પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ ધર્મના પ્રતિનિધિઓ તથા સામાજિક સંગઠનો સાથે કોવિડ19ની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના લાભાર્થે સમાજ અને સરકાર એકત્રિત થઈને કામગીરી બજાવી રહી છે તેનું આ ચર્ચા વધુ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોરોનાને કારણે આવી પડેલા પડકારનો સામનો કરવા માટે આ સંગઠનોએ જે કામગીરી બજાવી છે તેની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રજાને જે મદદ પૂરી પાડવામાં આવી છે તે ધર્મે કે જાતિને ધ્યાનમાં લીધા વિના કરાઈ છે અને તે એક ભારત એકનિષ્ઠા પ્રયાસનું ઝળહળતું ઉદાહરણ છે. સમગ્ર દેશમાં મંદિરો, મસ્જિદો, ચર્ચો અને ગુરુદ્વારાઓને હોસ્પિટલ અને આઇસોલેશન કેન્દ્રમાં ફેરવી નાખવામાં આવ્યા હતા અને જરૂરતમંદોને ખોરાક તથા દવા પૂરા પાડવામાં આવ્યા હતા તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ દેશભરમાં વેક્સિનેશનની ઝુંબેશના ઝડપી અમલીકરણ અંગે ચર્ચા કરી હતી અને ઉમેર્યું હતું કે 'સબકો વેક્સિન મુફ્ત વેક્સિન' ઝુંબેશ એ કોરોના સામેની લડતનું પ્રમુખ હથિયાર છે. વેક્સિનેશન અંગેની જાગૃતિ ફેલાવવામાં, આ અંગેની અફવાઓને નાબૂદ કરવામાં અને વેક્સિન અંગેની ગૂંચવણ દૂર કરવામાં ધાર્મિક અને સામાજિક સંગઠનોના આગેવાનો સરકારને મદદરૂપ બન્યા છે તે બદલ પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી. જ્યાં વેક્સિનેશન અંગે ખચકાટ અનુભવાય છે તેવા વિસ્તારો સહિત આ ઝુંબેશમાં સરકાર સાથે મળીને કાર્ય કરવાની પ્રધાનમંત્રીએ આગેવાનોને હાકલ કરી હતી. આ બાબત દેશના તમામ નાગરિકો સુધી પહોંચવામાં આરોગ્ય કર્મચારીઓને લાંબાગાળા સુધી મદદરૂપ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ દેશની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીનો ભાગ બનવાની પણ આગેવાનોને હાકલ કરી હતી. તેમણે દરેક વ્યક્તિને 'આઝાદી કા અમૃત મહોત્સવ'નો હિસ્સો બનવાની પણ હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રસંગે આપણે 'ભારત જોડો આંદોલન' દ્વારા દેશના ખૂણે ખૂણે એકત્રિત થઈને કાર્ય કરવું જોઇએ અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની સાચી ખેલદિલીનું પ્રદર્શન કરવું જોઇએ.
આ ચર્ચાસત્રમાં પ્રો. સલીમ એન્જિનિયર, કન્વીનર, કેન્દ્રીય ધાર્મિક જન મોરચા અને ઉપ પ્રમુખ જમાત-એ-ઇસ્લામી હિન્દ, ઉત્તર પ્રદેશ; સ્વામી ઓમકારાનંદ સરસ્વતી, પીઠાધિશ્વર, ઓમકાર ધામ, નવી દિલ્હી; સિંઘ સાહિબ ગિયાની રણજીત સિંઘ, મુખ્ય ગ્રંથી, ગુરુદ્વારા બાંગલા સાહિબ, નવી દિલ્હી; ડૉ. એમ. ડી. થોમસ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્મની એન્ડ પીસ સ્ટડીઝ, નવી દિલ્હીના સ્થાપક નિર્દેશક; સ્વામી વીર સિંઘ હિતકારી, પ્રમુખ, ઓલ ઇન્ડિયા રવિદાસીયા ધરમ સંગઠન, સ્વામી સંપત કુમાર, ગાલ્ટા પીઠ, જયપુર; આચાર્ય વિવેક મુની, પ્રમુખ, ઇન્ટરનેશનલ મહાવીર જૈન મિશન, નવી દિલ્હી; ડૉ. એ. કે. મર્ચન્ટ, નેશનલ ટ્રસ્ટી એન્ડ સેક્રેટરીઝ, લૌટસ ટેમ્પલ અને ભારતીય બહાઈ સમાજ, નવી દિલ્હી; સ્વામી શાંતાત્માનંદ, પ્રમુખ, રામક્રિષ્ણ મિશન, નવી દિલ્હી; તથા સિસ્ટર બી. કે. આશા, ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટર, હરિયાણાએ ભાગ લીધો હતો.
આગેવાનોએ આ ચર્ચાસત્ર યોજવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને કોરોનાની મહામારી સામે તેમના નિર્ણાયક નેતૃત્વને વધાવી લીધું હતું. તેઓએ કોરોનાની મહામારી સામેની લડતમાં પડકારોનો સામનો કરવા બદલ વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોએ હાથ ધરેલી કામગીરી અંગે ચર્ચા કરી હતી. તેમણે વેક્સિનેશન અંગેની હાલમાં ચાલી રહેલી ઝુંબેશ અને તે માટે જાગૃતિ ફેલાવવા માટે તેમનો સહકાર વ્યક્ત કર્યો હતો તથા ત્રીજા લહેરને રોકવા માટે તેમના સૂચનો અને ઉપાયો પૂરા પાડ્યા હતા.