પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના નિવાસસ્થાને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથેલેટ્સના દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો હતો. આ દળમાં પેરા-એથલેટ્સ ઉપરાંત કોચ પણ સામેલ હતા.
પ્રધાનમંત્રીએ સમગ્ર દળ સાથે નિખાલસ અને અનૌપચારિક સંવાદ કર્યો હતો. તેમણે પેરાલિમ્પિક્સ ગેમ્સમાં દેશના વિક્રમી ઐતિહાસિક પ્રદર્શન બદલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ નોંધપાત્ર પ્રમાણમાં દેશમાં સમગ્ર રમતગમત સમુદાયના મનોબળમાં વધારો કરશે અને તેમના સાથી રમતવીરો પણ રમતોને વધુ આગળ લાવવા માટે પ્રોત્સાહિત હોવાનો અહેસાસ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખેલાડીઓના પ્રદર્શનના કારણે લોકોમાં કુદકેને ભૂસકે રમતો અંગેની જાગૃતિમાં વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ ખાસ કરીને સમગ્ર દળના અદમ્ય જુસ્સા અને મનોબળની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, પેરા-એથલેટ્સે તેમના જીવનમાં આવતા કઠીન અવરોધોમાંથી બહાર આવીને જે પ્રકારે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે ખરેખરમાં ખૂબ જ પ્રશંસનીય છે. જે ખેલાડીઓ રમતોમાં ચંદ્રક જીતી શક્યા નથી તેમના મનોબળને પણ વધુ પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાચા ખેલાડી ક્યારેય કોઇ રમતમાં પરાજય મળે તેનાથી માનસિક રીતે તુટી જતા નથી પરંતુ આવી સ્થિતિ પછી તેઓ ફરી વધુ જુસ્સા સાથે આગળ વધે છે. તેમણે કહ્યું હતું કે, તેઓ દેશના એમ્બેસેડર્સ છે અને તેમણે પોતાના નોંધનીય પ્રદર્શન દ્વારા વૈશ્વિક મંચ પર રાષ્ટ્રની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પેરા-એથલિટ્સે તેમની 'તપસ્યા, પુરુષાર્થ અને પરાક્રમ' દ્વારા લોકોનો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના આ સમયગાળા દરમિયાન, તેમણે રમતની દુનિયાની બહારના ક્ષેત્રોને પણ પારખવા જોઇએ અને કેવી રીતે તેઓ લોકોને પ્રોત્સાહન આપી શકે તેમજ પરિવર્તન લાવવામાં મદદ કરી શકે તેના પર અન્વેષણ કરવું જોઇએ.
પ્રધાનમંત્રીએ તમામ ખેલાડીઓના દળને આમંત્રણ આપવા બદલ પેરા-એથલેટ્સે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેમની સાથે એક જ ટેબલ પર બેસવાની તક મળી એ જ પોતાની રીતે એક મોટી સિદ્ધિ છે. તેમણે ખાસ કરીને તેમના સમગ્ર પ્રયાસ દરમિયાન પ્રધાનમંત્રીએ સતત આપેલા માર્ગદર્શન, પ્રેરણા અને સહકાર બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, જ્યારે અન્ય દેશોના એથલેટ્સને ખબર પડી કે, તેમના ભારતીય સમકક્ષ ખેલાડીઓને તેમના દેશના પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવવા માટે કૉલ કર્યો તો તેઓ અચંબામાં પડી ગયા હતા. ખેલાડીઓને તેમની તાલીમ માટે શક્ય હોય તેવી તમામ ગોઠવણીઓ કરવામાં સરકારે કેવી રીતે કોઇ જ કચાશ રાખ્યા વગર પ્રયાસો કર્યા તે બાબત પર ખેલાડીઓએ પ્રકાશ પાડ્યો હતો.
કેટલાક ખેલાડીઓએ જેની મદદથી પોતે ચંદ્રક જીત્યા હતા તે રમતના સાધનો પર સહી કરીને પ્રધાનમંત્રીને ભેટમાં આપ્યા હતા. તમામ ચંદ્રક વિજેતા ખેલાડીઓની સહી સાથેનો એક ખેસ પણ પ્રધાનમંત્રીને ભેટમાં આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ રમતના સાધનોની હરાજી કરવામાં આવશે અને તેમના આ નિર્ણયને એથેલેટ્સે આવકાર્યો હતો. કેન્દ્રીય રમત મંત્રી અને કેન્દ્રીય કાયદા મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.