-
આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા,
આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિ મિશેલ ટેમર,
આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન,
આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિ શી જિનપીંગ,
હું રાષ્ટ્રપતિ રામાફોસાને જુલાઈમાં જોહાનિસ્બર્ગમાં બ્રિકસ સમિટની સફળતા અને આ બેઠકના આયોજન માટે ધન્યવાદ પ્રગટ કરું છું.
આપણે સૌ બ્રિકસમાં વિશ્વની 42 ટકા જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. પાછલા કેટલાક વર્ષોથી બ્રિકસ વૈશ્વિક વિકાસનું એન્જીન બનેલું છે. જો કે, હજુ પણ વૈશ્વિક જીડીપી (23 ટકા) અને વ્યાપાર (16 ટકા)માં આપણી ભાગીદારીને વધારવા માટેની ઘણી વધુ સંભાવનાઓ રહેલી છે. તે જનસંખ્યાને અનુરૂપ નથી.
-
મહામહિમ,
વૈશ્વીકરણે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જો કે વૈશ્વીકરણના ફાયદાઓની જેમ સમાન વિતરણને લઈને આપણી સામે ઘણા પડકારો છે. બહુ પક્ષીયવાદ અને નિયમ આધારિત વિશ્વ વ્યવસ્થાની સામે સતત પડકારો આવી રહ્યા છે અને સંરક્ષણવાદ વધી રહ્યો છે. નાણાનું અવમૂલ્યન અને તેલની કિંમતોમાં ઝડપી વધારો પાછલા કેટલાક વર્ષોમાં અર્જિત લાભને પડકાર ફેંકી રહ્યો છે.
બ્રિકસ દેશો સ્થિરતા અને વિકાસમાં યોગદાન આપતા રહ્યા છે. આપણે વિશ્વની આર્થિક અને રાજનૈતિક સંરચનાને આકાર આપવામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
આપણે વૈશ્વિક આર્થિક વહીવટના માળખાને હજુ વધારે પ્રતિનિધિત્વવાળું અને લોકતાંત્રિત બનાવવામાં સાર્થક યોગદાન આપ્યું છે અને આ દિશામાં આવનારા સમયમાં પણ કાર્ય કરતા રહીશું.
આપણે સંયુક્ત રાષ્ટ્ર અને તેની સુરક્ષા પરિષદ સહિત બહુઆયામી સંસ્થાઓમાં વિકાસશીલ દેશોને હજુ વધારે પ્રતિનિધિત્વ આપવા અંગે એક સુરમાં વાત કરવી જોઈએ. આ એ જ ઉદ્દેશ્ય છે જેના માટે આપણે બ્રિકસમાં એક સાથે આવ્યા છીએ.
આપણે નિયમ આધારિત વિશ્વ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર, ડબ્લ્યુટીઓ, યુએનએફસીસી, વિશ્વ બેંક વગેરે જેવા બહુઆયામી સંસ્થાનોની સાથે મળીને કામ કરવું પડશે જેનાથી તેમની પ્રાસંગિકતા બનેલી રહે અને તેઓ સમયની વાસ્તવિકતાઓને દર્શાવે. આ સંદર્ભમાં મેં જોહાનિસ્બર્ગની મારી પોતાની મુલાકાતમાં ‘સુધારેલા બહુપક્ષીયવાદ’નું સૂચન કર્યું છે.
નવી ઔદ્યોગિક ક્રાંતિ, કાર્યનું ભવિષ્ય, વગેરે વિષયોના જી20 એજન્ડામાં સમાવેશે વૈશ્વિક વિકાસની ચર્ચાને સમૃદ્ધ કરી છે. આપણે બ્રિકસ દેશો નવી ઔદ્યોગિક ક્રાંતિમાં સહયોગ કરવા માટે ઉત્સુક છીએ.
આ સંદર્ભમાં, વૈશ્વીકરણ અને સ્થાનાંતરણના વિષયોને વધુ સારા બહુપક્ષીય સમન્વય અને સહયોગ દ્વારા સંબોધિત કરવા પડશે. ગ્લોબલ સપ્લાય ચેઈનમાં કામદારોનાં મુદ્દાઓનું વ્યવસ્થાપન, સંપૂર્ણ વેલ્યૂ ચેઈનમાં ઉત્કૃષ્ટ કામને સુનિશ્ચિત કરવા માટે જરૂરી હશે. વિશ્વભરમાં કામદારોના સામાજિક સંરક્ષણ યોજનાઓની પોર્ટેબીલીટી અને મજૂરો માટે સહજ આવાગમન મહત્વપૂર્ણ છે.
મહિલાઓના સશક્તિકરણ અને સંતુલિત ખાદ્યાન્ન ભવિષ્ય જેવી સામાજિક આર્થિક બાબતો જી20 સમિટમાં ઉઠાવવામાં આવશે. પહેલા મેં સતત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુદરતી આપત્તિમાં ટકી શકે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતનું સૂચન કર્યું હતું. તેને આગળ વધારવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે.
મહામહિમ,
ભારત ‘બ્રિકસ રાજકીય આદાન-પ્રદાન’ને વધારવામાં થઇ રહેલી પ્રગતિને મહત્વ આપે છે અને તેની પ્રશંસા કરે છે. આ સંબંધમાં આપણા વિદેશ મંત્રીઓ, એનએસએ અને મધ્ય પૂર્વના વિશેષ દૂતોની મુલાકાતોએ વિશેષ યોગદાન આપ્યું છે.
આપણે સૌ એ વાત પર સહમત છીએ કે આજે આતંકવાદ અને કટ્ટરવાદ સમગ્ર વિશ્વ સામે રહેલા મોટા પડકારો છે. તે માત્ર શાંતિ અને સુરક્ષા માટે જોખમ જ નથી પરંતુ તે આર્થિક વિકાસ માટે પણ એક પડકાર છે.
આપણે તમામ દેશો પાસેથી એફએટીએફ માનાંકોના અમલીકરણનો આગ્રહ કર્યો છે. આતંકવાદીઓના નેટવર્ક, તેમની નાણાકીય જરૂરિયાતો અને તેમનું આવાગમન અટકાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના કાઉન્ટર ટેરરીઝમ ફ્રેમવર્કને મજબૂત કરવા માટે બ્રિકસ અને જી20 દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.
આર્થિક અપરાધીઓ અને ભાગેડુઓની વિરુદ્ધ આપણે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત છે. આ સમસ્યા વિશ્વની આર્થિક સ્થિરતા માટે ગંભીર ખતરો બની શકે તેમ છે.
મહામહિમ,
જી20માં આપણા સહયોગનો આધાર મજબૂત થવા લાગ્યો છે. આપણા બ્રિકસ શેરપા, જી20 બાબતોમાં ચર્ચા-વિચારણા અને સહયોગ આપતા રહ્યા છે.
જી20 શિખર સંમેલનની અધ્યક્ષતા એક વિકાસશીલ દેશ કરી રહ્યો છે. આ એક સુઅવસર છે કે જી20ના એજન્ડા અને તેના પરિણામોનું ધ્યાન વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર લાવવામાં આવે.
હું, અંતમાં એક વાર ફરી રાષ્ટ્રપતિ રામાફોસા દ્વારા જોહાનિસ્બર્ગ સમિટની સફળ યજમાની અને આ બેઠકના આયોજન માટે આભાર વ્યક્ત કરું છું.
હું આગામી બ્રિકસ અધ્યક્ષતા માટે બ્રાઝીલ અને તેના નેતૃત્વને ભારતના સંપૂર્ણ સમર્થન તેમજ સહયોગનો વિશ્વાસ પણ અપાવું છું. મને ભરોસો છે કે બ્રાઝીલની અધ્યક્ષતા હેઠળ બ્રિકસ સહયોગ નવી ઉંચાઈઓ પર પહોચશે.
મહામહિમ,
હું રાષ્ટ્રપતિ બ્રાઝીલનો એટલા માટે પણ આભાર વ્યક્ત કરું છું, છેલ્લા 6 વખતથી તમારું માર્ગદર્શન મળતું રહ્યું છે અને તમારી સાથે કામ કરવાનો અવસર મળતો રહ્યો છે અને જેમ કે તમે કહ્યું કે આ અમારી તમારી સાથે છેલ્લી બેઠક છે.
ખૂબ-ખૂબ શુભકામનાઓ.
ખૂબ-ખૂબ આભાર!