પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ ખાતે એક કાર્યક્રમમાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ ગ્રાન્ડ ચેલેન્જ લોંચ કરી હતી.
આ પડકારનો ઉદ્દેશ સરકારી પ્રક્રિયાઓ સુધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, બિગ ડેટા એનાલીટિક્સ, બ્લોકચેઇન અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજી પર આધારિત નવીન વિચારોને આવકારવાનો છે. ગ્રાન્ડ ચેલેન્જ માટેનું પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકત્ર થયેલા ઉદ્યોગ જગતનાં પ્રતિનિધિઓ અને અન્ય ઉપસ્થિત લોકોને ભારતનાં “વેપાર-વાણિજ્યને સરળ કરવાનાં રેન્કિંગને સુધારવા (EoDB)” માટે તેમનાં પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
જ્યારે તેમણે સૌપ્રથમ વાર ભારતને આગામી વર્ષોમાં વેપાર-વાણિજ્યની સરળતામાં ટોચનાં 50 દેશોમાં સ્થાન મેળવવા માટેનું એમનું વિઝન પ્રસ્તુત કર્યું હતું, ત્યારે એનાં પર શંકા સેવવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આજના કાર્યક્રમમાં એ બાબતને યાદ કરી હતી. જોકે તેમણે ઉમેર્યું હતું કે, ફક્ત ચાર વર્ષમાં શ્રેષ્ઠ સુધારો જોવા મળ્યો છે. આ સમયગાળામાં વેપાર-વાણિજ્યની સરળતામાં ભારતનાં ક્રમાંકમાં 65 અંકનો સુધારો થયો હતો. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારત દક્ષિણ એશિયામાં પ્રથમ ક્રમ ધરાવે છે અને ટોપ 50માં સ્થાન મેળવવાથી થોડા જ ક્રમ દૂર છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યો સરકારો બંનેએ વેપાર-વાણિજ્યની સરળતામાં સુધારો કરવા માટે ખભેખભો મિલાવીને કામ કર્યું છે, જે સહકારી, સ્પર્ધાત્મક સંઘવાદનાં જુસ્સાનું પ્રતિક છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે નીતિ સંચાલિત શાસન અને અપેક્ષિત પારદર્શક નીતિઓ પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હાથ ધરેલા સુધારાનો ઉદ્દેશ સામાન્ય લોકો માટે જીવનની સરળતામાં સુધારો કરવાનો પણ છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે લઘુ ઉદ્યોગસાહસિકો વધારે સરળતાપૂર્વક વ્યવસાય કરી શકે છે અને વીજળીનું જોડાણ મેળવવા જેવી મૂળભૂત સુવિધાઓ સરળતાપૂર્વક મળી જાય છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં 1400થી વધારે જૂનાં, બિનજરૂરી કાયદાઓ દૂર કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્રોમાં મોટો ઘટાડો હાંસલ થયો છે, જેમ કે વાણિજ્યિક વિવાદોનું નિરાકરણમાં લાગતો સમય ઘટી ગયો છે અને આયાતી ચીજવસ્તુઓ ક્લીઅર કરાવવા માટે લાગતો સમય ઓછો થયો છે. તેમણે અન્ય અનેક ક્ષેત્રોની યાદી આપી હતી, જેમાં મોટાં સુધારા થયા છે. તેમણે એમએસએમઇ ક્ષેત્ર માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે 59 મિનિટમાં રૂ. 1 કરોડ સુધીની લોન માટેની મંજૂરી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ) અને મૂડીઝ જેવી સંસ્થાઓ આજે ભારતનાં ભવિષ્યને લઈને વધારે આશાવાદી અને વિશ્વસનિય જણાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને ટૂંકા સમયગાળામાં 5ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો ઉદ્દેશ પાર પાડવો શક્ય છે. તેમણે જણાવ્યું હતું કે, આ માટે અર્થતંત્ર સાથે સંબંધિત દરેક ક્ષેત્રમાં સુધારા જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઔદ્યોગિક નીતિ માટે પણ કામ કરી છે, જે હાલની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડશે અને નવા ભારતનાં ઉદ્યોગસાહસિકોનાં નવા વિઝન સાથે સુસંગત હશે. તેમણે વેપાર-વાણિજ્યની સરળતાના ક્રમાંકમાં ટોચનાં 50 દેશોમાં સ્થાન મેળવવાનો લક્ષ્યાંક પાર પાડવા એકસાથે કામ કરવાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રક્રિયાઓમાં માનવીય હસ્તક્ષેપ ઘટાડવો તથા આધુનિક અને ડિજિટલ ટેકનોલોજીઓનો ઉપયોગ વધારવો જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આને આધારે કાર્યસંસ્કૃતિ નીતિ સંચાલિત શાસનને વધારે પ્રોત્સાહન આપશે.