પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં એક કાર્યક્રમમાં દેશને નૌકાદળની સબમરિન આઇએનએસ કલવરી અર્પણ કરી હતી.
આ પ્રસંગે ભારતની જનતાને અભિનંદન આપતાં પ્રધાનમંત્રીએ આઇએનએસ કલવરીને “મેક ઇન ઇન્ડિયા”નું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે તેનાં નિર્માણમાં સંકળાયેલ તમામ લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે સબમરિનને ભારત અને ફ્રાંસ વચ્ચે ઝડપથી વધતી વ્યૂહાત્મક ભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આઇએનએસ કલવરી ભારતનાં નૌકાદળની ક્ષમતામાં વધારો કરશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 21મી સદી એશિયાની સદી છે. હિંદ મહાસાગર મારફતે 21મી સદીમાં વિકાસનો માર્ગ પણ મોકળો થશે. આ કારણે હિંદ મહાસાગર સરકારની નીતિઓમાં વિશેષ સ્થાન ધરાવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વિઝન સાગર – સીક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન મારફતે સમજી શકાશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત હિંદ મહાસાગરમાં તેનાં આંતરરાષ્ટ્રીય, વ્યૂહાત્મક અને આર્થિક હિતોનાં સંબંધ બાબતે સંપૂર્ણપણે સતર્ક છે. આ કારણે આધુનિક અને બહુપક્ષીય ભારતીય નૌકાદળ, વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેમણે જણાવ્યું હતું કે, દરિયાની કુદરતી ક્ષમતાઓ આપણાં દેશનાં વિકાસમાં આર્થિક ક્ષમતા વધારશે. આ કારણે ભારત દરિયાઈ આતંકવાદ અને દાણચોરી જેવા પડકારોથી સારી રીતે વાકેફ છે, જે ભારતની સાથે આ વિસ્તારનાં અન્ય દેશો માટે પણ પડકારજનક છે. તેમણે કહ્યું હતું કે, આ પડકારોનો સામનો કરવામાં ભારત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત માને છે કે દુનિયા એક પરિવાર છે અને એટલે પોતાની વૈશ્વિક જવાબદારીઓ અદા કરે છે. કટોકટીનાં સમયે પોતાનાં ભાગીદાર દેશોમાં ભારત “ફર્સ્ટ રિન્સોપન્ડર” તરીકેની ભૂમિકા અદા કરે છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય મુત્સદીગીરી અને ભારતીય સંરક્ષણ સંસ્થામાં માનવીય અભિગમ અમારી વિશેષતા છે. તેમણે કહ્યું હતું કે, મજબૂત અને સક્ષમ ભારત માનવતા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વનાં દેશો શાંતિ અને સ્થિરતાનાં માર્ગે ભારત સાથે ખભેખભો મિલાવીને કામ કરવા ઇચ્છે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં સંરક્ષણ અને સલામતી સાથે સંબંધિત સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં પરિવર્તનની શરૂઆત થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, આઇએનએસ કલવરીનાં નિર્માણ દરમિયાન પ્રાપ્ત કૌશલ્ય ભારત માટે સૌથી મોટી સંપત્તિ બની જશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લાંબા સમયથી વિલંબિત “વન રેન્ક વન પેન્શન” મુદ્દાનું સમાધાન સરકારની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની નીતિઓ અને સશસ્ત્ર દળોનાં સાહસે સુનિશ્ચિત કર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં છહ્મ યુદ્ધ સ્વરૂપે આતંકવાદનો ઉપયોગ સફળ ન થાય.
પ્રધાનમંત્રીએ દેશની સુરક્ષામાં પોતાનાં જીવનનું બલિદાન આપનાર શહીદોને શત શત વંદન કર્યા હતાં.