પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરમાં રૂ. 750 કરોડનાં વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો. તેમણે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, 1000 આંગણવાડી કેન્દ્રો અને બીજા અનેક અગત્યનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો. તેમણે લુંવાંગપોક્પા મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, રાણી ગાઈદીન્લ્યું પાર્ક અને અન્ય અગત્યનાં વિકાસ કાર્યોનો પણ પ્રારંભ કરાવ્યો. તેમણે લુવાન્ગસાન્ગબમ ખાતે એક જાહેર સભાને પણ સંબોધન કર્યું હતું.
ઉત્સાહી જન મેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલા કાર્યો બદલ તેમની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે, આજે લોકાર્પણ કરવામાં આવેલા પ્રકલ્પો યુવાનોની મહત્વકાંક્ષાઓ, તેમના કૌશલ્ય, તેમના રોજગાર, સ્ત્રી સશક્તિકરણ અને જોડાણોને લગતા છે. તેમણે કહ્યું કે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના ઉત્તર પૂર્વનાં યુવાનોમાં રહેલા કૌશલ્ય અને ખેલકૂદ ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. તેમણે મણિપુરનાં યુવાનોને તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ખેલો ઇન્ડિયાનો અભિયાનનો મહત્તમ ફાયદો ઉઠાવવા વિનંતી કરી હતી, તેમણે મણિપુરને તાજેતરમાં પૂરી થયેલ ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે કહ્યું કે, મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તાલીમ અને સ્પર્ધા માટેની તકો ઉપલબ્ધ કરાવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મણિપુરે એ દર્શાવ્યું છે કે રમતો એ કઈ રીતે સ્ત્રી સશક્તિકરણનું એક સાધન બની શકે છે. તેમણે રાજ્યની ખ્યાતનામ ખેલાડીઓ મીરાબાઈ ચાનું અને સરિતા દેવી સહીતનાં રમતવીરોની પ્રશંસા કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ સ્ત્રી સશક્તિકરણનાં અન્ય પગલાઓની પણ સરાહના કરી હતી. આ સંદર્ભમાં તેમણે 1000 આંગણવાડી કેન્દ્રો કે જેમનો શિલાન્યાસ આજે કરવામાં આવ્યો છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો, ઉપરાંત તેમણે તાજેતરમાં જ પ્રારંભ કરવામાં આવેલ રાષ્ટ્રીય પોષણ મિશન વિષે પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તર પૂર્વ માટે કેન્દ્ર સરકારનો દ્રષ્ટિકોણ ‘પરિવહન દ્વારા પરિવર્તન’નો છે, ઉત્તર પૂર્વ એ ભારતના વિકાસ માટે એક નવું એન્જીન બની શકે તેમ છે. તેમણે કહ્યું કે સરકાર દેશનાં અન્ય ભાગોના વિકાસ સાથે ઉત્તર પૂર્વનાં વિકાસને તાલબદ્ધ કરવા માટે ઉત્તર પૂર્વની વિશેષ જરૂરિયાતોને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે છેલ્લા 4 વર્ષ દરમિયાન તેઓ 25 વખત ઉત્તર પૂર્વની મુલાકાત લઇ ચુક્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે આ પ્રદેશમાં માળખાગત સુવિધાઓને સુધારવા ઉપર વિશેષ ભાર મુક્યો છે. તેમણે આ પ્રદેશમાં માર્ગ અને રેલ જોડાણો માટે લેવામાં આવેલ પગલાઓ વિષે પણ માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ માળખાગત સંવાદ અને જાહેર ફરિયાદ નિવારણ સહીતની રાજ્ય સરકારની નાગરિક કેન્દ્રીત પહેલોની પણ પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી કે એપ્રિલ 1944માં, મણિપુરમાં જ નેતાજી સુભાષચંદ્ર બોઝના આઈએનએ દ્વારા સ્વતંત્રતા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આજે મણીપુરે ન્યુ ઇન્ડિયાનાં ઉત્થાનમાં એક નવી ભૂમિકા અદા કરવાનો નિર્ણય લીધો છે.