પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે વારાણસીમાં ઇન્ડિયા કાર્પેટ એક્સ્પોને સંબોધન કર્યુ હતુ.
ભારત અને વિદેશમાંથી મહેમાનોને આવકારતા પ્રધાનમંત્રીએ નોંધ્યુ હતુ કે, વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં ઇન્ડિયા કાર્પેટ એક્સ્પોનું પહેલી વાર આયોજન થયું છે. તેમણે વારાસણી, ભદોહી અને મિર્ઝાપુરનો કાર્પેટ ઉદ્યોગનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રો તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે હસ્તકળા, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસો વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં હસ્તકળાની લાંબી પરંપરા છે અને વારાણસી આ સંબંધમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સંદર્ભમાં તેમણે મહાન સંત કવિ કબીરનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ આ જ વિસ્તાર સાથે નાતો ધરાવે છે.
તેમણે કહ્યું હતું કે, હસ્તાકળા આઝાદીની લડત અને સ્વનિર્ભરતા માટે પ્રેરણાસ્રોત હતી. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી, સત્યાગ્રહ અને ચરખાનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત કાર્પેટનો સૌથી મોટો ઉત્પાદક દેશ અને વિશ્વમાં કાર્પેટનાં બજારમાં આશરે 35 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે આ ક્ષેત્રમાં નિકાસની પ્રભાવશાળી કામગીરી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગનો ઉદય અને કાર્પેટ ઉદ્યોગને ટેકો – આ બંને પરિબળો કાર્પેટ ઉદ્યોગની વૃદ્ધિ માટે મુખ્ય પરિબળો છે. તેમણે કાર્પેટ બજારની કુશળતાઓની પ્રશંસા કરી હતી, જેના થકી “મેડ ઇન ઇન્ડિયા કાર્પેટ” મોટી બ્રાન્ડ બની છે. તેમણે કાર્પેટ નિકાસકારોને પ્રદાન કરવામાં આવેલા લોજિસ્ટિક સપોર્ટ વિશે અને ગુણવત્તાની સુનિશ્ચિતતા કરવા વૈશ્વિક કક્ષાની પ્રયોગશાળાઓ ઊભી કરવાની વાત કરી હતી. તેમણે સુવિધા માટે લેવામાં આવેલા અન્ય પગલાંઓ વિશે પણ વાત કરી હતી, જેમાં આધુનિક લૂમ અને ધિરાણ સુવિધાઓ આ ક્ષેત્રને ઉપલબ્ધ કરાવવાની વાત સામેલ છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે કે કાર્પેટ ઉત્પાદકોની કુશળતા અને મહેનત દેશની તાકાત બની છે.