ભારત-આસિયાન ભાગીદારીનાં 25 વર્ષની ઉજવણી કરવા આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટ
(એઆઇસીએસ)ની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સેલર મહામહિમ ડૉ આંગ સાન સૂ ચી, વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુઆન ફૂક અને ફિલિપાઇન્સનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રોડ્રિગો રો દુતેર્તે સાથે બુધવારે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.
2. પ્રધાનમંત્રીએ આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટમાં સહભાગી થવા ભારતમાં ત્રણ નેતાઓને આવકાર આપ્યો હતો તથા ચાલુ વર્ષે 26 જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક દિવસનાં રોજ મુખ્ય અતિથિ તરીકે આપેલા આમંત્રણનો સ્વીકાર પણ કર્યો હતો.
3. પ્રધાનમંત્રી મોદીએ સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી સાથેની બેઠક દરમિયાન પારસ્પરિક હિતનાં વિવિધ મુદ્દાઓ પર અને આપણાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની રીતો વિશે ચર્ચાવિચારણા કરી હતી, જેમાં સપ્ટેમ્બર, 2017માં મ્યાનમારની પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન મુખ્ય નિર્ણયોનું ફોલો અપ સામેલ છે.
4. પ્રધાનમંત્રી ફૂક સાથેની બેઠકમાં બંને નેતાઓએ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનાં માળખાની અંદર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં ભારત-પેસિફિક વિસ્તારમાં દરિયાઈ સહકાર, સંરક્ષણ, ઓઇલ અને ગેસ, વેપાર અને રોકાણનાં ક્ષેત્રો સામેલ છે. નેતાઓ સંમત થયા હતાં કે આ મુલાકાત દરમિયાન બે સમજૂતીઓ થઈ હતી, જેમાં માહિતી અને પ્રસારણનાં ક્ષેત્રોમાં સહકાર તથા આસિયાન-ઇન્ડિયા સ્પેસ કોઓપરેશન હેઠળ વિયેતનામમાં ટ્રેકિંગ અને ડેટા રિસેપ્શન સ્ટેશન તથા ડેટા પ્રોસેસિંગ સુવિધા સ્થાપિત કરવાની સમજૂતી સામેલ છે, જેનાથી ભારત-વિયેતનામનાં સંબંધોને પ્રોત્સાહન મળશે. તેમણે 100 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટને કાર્યરત કરવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જે અંતર્ગત એલએન્ડટીને ઓફશોર પેટ્રોલ વેસલ્સ (ઓપીવી)નાં ઉત્પાદન માટે કોન્ટ્રાક્ટ કર્યો છે. તેમણે ટૂંક સમયમાં 500 મિલિયન ડોલરની અન્ય લાઇન ઓફ ક્રેડિટ કાર્યરત કરવાનો નિર્ણય લીધો હતો.
5. રાષ્ટ્રપતિ ડ્યુટર્ટે સાથે બેઠક દરમિયાન બંને નેતાઓએ નવેમ્બર, 2017માં મનિલામાં થયેલી તેમની બેઠક પછી અત્યાર સુધી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ તથા વૈશ્વિક અને પ્રાદેશિક સ્થિતિની સમીક્ષા કરી હતી. તે બંને દેશો વચ્ચે સહકારને વેગ આપવા સંમત થયાં હતાં, ખાસ કરીને માળખાગત વિકાસનાં ક્ષેત્રમાં. તેમણે સંમતિ આપી હતી કે, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ અને ફિલિપાઇન્સનાં બિલ્ડ-બિલ્ડ-બિલ્ડ પ્રોગ્રામ હેઠળ બંને દેશો વચ્ચે ખાનગી ક્ષેત્રો વચ્ચે કેટલીક બાબતોમાં સહકાર સ્થાપિત કરવામાં આવશે. બંને નેતાઓએ ઇન્વેસ્ટ ઇન્ડિયા અને ફિલિપાઇન્સનાં બોર્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)નું આદાનપ્રદાન કર્યું હતું.
6. આ ત્રણ બેઠકોમાં ભારત-પેસિફિક વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સામાજિક-આર્થિક વિકાસ માટે આસિયાન-ભારત સંબંધોનાં મહત્ત્વ પર મુલાકાતી પ્રતિનિધિઓએ ભાર મૂક્યો હતો તથા એઆઇસીએસમાં ચર્ચાવિચારણા કરવા આતુરતા દાખવી હતી.