પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 અને નવા વેરિઅન્ટ ઑફ કન્સર્ન (વીઓસી) ઑમિક્રોનની સ્થિતિ, કોવિડ-19ના વ્યવસ્થાપન અને કન્ટેનમેન્ટ માટેનાં જાહેર આરોગ્યનાં વળતાં પગલાં, દવાઓ, ઑક્સિજન સિલિન્ડર્સ અને કૉન્સન્ટ્રેટર્સ, વેન્ટિલેટર્સ, પીએસએ પ્લાન્ટ્સ, આઇસીયુ/ઑક્સિજન સપોર્ટેડ બૅડ્સ, માનવ સંસાધનો, આઇટી ઇન્ટરવેન્શન્સ સહિતના આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને રસીકરણની સ્થિતિની સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી.
અધિકારીઓ પ્રધાનમંત્રીને ઉચ્ચ રસીકરણ કવરેજ ધરાવતા અને ઑમિક્રોન વેરિઅન્ટની હાજરી ધરાવતા દેશોમાં કેસોમાં ઉછાળાના સર્વસામાન્ય નિરીક્ષણ સાથે નવા વેરિઅન્ટને લીધે ઉદભવેલા વૈશ્વિક સિનારિયો વિશે માહિતી આપી હતી. ઑમિક્રોનના પરિપ્રેક્ષ્યમાં ડબલ્યુએચઓ દ્વારા ભલામણ કરાયેલાં અગ્રતાનાં પગલાંઓ અને ટેકનિકલ બ્રીફ વિશે પણ તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુ સંખ્યામાં કેસો આવી રહ્યા છે એ રાજ્યો, ઉચ્ચ પૉઝિટિવિટી ધરાવતા અને વધારે સંખ્યામાં ક્લસ્ટર્સ ધરાવતા જિલ્લાઓ સહિત દેશમાં કોવિડ-19 અને ઑમિક્રોનની સ્થિતિનો સ્નેપશૉટ પ્રધાનમંત્રીને રજૂ કરાયો હતો. દેશમાં નોંધાતા ઑમિક્રોનના કેસોની વિગતો પણ એમના મુસાફરીના ઈતિહાસ, રસીકરણની સ્થિતિ અને સાજા થયાની સ્થિતિ સહિત રજૂ કરવામાં આવી હતી.
રાજ્યોને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પહેલી એડવાઇઝરી આપવામાં આવી એ દિવસ 25મી નવેમ્બર 2021થી લેવાયેલાં વિવિધ પગલાં વિશે પણ પ્રધાનમંત્રીને વાકેફ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેની સુધારેલી ટ્રાવેલ એડવાઇઝરી, કોવિડ-19 અંગે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અંગે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો સાથેની સમીક્ષા બેઠકો, રસીકરણ વધારવા, ઑક્સિજન સપ્લાય સાધનોની સ્થાપના ઈત્યાદિ અંગે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન બાદ, પ્રધાનમંત્રીએ અધિકારીઓને તમામ સ્તરે તકેદારી અને સાવધાનીનું ઉચ્ચ સ્તર જાળવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કેન્દ્રને ‘સંપૂર્ણ સરકાર’ના અભિગમ હેઠળ રાજ્યોની સાથે એમના કન્ટેનમેન્ટ અને વ્યવસ્થાપનનાં જાહેર આરોગ્યનાં પગલાંમાં મદદ કરવા માટે ગાઢ સંકલન સાધીને કાર્ય કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે મહામારી સામેની અગમચેતી, કેન્દ્રીત, સહયોગી અને સહકારી લડાઇ માટે કેન્દ્રની વ્યૂહરચના મુજબ આપણાં તમામ ભાવિ પગલાં હોવાં જોઇએ.
પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે નવા વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને આપણે સતર્ક અને સાવધાન રહેવું જોઇએ. મહામારી સામેની લડાઇ સમાપ્ત થઈ નથી, એમ તેમણે કહ્યું હતું અને આજે પણ કોવિડ સલામત વર્તણૂકને વળગી રહેવું એ જરૂરી છે, સૌથી અગત્યનું છે.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો કે રાજ્યોમાં, જિલ્લા સ્તરથી શરૂ કરીને આરોગ્ય વ્યવસ્થાઓ નવા વેરિઅન્ટ દ્વારા ઊભા થનારા કોઇ પણ પડકારને પહોંચી વળવા મજબૂત કરવામાં આવે. રાજ્યો માટે એ સુનિશ્ચિત કરવાનું અગત્યનું છે કે ઑક્સિજન સપ્લાયના સાધનો સ્થાપિત કરાયા હોય અને સંપૂર્ણ કાર્યરત હોય, એવી સૂચના તેમણે અધિકારીઓને આપી હતી. તેમણે અધિકારીઓને રાજ્યો સાથે નિયમિત આધારે કાર્ય કરવા અને માનવ સંસાધનની તાલીમ અને ક્ષમતા નિર્માણ, એમ્બ્યુલન્સીસની સમયસર ઉપલબ્ધતા, સંસ્થાગત ક્વૉરન્ટાઇન માટે કોવિડ સુવિધાઓ કાર્યરત કરવાની રાજ્યોની તૈયારી અને હૉમ આઇસોલેશનમાં છે એમના અસરકારક અને નિરીક્ષણયુક્ત દેખરેખ સહિતના આરોગ્ય ઇન્ફ્રાસ્ટક્ચરનાં વિવિધ ઘટકોની તૈયારીની સ્થિતિની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો હતો. ટેલિ-મેડિસીન અને ટેલિ-કન્સલ્ટેશન માટે આઇટીના સાધનોના અસરકારક ઉપયોગ માટે પણ તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.
સક્રિય, ત્વરિત અને અસરકારક દેખરેખ દ્વારા ઉદભવતા ક્લસ્ટર્સ અને હૉટસ્પોટ્સ પર વધારેલી અને ચાંપતી નજર ચાલુ રહેવી જોઇએ, એમ તેમણે કહ્યું હતું. તેમણે પૉઝિટિવ આવેલા સેમ્પલ્સ સારી સંખ્યામાં જિનોમ સિકવન્સિંગ માટે આઇએનએસએસીઓજી લૅબ્સને ત્વરિત મોકલવા નિર્દેશ આપ્યો હતો. સમયસર કન્ટેનમેન્ટ અને સારવાર માટે કેસો ઝડપથી ઓળખી શકાય એ સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રીએ ટેસ્ટિંગ વેગીલું કરવા પણ નિર્દેશ આપ્યો હતો. સંક્રમણનો ફેલાવો નિયંત્રિત કરવા અસરકારક સંપર્ક ટ્રેસિંગ પર ધ્યાન કેન્દ્રીત થવું જોઇએ એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે ઓછું રસીકરણ, વધુ કેસો, અપૂરતું આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યોને સ્થિતિ સુધારવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારે ટીમો મોકલવી જોઇએ.
પ્રધાનમંત્રીને સમગ્ર દેશમાં રસીકરણની પ્રગતિ વિશે વાકેફ કરવામાં આવ્યા હતા. તેમને માહિતગાર કરાયા હતા કે પાત્ર વસ્તીના 88%થી વધુ લોકોને કોવિડ19 રસીનો પહેલો ડૉઝ મૂકાઇ ગયો છે અને પાત્ર વસ્તીના 60% કરતા વધુને બીજો ડૉઝ મળી ચૂક્યો છે. અધિકારીઓએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે લોકોને એક કરી રસી આપવા ડોર ટુ ડોર હર ઘર દસ્તક રસીકરણ અભિયાન કોવિડ 19 રસી લેવા માટે લોકોને પ્રેરિત કરવા સક્ષમ રહ્યું છે અને રસીકરણના કવરેજને વધારવા પ્રોત્સાહજનક પરિણામો દર્શાવ્યાં છે. પ્રધાનમંત્રીએ રાજ્યોને નિર્દેશ આપ્યો કે પાત્ર વસ્તી કોવિડ19 સામે સંપૂર્ણ રસીકરણ મેળવે અને પૂરેપૂરી રીતે લક્ષ્યાંકને સિદ્ધ કરવા આગળ વધે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે.
આ મીટિંગમાં કૅબિનેટ સચિવ, ડૉ. વી.કે.પૌલ (આરોગ્ય), નીતિ આયોગ, ગૃહ સચિવ શ્રી એ.કે. ભલ્લા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ શ્રી રાજેશ ભૂષણ, સચિવ (ફાર્માસ્યુટિકલ્સ); સચિવ (બાયોટેકનોલોજી) ડૉ. રાજેશ ગોખલે, આઇસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવ; સચિવ (આયુષ) શ્રી વૈદ્ય રાજેશ કોટેચા; સચિવ (શહેરી વિકાસ) શ્રી દુર્ગા શંકર મિશ્રા, એનએચએન સીઈઓ શ્રી આર. એસ. શર્મા; ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. કે. વિજય રાઘવન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.