પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂર રેલવે સ્ટેશન ખાતે મૈસૂર અને કેએસઆર બેંગલોર વચ્ચેની વીજળીકરણ કરાયેલી રેલવે લાઈન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે મૈસૂર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા એક સમારંભમાં મૈસૂર અને ઉદેપુર વચ્ચે દોડનારી પેલેસ ક્વિન હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
આ અગાઉ પ્રધાનમંત્રીએ મહામસ્તકાભિષેક મહોત્સવ -2018 પ્રસંગે શ્રવણબેલગોલાની મુલાકાત લીધી હતી. તેમણે વિનયગીરી હિલ ખાતે એએસઆઈ દ્વારા નવાં કંડારેલાં પગથિયાંનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે બાહૂબલી જનરલ હોસ્પિટલનું ઉદઘાટન પણ કર્યુ હતું.
શ્રવણબેલગોલા ખાતે એકત્ર થયેલી મેદનીને સંબોધન કરતાં તેમણે કહ્યું હતુ કે સંતો અને મહંતોએ આપણા સમાજની સેવા કરી છે અને એક હકારાત્મક તફાવતનું સર્જન કર્યું છે. આપણા સમાજની તાકાત એ છે કે આપણે હંમેશાં સમયની સાથે બદલાતા રહ્યા છીએ અને નવા બદલાવને સારી રીતે અપનાવીએ છીએ પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગરીબોને સારી ગુણવત્તા ધરાવતી તબીબી સારવાર પોસાય તે રીતે પૂરી પાડવી તે આપણી ફરજ છે.