પ્રધાનમંત્રીએ એમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના આ મહિનાના એપિસોડમાં સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ એટલે કે ન્યૂટ્રિશન મંથ તરીકે ઉજવવા દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશ અને પોષણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેમણે સંસ્કૃત સુક્તિ – “યથા અન્નમ, તથા મન્નમ”ને ટાંકી હતી, જેનો અર્થ એ છે કે, માનસિક અને બૌદ્ધિક વિકાસ આપણે જે ભોજન લઈએ છીએ એની ગુણવત્તા સાથે સંબંધિત છે. તેમણે કહ્યું હતું કે, બાળકો અને વિદ્યાર્થીઓને તેમની અંદર રહેલી ક્ષમતાને મહત્તમ રીતે ખીલવવા અને તેમની અંદર રહેલી સંભવિતતાને પ્રદર્શિત કરવા પોષક દ્રવ્યો અને યોગ્ય પોષણ મોટી ભૂમિકા ભજવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકોને સારું પોષણ મળે એ માટે માતાઓને ઉચિત પોષક દ્રવ્યો મળે એ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, પોષક દ્રવ્યોનો અર્થ ફક્ત ભોજન નથી, પણ મીઠું, વિટામિન્સ વગેરે જેવા આવશ્યક પોષક દ્રવ્યો મેળવવાનો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન દેશમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં માતા અને બાળકના પોષણ વિશે જાગૃતિ લાવવા માટે પોષણ સપ્તાહ અને પોષણ માહની ઉજવણી થઈ હતી, જેમાં મોટા પાયે લોકો ભાગીદાર થવાથી આ કાર્યક્રમ જન આંદોલનમાં પરિવર્તિત થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, પોષણ વિશે જાગૃતિ વધારવા બાળકો માટે સ્પર્ધા સુનિશ્ચિત કરવા આ જન આંદોલનમાં શાળાઓને જોડવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ગમાં જેમ એક મોનિટર હોય છે તેમ એક ન્યૂટ્રિશન મોનિટર બનાવવા પડશે. રિપોર્ટ કાર્ડની જેમ ન્યૂટ્રિશન કાર્ડ પણ પ્રસ્તુત કરવું પડશે. તેમણે જાણકારી આપી હતી કે, પોષણ માહના ગાળા દરમિયાન My Govપોર્ટલ પર ખાદ્ય પદાર્થ અને ન્યૂટ્રિશન ક્વિઝ તેમજ મીમકોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે. તેમણે એમાં સહભાગી થવા શ્રોતાઓને જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશિષ્ટ ન્યૂટ્રિશન પાર્કની રચના પણ કરવામાં આવી છે, જ્યાં તમે આનંદ અને ઉલ્લાસ સાથે પોષણ સાથે સંબંધિત જાણકારી મેળવી શકો છો.
તેમણે ભારત ખાદ્ય પદાર્થો અને પીણામાં પુષ્કળ વિવિધતા ધરાવે છે એના પર ભાર મૂકીને કહ્યું હતું કે, ખાસ વિસ્તારની સિઝનને મુજબ સુસંતુલિત અને પોષક દ્રવ્યોથી ભરપૂર ભોજનનું આયોજન કરવું જરૂરી બની ગયું છે, જેમાં સ્થાનિક ખાદ્ય પદાર્થો, ફળફળાદિ અને શાકભાજી સામેલ કરવા પડશે. તેમણે માહિતી આપી હતી કે, ‘એગ્રિકલ્ચરલ ફંડ ઓફ ઇન્ડિયા’ ઊભું કરવામાં આવ્યું છે, જે દરેક જિલ્લામાં પાકતા વિવિધ પાકો અને એની સાથે સંબંધિત પોષક દ્રવ્યો વિશે સંપૂર્ણ જાણકારી આપશે. પ્રધાનમંત્રીએ શ્રોતાઓને પોષક દ્રવ્યોથી ભરપૂર ખાદ્ય પદાર્થનું સેવન કરવા અને પોષણ માહ દરમિયાન સ્વસ્થ રહેવાની અપીલ કરી હતી.