પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળમાં ચક્રવાત ઓખીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન માછીમારો અને ખેડૂતો સહિત લોકોને મળ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દિવસ દરમિયાન કવરતી અને કન્યાકુમારીમાં લોકો સાથે વાત કરી હતી. તેમણે થિરુવનંતપુરમ નજીક પુન્થુરા ગામની મુલાકાત પણ લીધી હતી, જ્યાં ચક્રવાતની ઘણી અસર થઈ હતી. અહીં લોકોએ તેમને ચક્રવાતને કારણે તેમને પડેલી મુશ્કેલીઓ અને હાડમારીઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ લોકોને ખાતરી આપી હતી કે, તેમને તમામ મદદ પ્રદાન કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર કટોકટીનાં આ સમયે તેમની સાથે ખભેખભો મિલાવીને સાથસહકાર આપી રહી છે.
પ્રધાનમંત્રીએ કવરતી, કન્યાકુમારી અને થિરુવનંતપુરમમાં વર્તમાન સ્થિતિ અને રાહતનાં પગલાં પર અલગથી વિસ્તૃત સમીક્ષા બેઠકો પણ યોજી હતી. આ બેઠકોમાં કેરળ અને તમિલનાડુનાં રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, તમિલનાડુનાં નાયબ મુખ્યમંત્રી, લોકસભાનાં નાયબ અધ્યક્ષ અને લક્ષદ્વીપનાં વહીવટદારની સાથે વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયાં હતાં.
-
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાહત પેકેજ મારફતે ચક્રવાતની અસર ધરાવતા રાજ્યોને સાથસહકાર આપશે.
• કેન્દ્ર સરકાર કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. 325 કરોડની નાણાકીય સહાય તાત્કાલિક આપશે.
• પ્રધાનમંત્રીએ આજે જાહેર કરેલી નાણાકીય સહાય તમિલનાડુને રૂ. 280 કરોડ અને કેરળને રૂ. 76 કરોડની સહાય ઉપરાંત છે, જેનું વિતરણ બંને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશને ચક્રવાત ઓખી આવ્યાં પછી તરત આ મહિનાની શરૂઆતમાં થયું હતું.
• ભારત સરકાર ચક્રવાત ઓખીને કારણે સંપૂર્ણપણે નાશ પામેલ અંદાજે 1400 મકાનોનાં પુનર્નિર્માણને પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ પ્રાથમિકતા આપશે. આ કાર્યક્રમ હેઠળ દરેક લાભાર્થીને નવા મકાનનું નિર્માણ કરવા મદદરૂપે રૂ. 1.5 લાખ સુધીની રકમ મળશે.
• વીમાકંપનીઓને પણ ચક્રવાત ઓખી દ્વારા અસર પામેલા લોકોનાં વીમાનાં વળતરનાં દાવાની ચુકવણી તાત્કાલિક ધોરણે કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
• ચક્રવાતને કારણે મૃત્યુ પામેલી દરેક વ્યક્તિનાં કુટુંબને રૂ. 2 લાખની સહાય અને ગંભીર રીતે ઇજા પામેલ દરેક વ્યક્તિને રૂ. 50,000/-ની સહાય પ્રધાનમંત્રીનાં રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) હેઠળ મંજૂર કરવામાં આવી છે.
અગાઉ સમીક્ષા બેઠકો દરમિયાન પ્રધાનમંત્રીને છેલ્લાં 125 વર્ષમાં આ વિસ્તારમાં આવેલા આ પ્રકારનાં ત્રીજા ચક્રવાત ઓખીની અસર વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બર, 2017નાં રોજ ચક્રવાત ઓખી આવ્યું હતું તથા એ જ દિવસે તપાસ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી તપાસ અને બચાવ કામગીરી માટે ભારતીય તટરક્ષક દળ દ્વારા 20 સર્ફેસ પ્લેટફોર્મ સાંકળતી કુલ 197 શિપ ડે અને આશરે 186 ફ્લાઇંગ અવર્સનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત ભારતીય વાયુદળ દ્વારા 10 જહાજો અને 7 પ્રકારનાં વિમાનોને સાંકળતા કુલ 156 શિપ ડે અને 399 ફ્લાઇંગ અવરનો ઉપયોગ થયો છે. બચાવ કામગીરીમાં આ હોડીઓ પર કુલ 183 માછીમારો અને નાગરિક વહીવટીતંત્રનાં અધિકારીઓને લઈ જવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી કુલ 845 માછીમારોને બચાવી લેવામાં આવ્યાં છે કે તેમને સહાય પ્રદાન કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીને જાણકારી આપવામાં આવી હતી કે, દરિયાકિનારાથી 700 નોટિકલ માઇલથી વધુનાં અંતર સુધી નજર રાખવામાં આવી હતી.