પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના ડૉક્ટરોના સમૂહ સાથે સંવાદ કરીને કોવિડ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ કોવિડના બીજા તબક્કા દરમિયાન ઉભા થયેલા અસામાન્ય સંજોગોમાં દ્રષ્ટાંતતરૂપ જંગ લડવા બદલ તમામ તબીબી સમુદાય અને પેરામેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશ તેમનો ઋણી છે. તેમણે નોંધ્યું હતું કે, વાત પરીક્ષણની હોય, દવાઓના પુરવઠાની હોય કે પછી વિક્રમી સમયમાં નવી માળખાગત સુવિધા ઉભી કરવાની હોય, આ બધુ જ ખૂબ ઝડપથી કરવામાં આવ્યું છે. ઓક્સિજનના ઉત્પાદન અને પુરવઠા સંબંધિત કેટલાય પડકારોમાંથી હવે દેશ બહાર આવી રહ્યો છે. કોવિડની સારવારમાં MBBSના વિદ્યાર્થીઓને સામેલ કરવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ASHA અને આંગણવાડી કર્મચારીઓને સામેલ કરવા જેવા દેશે લીધેલા માનવ સંસાધન વૃદ્ધિને લગતા પગલાંઓના કારણે સમગ્ર આરોગ્ય તંત્રને વધારાનો આધાર મળ્યો છે.
પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે, અગ્ર હરોળના કર્મચારીઓથી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવાની વ્યૂહનીતિથી કોવિડના બીજા તબક્કામાં ઘણો લાભ થયો છે. દેશમાં લગભગ 90% આરોગ્ય પ્રોફેશનલોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. રસીના કારણે મોટાભાગના ડૉક્ટરોની સલામતી સુનિશ્ચિત થઇ શકી છે.
પ્રધાનમંત્રીએ ડૉક્ટરોને અનુરોધ કર્યો હતો કે, તેઓ તેમના દૈનિક પ્રયાસોમાં ઓક્સિજનના ઓડિટની કામગીરી સામેલ કરે. મોટી સંખ્યામાં લોકો ‘હોમ આઇસોલેશન’માં સારવાર લઇ રહ્યાં હોવાની નોંધ લઇને તેમણે ડૉક્ટરોને વિનંતી કરી હતી કે, ઘરે હોય તેવા પ્રત્યેક દર્દીની સારવાર SOP અનુસાર થાય તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે, હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે ટેલિમેડિસિનની સુવિધાએ ઘણી મોટી ભૂમિકા નિભાવી છે અને આ સેવાનું ગ્રામીણ વિસ્તારોમાં પણ વિસ્તરણ કરવાની જરૂર છે. તેમણે ગામડાઓમાં ટીમ બનાવીને ટેલિમેડિસિન સેવાઓ પૂરી પાડી રહેલા ડૉક્ટરોની પ્રશંસા કરી હતી. તેમણે તમામ રાજ્યોના ડૉક્ટરોને અનુરોધ કર્યો હતો કે, તેઓ આવી જ ટીમો તૈયાર કરે, MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને MBBS ઇન્ટર્ન્સને તાલીમ આપે અને દેશના તમામ તાલુકા તેમજ જિલ્લાઓમાં ટેલિમેડિસિનની સુવિધા ઉપલબ્ધ થાય તેવું સુનિશ્ચિત કરે.
પ્રધાનમંત્રીએ મ્યુકોર્માઇકોસિસના પડકાર વિશે પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, ડૉક્ટરોએ સક્રિય પગલાં લેવાની દિશામાં અને આ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશેષ પ્રયાસો કરવાની જરૂર પડી શકે છે. તેમણે વધુમાં એ બાબતનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, શારીરિક સંભાળની સાથે સાથે માનસિક સારવાર પણ ખૂબ જ મહત્વની છે. તેમણે કહ્યું હતું કે, વાયરસ સામેની આ લાંબી જંગ સતત લડત આપી રહેલા તબીબી સમુદાય માટે માનસિક રીતે ખૂબ પડકારરૂપ છે પરંતુ નાગરિકોની આસ્થા આ લડાઇમાં તેમની સાથે જ છે.
આ સંવાદ દરમિયાન, પ્રધાનમંત્રીએ આપેલા માર્ગદર્શન અને તાજેતરમાં કેસોની સંખ્યામાં થયેલી તીવ્ર વૃદ્ધિ દરમિયાન પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રધાનમંત્રીએ લીધેલા નેતૃત્ત્વ બદલ ડૉક્ટરોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. રસીકરણ કવાયતમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓને પ્રાધાન્યતા આપવા બદલ પણ ડૉક્ટરોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને કોવિડના પ્રથમ તબક્કાથી અત્યાર સુધીની તૈયારીઓ અને બીજા તબક્કામાં તેમની સમક્ષ આવેલા પડકારો વિશે માહિતી આપી હતી. ડૉક્ટરોએ તેમના અનુભવો, શ્રેષ્ઠ આચરણો અને આવિષ્કારી પ્રયાસો વિશે પણ તેમને માહિતગાર કર્યા હતા. તેમણે પ્રધાનમંત્રીને માહિતી આપતા કહ્યું હતું કે, કોવિડ સામેની જંગમાં બિન–કોવિડ દર્દીઓની યોગ્ય સંભાળ લેવા માટે પણ તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે લોકોમાં જાગૃતિ વધારવા માટે દર્દીઓને દવાઓના અનુચિત ઉપયોગ ના કરવા માટે જાગૃત કરવા સહિત અન્ય લોકજાગૃતિ પ્રયાસોના તેમના અનુભવો વિશે પણ પ્રધાનમંત્રીને અવગત કર્યા હતા.
આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), આરોગ્ય સચિવ, ફાર્માસ્યુટિકલ સચિવ અને PMO તેમજ કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.