આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યા પછી ટૂંક સમયમાં પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે મિશન શક્તિની સફળતાપૂર્વક સફરમાં સંકળાયેલા વૈજ્ઞાનિકો સાથે વાત કરી હતી.
આજે મિશન શક્તિ સફળતાપૂર્વક હાથ ધરાયું છે, જેનાં પરિણામે ભારત એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ મારફતે ઉપગ્રહોને સફળતાપૂર્વક લક્ષ્યાંક બનાવવાની ક્ષમતા ધરાવતો દુનિયાનો ચોથો દેશ બની ગયો છે.
આ સફળતા પર તેમને અભિનંદન આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશને પોતાનાં માટે નક્કી કરેલા સીમાચિહ્નો સર કરવા બદલ આપણાં વૈજ્ઞાનિકો પર ગર્વ છે.
તેમણે જણાવ્યું હતું કે, “મેક ઇન ઇન્ડિયા” પહેલને અનુરૂપ વૈજ્ઞાનિકોએ દુનિયાને સંદેશ આપ્યો છે કે, અમે અન્ય કોઈ પણ દેશનાં વૈજ્ઞાનિકોથી ઊતરતાં નથી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વસુધૈવ કુટુમ્બકમ એટલે સંપૂર્ણ વિશ્વ એક પરિવાર છે એ વિચારસરણીને અનુસરે છે. જોકે તેમણે એવું ભારપૂર્વક જણાવ્યું પણ હતું કે, શાંતિ અને સદભાવના માટે કામ કરતાં સૈન્ય દળોએ શાંતિ હાંસલ કરવા માટે હંમેશા સૌથી વધુ શક્તિશાળી રહેવું પડશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક શાંતિ અને પ્રાદેશિક શાંતિ માટે ભારતે સક્ષમ અને મજબૂત થવું પડશે. તેમણે કહ્યું હતું કે, વૈજ્ઞાનિકોએ પ્રતિબદ્ધતા સાથે આ પ્રયાસમાં પ્રદાન કર્યું છે. તેમણે સંપૂર્ણ કેન્દ્રીય મંત્રીમંડળની શુભેચ્છા વૈજ્ઞાનિકોને પાઠવી હતી.
વૈજ્ઞાનિકોએ તેમને આ કુશળતા સાબિત કરવાની તક આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.