પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા રામકૃષ્ણ સંપ્રદાયના માસિક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે સામયિકનું નામ પ્રબુદ્ધ રાખ્યું હતું, જેની પાછળ આપણા દેશના જુસ્સાને વ્યક્ત કરવાની ભાવના હતી. સ્વામીજી ‘પ્રબુદ્ધ ભારત’નું નિર્માણ કરવા ઇચ્છતાં હતાં. તેમની રાષ્ટ્રની વિભાવનાનો સંબંધ રાજકીય કે પ્રાદેશિક એકમથી વિશિષ્ટ હતો. તેમણે કહ્યું હતું કે, “સ્વામી વિવેકાનંદ ભારતને સાંસ્કૃતિક ચેતનાના કેન્દ્ર તરીકે જોતા હતા, જે સદીઓથી સતત જીવંત છે.”
સ્વામી વિવેકાનંદે મૈસૂરના મહારાજા અને સ્વામી રામકૃષ્ણાનંદને લખેલા પત્રોનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ સ્વામીજીનાં ગરીબોનું ઉત્થાન કરવાના અભિગમમાં બે સ્પષ્ટ વિચારો પર ભાર મૂક્યો હતો. પ્રથમ, જો ગરીબો એમની રીતે સરળતાપૂર્વક ઉત્થાન ન કરી શકે, તો તેઓ ગરીબો સુધી ઉત્થાન કરવાના માધ્યમો પહોંચાડવા ઇચ્છતાં હતાં. બે, તેમણે ભારતના ગરીબો વિશે વાત કરી હતી. સ્વામીજીએ કહ્યું હતું કે, “જો ગરીબોને વિચારો આપવામાં આવશે, જો તેમને તેમની આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે એના વિશે જાણકારી આપવામાં આવશે, તો તેઓ ગરીબીમાંથી મુક્ત થવા માટે કામ કરશે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ જ અભિગમ સાથે અત્યારે દેશ અગ્રેસર થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “જો ગરીબોને બેંકની સુવિધા ન મળી શકે, તો બેંકોએ ગરીબો સુધી પહોંચવું જોઈએ. આ જ વિચારનો અમલ કરીને અમે જન ધન યોજના શરૂ કરી છે. જો ગરીબો વીમો ન ઉતરાવી શકે, તો ગરીબો સુધી આપણે વીમો પહોંચાડવો પડશે. જન સુરક્ષા યોજનાઓમાં આ જ કામગીરી થઈ રહી છે. જો ગરીબો ગુણવત્તાયુક્ત આરોગ્યની સુવિધા ન મેળવી શકે, તો આપણે તેમને મેળવવા સક્ષમ બનાવવા જોઈએ. આયુષ્માન ભારત યોજનામાં આ જ થયું છે. અત્યારે દેશના દરેક ખૂણામાં, દરેક નાગરિકને માર્ગો, શિક્ષણ, વીજળી અને ઇન્ટરનેટ જોડાણ જેવી મૂળભૂત સુવિધાઓ મળે એ માટે સરકાર અવિરતપણે કામ કરી રહી છે. એનાથી ગરીબો વચ્ચે આકાંક્ષાઓ વધી છે. આ જ આકાંક્ષાઓ દેશને વૃદ્ધિના માર્ગે અગ્રેસર કરી રહી છે.”
શ્રી મોદીએ કહ્યું હતું કે, કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતનો સક્રિય અભિગમ સ્વામીના કટોકટીના સમયમાં નિઃસહાય ન થવાના અભિગમનું આદર્શ ઉદાહરણ છે. એ જ રીતે આબોહવાની સમસ્યા વિશે ફરિયાદ કરવાને બદલે ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સ્વરૂપે એક સમાધાન પ્રસ્તુત કર્યું હતું. શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, “સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું પ્રબુદ્ધ ભારત અત્યારે નિર્માણ થઈ રહ્યું છે. આ ભારત દુનિયાને વિવિધ સમસ્યાઓનાં સમાધાનો આપે છે.”
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, સ્વામી વિવેકાનંદે ભારતને મહાન બનાવવાના સ્વપ્નો સેવ્યાં હતાં અને તેમને ભારતની યુવાશક્તિમાં અખૂટ વિશ્વાસ હતો, જે અત્યારે ભારતના વ્યાવસાયિક આગેવાનો, રમતવીરો, ટેકનોક્રેટો, વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ વગેરેમાં જોવા મળે છે. પ્રધાનમંત્રીએ યુવાનોને સ્વામીજીએ વ્યવહારિક વેદાંત પર આપેલા પ્રવચનોને અનુસરીને આગળ વધવા જણાવ્યું હતું, જેમાં સ્વામીજીએ નિષ્ફળતાઓમાંથી બહાર આવવા અને નિષ્ફળતાને જીવનમાં પ્રગતિ કરવા માટેનું એક પગલું ગણવા વિશે વાતો કરી છે. તેમણે કહ્યું હતું કે, સ્વામીજીએ અન્ય એક સલાહ આપી હતી જે દરેક વ્યક્તિએ હંમેશા ધ્યાનમાં રાખવા જેવી છેઃ નિર્ભય બનો, આત્મવિશ્વાસ કેળવો. શ્રી મોદીએ યુવાનોને સ્વામી વિવેકાનંદનાં પ્રેરક વચનોને અનુસરવા પણ કહ્યું હતું, જેઓ દુનિયાને અમૂલ્ય વિચારોની ભેટ ધરીને અમર થઈ ગયા છે. પ્રધાનમંત્રીએ અન્ય એક વાત પર પણ ધ્યાન દોર્યું હતું કે, સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક અને આર્થિક પ્રગતિને અલગ રીતે જોતા નહોતા. તેમણે કહ્યું હતું કે, સ્વામીજીએ ક્યારેય ગરીબીનું મહિમામંડન કર્યું નથી, ગરીબીને આશીર્વાદરૂપ ગણી નથી. હકીકતમાં તેઓ ગરીબીને અભિશાપરૂપ ગણતા હતા. સ્વામીજીને આધ્યાત્મિક મહાપુરુષ, અતિ પ્રબુદ્ધ આત્મા ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે ગરીબો માટે આર્થિક પ્રગતિના વિચારનો અસ્વીકાર કર્યો નહોતો.
શ્રી મોદીએ એમના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, પ્રબુદ્ધ ભારત 125 વર્ષથી ચાલે છે, સ્વામીજીના વિચારોનો પ્રચારપ્રસાર કરે છે. એના પાયામાં યુવા પેઢીને જાગૃત કરવાનું અને દેશને પ્રબુદ્ધ કરવાનું વિઝન છે. આ સામયિકે સ્વામી વિવેકાનંદના વિચારોને અમરત્વ આપવામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.