાઈટીસ જેવી બીમારીઓની અટકાયત માટે નવી દવાઓ, નવી રસીનો વિકાસ કરી શકાય તેમ છે? શું આપણે એવા ક્ષેત્રોની પસંદગી કરી શકીએ છીએ ? જ્યાં આપણા પારંપરિક જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને એક રચનાત્મક રીતે સંયોજિત કરી શકીએ.
મિત્રો, અનેક કારણોસર આપણે પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ ચુકી ગયા છીએ. આપણે એના જેવી જ અન્ય તકને ફરીથી ગુમાવી ન શકીએ. ઉભરી રહેલા ક્ષેત્રો જેવા કે કૃત્રિમ બુદ્ધિક્ષમતા, બીગ ડેટા એનાલીટીક્સ, મશીન લર્નિંગ, સાયબર ફીઝીકલ સીસ્ટમ, જીનોમિક્સ અને ઇલેક્ટ્રિક વિહીક્લ્સ કે જેમની તરફ તમારે ધ્યાન આપવાની જરૂર છે.
કૃપા કરી એ બાબતની ખાતરી કરો કે એક દેશ તરીકે આપણે આ ઉભરી રહેલી ટેકનોલોજી અને આવિષ્કારો સાથે કદમથી કદમ મિલાવીને ચાલીએ.
આપણો વૈજ્ઞાનિક સમુદાય આ પડકારોને કઈ રીતે પહોંચી વળે છે તે બાબત સ્માર્ટ ઉત્પાદન, સ્માર્ટ શહેરો, ઉદ્યોગો 4.0 અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં આપણી સફળતા નિર્ધારિત કરશે. આપણી વૈજ્ઞાનિક ઇકોસીસ્ટમ નવીન આવિષ્કાર કરનારા અને ઉદ્યોગ સાહસિકોને દિશાનિર્દેશ કરવા, કાર્યાન્વિત કરવા અને તેમને સશક્ત બનાવવા માટે સીધી તેમની સાથે જોડવી જોઈએ.
સાથીઓ, આપણા દેશની પાસે ભૌગોલિક વિવિધતાની જેટલી મોટી તાકાત છે તેનાથી સમગ્ર દુનિયાને ઈર્ષ્યા થઈ શકે છે. તેને જ ધ્યાનમાં રાખીને સરકાર સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્કીલ ડેવલપમેન્ટ મિશન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેવા કાર્યક્રમો ચલાવી રહી છે. એ જ કડીમાં અમે દેશમાં 20 એવી સંસ્થાઓના નિર્માણ માટે પ્રયાસ કરી રહ્યા છીએ કે, જે દુનિયામાં પોતાની ધાક જમાવે, જેમની ઓળખ વર્લ્ડ ક્લાસ તરીકે થાય.
ઇન્સ્ટીટયુટ ઓફ એમીનન્સ મિશનમાં સામેલ થવા માટે સરકાર પોતે ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી ખાનગી અને જાહેર સંસ્થાઓને આમંત્રિત કરી રહી છે. અમે નિયમોમાં પરિવર્તન કર્યા છે, કાયદાઓમાં પરિવર્તન કર્યા છે, જાહેર ક્ષેત્રના જે સંસ્થાન પસંદગી પામશે તેમને એક નિશ્ચિત સમયમાં 1000 કરોડ રૂપિયાની આર્થિક મદદ પણ આપવામાં આવશે.
મારો એસ. એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝીક સાયન્સ અને તેના જેવી જ અન્ય સંસ્થાઓને વિશેષ આગ્રહ છે કે તેઓ પણ પોતાની સંસ્થાને ટોચનો ક્રમ ધરાવતી સંસ્થા બનાવવા માટે આયોજન કરે, તેના ઉપર કામ કરે. આજે મારો તમને એક આગ્રહ એ પણ છે કે તમારી સંસ્થાઓમાં એ પ્રકારની ઇકો સીસ્ટમ બનાવો જેનાથી વિદ્યાર્થી અને નવયુવાન સંશોધન માટે વધુ પ્રોત્સાહિત થાય.
જો પ્રત્યેક વૈજ્ઞાનિક માત્ર એક બાળકના વિજ્ઞાનનો અભ્યાસ, સંશોધન પ્રત્યે તેની રૂચી વધારવા માટે પોતાનો થોડો સમય આપવા લાગશે તો દેશમાં લાખો વિદ્યાર્થીઓનું જીવન બની શકે છે. આચાર્ય એસ. એન. બોઝના 125માં જન્મ વર્ષમાં આ તેમને સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે.
સાથીઓ, 2017માં આપણે સૌએ, સવા સો કરોડ ભારતીયોએ મળીને એક સંકલ્પ લીધો છે. તે સંકલ્પ છે ન્યુ ઇન્ડિયાનો. તે સંકલ્પ છે 2022 સુધીમાં પોતાના દેશને આંતરિક બદીઓથી મુક્ત કરવાનો. આ સંકલ્પ છે તે ભારતના નિર્માણનો જેનું સપનું આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયું હતું.
2018નું આ વર્ષ આ સંકલ્પ માટે ખુબ મહત્વપૂર્ણ છે. આ જ એ વર્ષ છે જ્યારે આપણે આપણી તમામ શક્તિઓ, આપણી તમામ ઉર્જા આ સંકલ્પની સિદ્ધિ ઉપર કેન્દ્રિત કરવાની છે.
દેશના દરેક વ્યક્તિ, દરેક પરિવાર, દરેક સંસ્થા, દરેક સંગઠન, દરેક વિભાગ, દરેક મંત્રાલયે પોત પોતાના તરફથી યોગદાન આપવાનું છે. જેમ કે કોઈ સ્ટેશન તરફથી ટ્રેન ચાલે છે તો તે 5-10 મિનીટ પછી પોતાની સંપૂર્ણ ઝડપ પકડી લે છે તે જ રીતે 2018નું આ વર્ષ આપણે આપણી સંપૂર્ણ ઝડપમાં લાવવાનું વર્ષ છે.
દેશના વૈજ્ઞાનિક સમુદાયને પણ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલ દરેક વ્યક્તિને પોતાના આવિષ્કાર અને સંશોધનનું કેન્દ્રબિંદુ ન્યુ ઇન્ડિયાના નિર્માણ ઉપર કેન્દ્રિત કરવું પડશે.
તમારા આવિષ્કારો દેશના ગરીબ અને મધ્યમવર્ગને મજબુત કરશે, દેશને મજબુત કરશે. આખરે આધાર હોય, ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર હોય, સોઇલ હેલ્થ કાર્ડ હોય, યોજનાઓનું સેટેલાઈટ અને ડ્રોનથી નિયંત્રણ હોય, આ બધી જ વ્યવસ્થાઓ તમારી જ બનાવેલી છે.
આવું બીજું શું શું કરી શકાય તેમ છે, કઈ રીતે રોજગાર આધારિત આર્થિક વિકાસમાં મદદ કરી શકાય તેમ છે, તે વિષયમાં વૈજ્ઞાનિક સંસ્થાઓ ઘણું યોગદાન આપી શકે છે. ખાસ કરીને દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં, તેમની જરૂરિયાતોના આધારે નવી ટેકનોલોજીનું નિર્માણ કરીને નવી ટેકનોલોજીને ગામડાઓ સુધી પહોંચાડવા માટે તમારી ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે.
સાથીઓ, આવાસ, પીવાનું પાણી, ઉર્જા, રેલવે, નદીઓ, રસ્તાઓ, હવાઈમથક, કૃષિ, દુરસંચાર, ડીજીટલ માળખા જેવા અનેક ક્ષેત્રોમાં નવા નવા આવિષ્કારો તમારી રાહ જોઈ રહ્યા છે.
સરકાર તમારી સાથે છે, સંસાધનો તમારી સાથે છે, સામર્થ્ય તમારામાં કોઈના કરતા ઓછું નથી, એટલા માટે આ સફળતાને પણ તમારા સુધી આવવું જ પડશે. તમે સફળ થશો તો દેશ સફળ થશે. તમારા સંકલ્પ સિદ્ધ થશે તો દેશના સંકલ્પ સિદ્ધ થશે.
મિત્રો, ઉદ્ઘાટનનો ઉદ્દેશ ત્યારે જ પૂરો થાય છે જ્યારે તમારી પાસે કાર્ય કરવાનું એક આયોજન હોય. મને એ જાણીને ખુશી થઇ કે આની સાથે રોમાંચક અને અગત્યની ઘટનાઓ સંકળાયેલી છે.
મને જણાવવામાં આવ્યું છે કે શાળાઓ અને કોલેજોમાં 100 કરતા વધુ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક પડકારોને લગતી સમસ્યાઓનાં 125 ઉપાયોને લગતી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદો અને સ્પર્ધાઓ પણ એજન્ડામાં છે.
ઉત્કૃષ્ટ વિચારોનું મહત્વ તેઓ જ્યારે ઉત્પન્ન થાય તેના કરતા ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે.
આજે પણ આચાર્ય બોઝનું કાર્ય વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી રહ્યું છે.
વૈજ્ઞાનિક સંશોધનના ઉભરી રહેલા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટેના આપ સૌના પ્રયત્નો માટે હું આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે તમારા અથાગ પ્રયત્નો વડે રાષ્ટ્રને એક વધુ સારું અને ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત થશે.
હું આપ સૌને સમૃદ્ધ અને રચનાત્મક નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું.
જય હિન્દ!