પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે સહાયક સચિવો (2017આઇએએસ બેંચ)ના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.
અધિકારીઓએ પ્રધાનમંત્રી સમક્ષ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓના પરિવર્તનથી લઇને પારદર્શિતા અને ઝડપી સેવા પુરી પાડવાના પ્રશાસન ઉપાયો અંગેના વિષયોને આવરી લેતા વિવિધ પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ નવા વિચારો, નવા ખ્યાલો અને પાસાઓ અપનાવવા માટે અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિએ અનેક સ્રોતો પાસેથી પ્રતિભાવોમેળવવા જોઇએ, તેનું વિશ્લેષણ કરવું જોઇએ અને તેનો સમાવેશ કરવો જોઇએ. તેમણે અધિકારીઓને સતત શીખતા રહેવા અને જિજ્ઞાસા વૃતિ કેળવવાની અપીલ કરી હતી.
અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સેવાલક્ષી ભાવના જાળવી રાખવી જાહેર સેવક માટે સર્વોપરી બાબત છે કારણ કે તે તટસ્થતા લાવે છે.
જનભાગીદારીના મહત્ત્વ ઉપર ભાર મુકતાં તેમણે યુવા અધિકારીઓને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સામૂહિક પ્રયત્નોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. તેમણે અધિકારીઓને સહાયક સચિવ હોવાના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રાપ્ત કરેલા શ્રેષ્ઠ અનુભવોને આત્મસાત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ યુવા અધિકારીઓની તેમની સમક્ષ રજૂ કરેલા પ્રેઝન્ટેશન માટે પ્રશંસા કરી હતી અને તેમની આગામી ભૂમિકા માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તમારી સફળતા અનેક લોકોના જીવનને પરિવર્તિત કરી શકે છે.