પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમનાં સંસદીય ક્ષેત્ર વારાણસીમાં શાળાનાં બાળકો સાથે ઘનિષ્ઠ વાર્તાલાપ કર્યો અને તેમની સાથે લગભગ 90 મિનિટ જેટલો સમય પસાર કર્યો.
નરઉર ગામની એક પ્રાથમિક શાળામાં તેઓ શાળાનાં બાળકોને ઉત્સાહપૂર્વક મળ્યાં હતાં. તેમણે બાળકોને વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પણ પાઠવી હતી અને કહ્યું હતું કે, વિવિધ કુશળતાઓ શીખવી મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ તરીકે પ્રશ્રો પૂછવાં જરૂરી છે. તેમણે શાળાનાં બાળકોને પ્રશ્રો પૂછવાથી ક્યારેય ગભરાવું નહિં એમ પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, શિક્ષણનું મુખ્ય પાસું પ્રશ્રો પૂછવાનું છે.
પ્રધાનમંત્રીએ બાળકો સાથે સમય પસાર કર્યો હતો, જેમને બિન-નફાકારક સંસ્થા “રુમ ટૂ રીડ” સહાય કરે છે.
પછી પ્રધાનમંત્રીએ ડીએલડબલ્યુ વારાણસીમાં ગરીબો અને વંચિત વર્ગોનાં બાળકો સાથે વાત કરી હતી, જેમને કાશી વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓ મદદ કરે છે. તેમણે બાળકોને અભ્યાસ કરવા અને રમતગમતમાં રસ દાખવવા પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રધાનમંત્રી સાંજે વારાણસીની શેરીઓમાં ફર્યા હતાં અને શહેરનાં વિકાસનું મૂલ્યાંકન કર્યું હતું. તેઓ કાશી વિદ્યાપીઠ મંદિરમાં થોડી મિનિટો માટે પ્રાર્થના કરવા રોકાયા હતાં. તેમણે મંડુવાડીહ રેલવે સ્ટેશનની સરપ્રાઇઝ મુલાકાત પણ લીધી હતી.