પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં ઉદ્યોગજગતના અગ્રણીઓને મળ્યા હતા અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. આ સંવાદમાં ભારતીય અર્થતંત્રના વિશાળ પરિપ્રેક્ષ્યનું પ્રતિનિધિત્વ કરતા 41 ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બે કલાક ચાલેલા સંવાદ દરમિયાન છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા નીતિગત સુધારાઓ અને પહેલો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં ઉદ્યોગોના યોગદાન અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
ઉદ્યોગજગતના અનેક પ્રતિનિધિઓએ દેશની ઔદ્યોગિક સંસ્કૃતિમાં થયેલા સુધારાઓની પ્રસંસા કરી હતી અને જણાવ્યું કે, તે ભારતની વૃદ્ધિ ક્ષમતાને ઓળખવામાં મદદ કરશે. તેમણે પ્રધાનમંત્રીના નવા ભારતના વિઝનને માટે પોતાનું સમર્થન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ સ્ટાર્ટ અપ અને ઉદ્યોગસાહસિકો સાથે તાજેતરમાં તેમણે કરેલા સંવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે હકારાત્મક અભિગમ અને ‘થઇ શકશે’નો જુસ્સો હવે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. તેમણે કોર્પોરેટ ક્ષેત્રને મોટા પાયે અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આગ્રહ કર્યો હતો.
સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મુકતા તેમણે મેડીકલ સાધનો, ઇલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણના સાધનો જેવા ક્ષેત્રોમાં ઉત્પાદનને ગતિ આપવાની જરૂરીયાત વિષે જણાવ્યું હતું.
તે પહેલા નાણામંત્રી શ્રી પીયુષ ગોયલે છેલ્લા ચાર વર્ષો દરમિયાન ભારતીય અર્થતંત્રને ઊંચા સ્તરે લઇ જવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ પગલાઓની રૂપરેખા આપી હતી. તેમણે નીતિગત પહેલો, વિકાસ માટેની સમગ્રતયા પહોંચ, નવીનીકરણનો જુસ્સો અને ટેકનોલોજી અંગે પણ ચર્ચા કરી હતી.