પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ટાપુઓના સર્વગ્રાહી વિકાસ અંગે લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરતી બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું.
પ્રધાનમંત્રીને સર્વગ્રાહી વિકાસના વિઝન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં નીતિ આયોગ, ગૃહ મંત્રાલય અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના અભિપ્રાયોનો સમાવેશ થતો હતો.
ભારત પાસે કુલ 1382 ઓફશોર ટાપુઓ છે, તેમાંથી અધિકારીઓએ પ્રારંભમાં 26 ટાપુઓના સમગ્રલક્ષી વિકાસ માટે દરખાસ્ત કરી છે. આ 26 ટાપુઓ ભારતના સાગરકાંઠે વિવિધ ભાગોમાં આવેલા છે અને કેટલાક આંદામાન અને લક્ષદીપમાં આવેલા છે.
અધિકારીઓએ પ્રધાનમંત્રીને એવી માહિતી આપી હતી કે વિકાસ પ્રવૃત્તિઓ માળખાગત સુવિધાઓ, પ્રવાસન, કૃષિ (ઓર્ગેનિક ખેતી અને માછીમારી સહિત) પ્રવૃત્તિની આસપાસ આકાર લેશે.
ભારતના ટાપુઓનું સંપત્તિની દ્રષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ હોવા અંગે ભાર મૂકતા પ્રધાનમંત્રીએ આ વિસ્તારોમાં પ્રવાસનની ક્ષમતા વિકસાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને ટાપુઓના વિકાસની કામગીરીના આયોજનો ઝડપભેર હાથ ધરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પ્રવૃત્તિઓમાં સૌર ઊર્જાનો વ્યાપક ઉપયોગ કરી શકાય.