પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના ઘણા પ્રાંતના લોકોને ચાર સાહિબજાદેના યોગદાન અને બલિદાન અંગે જાણકારી નથી. તેમણે યાદ અપાવી હતી કે જ્યારે પણ તેઓ શાળામાં બાળકો સમક્ષ સંબોધન કરતા હોય છે ત્યારે તેઓ હંમેશાં ચાર સાહિબજાદેનો ઉલ્લેખ કરતા હોય છે. 26મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે જાહેર કરવાના નિર્ણયથી દેશના તમામ ખૂણાના બાળકોમાં તેમના વિશેની જાણકારી આવશે.
પ્રધાનમંત્રીએ પોતાની મુલાકાત લેવા બદલ શિખ સમુદાયના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના માટે મારા ઘરના દ્વાર હંમેશાં ખુલ્લા છે. તેમણે શિખ સમુદાય સાથેના તેમના સંપર્ક અને પંજાબમાં તેમના રોકાણ દરમિયાન સમુદાય સાથે એક સાથે વિતાવેલા સમયની યાદ અપાવી હતી.
પ્રધાનમંત્રીએ શિખ સમુદાયની સેવાની ભાવનાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને આ અંગે વધુ જાગૃત કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકાર શિખ સમુદાયના કલ્યાણ માટે સંપૂર્ણપણે વચનબદ્ધ છે. તેમણે આ અંગે સરકારે લીધેલા કેટલાક પગલાંઓ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબને સંપૂર્ણ સન્માન સાથે પરત લાવવા માટે કરાયેલી ખાસ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે શિખ યાત્રાળુઓ માટે કરતારપુર સાહિબ કોરિડોર ખુલ્લો મૂકવા માટે સરકાર દ્વારા રાજકીય ચેનલ મારફતે કરેલા પ્રયાસની પણ ચર્ચા કરી હતી.
શ્રી મનજિન્દરસિંઘ સિરસાએ જણાવ્યું હતું કે વીર બાલ દિવસની ઉજવણી કરવાના નિર્ણયથી ચાર સાહિબજાદેના બલિદાન અંગે દેશભરમાં જાગૃત્તિ આવશે. જાથેદાર તખ્ત શ્રી પટણા સાહિબે કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખુલ્લો મૂકવા તથા લંગર પરથી જીએસટી નાબૂદ કરવા જેવા લેવાયેલા પગલા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે શિખ સમુદાય માટે પ્રધાનમંત્રીએ લીધેલા સંખ્યાબંધ પગલાથી એ પુરવાર થાય છે કે તેઓ હૃદયથી શિખ છે. રાષ્ટ્રીય લઘુમતિ પંચના ભૂતપૂર્વ ચેરમેન શ્રી તારલોચન સિંઘે જણાવ્યું હતું કે સ્વતંત્રતા બાદ પહેલી વાર શિખ સમુદાયના યોગદાનને માન્યતા મળી છે જેમણે ભાગલા દરમિયાન મોટી સંખ્યામાં જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે શિખ સમુદાયના યોગદાનને વિશ્વના મંચ પર રજૂ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.