આજે સવારે પ્રધાનમંત્રીએ કોવિડ-19 માટે જાહેર આરોગ્ય તૈયારીઓ અને રસીકરણ સંબંધી સ્થિતિની સમીક્ષા માટે એક વ્યાપક ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. આ મીટિંગ લગભગ બે કલાક સુધી ચાલી હતી.
કોવિડ-19 ચેપ અને કેસો અંગે વૈશ્વિક પ્રવાહોથી પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ ઉજાગર કર્યું હતું કે મહામારી શરૂ થઈ ત્યારથી સમગ્ર વિશ્વમાં દેશોએ કોવિડ-19માં અનેકવિધ ઉછાળા અનુભવ્યા છે. પ્રધાનમંત્રીએ કોવિડ-19 કેસો અને ટેસ્ટ પૉઝિટિવિટી રેટ્સ સંબંધી રાષ્ટ્રીય સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.
રસીકરણમાં પ્રગતિ અને ‘હર ઘર દસ્તક’ અભિયાન હેઠળ થઈ રહેલા પ્રયાસોથી પ્રધાનમંત્રીને માહિતગાર કરાયા હતા. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે બીજા ડૉઝનું કવરેજ વધારવાની જરૂર છે અને જેમને પહેલો ડૉઝ મળ્યો છે એ તમામને બીજો ડૉઝ સમયસર મળે એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર રાજ્યોને સંવેદનશીલ કરવાની જરૂર છે. દેશમાં સમય પર સિરો-પૉઝિટિવિટી વિશે અને જાહેર આરોગ્યનાં વળતાં પગલાંમાં એનાં સૂચિતાર્થો વિશેની વિગતો પણ પ્રધાનમંત્રીને આપવામાં આવી હતી.
અધિકારીઓએ પ્રધાનમંત્રીને નવા વેરિઅન્ટ ઑફ કન્સર્ન ‘ઓમિક્રૉન’ વિશે, એની લાક્ષણિકતા અને વિભિન્ન દેશોમાં જોવાયેલી અસર વિશે વાકેફ કર્યા હતા. ભારત માટે એનાં સૂચિતાર્થો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નવા વેરિઅન્ટના કારણે વધારે સતર્ક રહેવાની જરૂરિયાત વિશે બોલ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવાં જોખમને ધ્યાને લેતા, લોકોએ વધારે સચેત રહેવાની અને માસ્કિંગ અને સામાજિક અંતર જેવી યોગ્ય તકેદારીઓ રાખવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ ‘જોખમ’ તરીકે ઓળખાયેલ દેશો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને તમામ આંતરરાષ્ટ્રીય આગંતુકો પર દેખરેખ, માર્ગદર્શિકા અનુસાર એમના ટેસ્ટિંગ માટેની જરૂરિયાત ઉજાગર કરી હતી. પ્રધાનમંત્રીએ અધિકારીઓને નવા ઉદભવતા પુરાવાને ધ્યાને લઈને આંતરરાષ્ટ્રીય મુસાફરીનાં નિયંત્રણો હળવા કરવા માટેની યોજનાઓની સમીક્ષા કરવા પણ કહ્યું હતું.
પ્રધાનમંત્રીને દેશમાં સિકવન્સિંગના પ્રયાસોનું અને ફેલાતા વેરિઅન્ટ્સનું સામાન્ય નિરીક્ષણ રજૂ કરાયું હતું. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે આંતરરાષ્ટ્રીય મુસાફરો અને સમુદાયોનાં જિનોમ સિક્વન્સિંગ સેમ્પલ્સ નિયમો મુજબ એકત્ર કરવામાં આવે, આઇએનએસએસીઓજી હેઠળ પહેલેથી સ્થાપિત લૅબોરેટરીઝના નેટવર્ક મારફત ટેસ્ટ કરવામાં આવે અને કોવિડ-19 વ્યવસ્થાપન માટે ઓળખાયેલા અગમચેતીના સંકેતો આપવામાં આવે. પ્રધાનમંત્રી સિકવન્સિંગના પ્રયાસો વધારવા અને એને વધારે વ્યાપક બનાવવાની જરૂરિયાત પર બોલ્યા હતા.
તેમણે અધિકારીઓને રાજ્ય સરકારો સાથે એ સુનિશ્ચિત કરવા ગાઢ રીતે કાર્ય કરવા નિર્દેશ આપ્યો હતો કે રાજ્ય અને જિલ્લા સ્તરે યોગ્ય જાગૃતિ હોય. તેમણે નિર્દેશ આપ્યો કે વધારે કેસો નોંધાય છે એ ક્લસ્ટર્સમાં સઘન કન્ટેનમેન્ટ અને સક્રિય સર્વેલન્સના પ્રયાસો ચાલુ રહેવા જોઇએ અને અત્યારે જે રાજ્યોમાં વધુ કેસો નોંધાઇ રહ્યા છે એમને જરૂરી ટેકનિકલ મદદ પૂરી પડાય. વેન્ટિલેશન અને વાયરસની એર-બોર્ન વર્તણૂક વિશે જાગૃતિ સર્જવાની જરૂર છે એમ પણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
અધિકારીએઓ પ્રધાનમંત્રીને માહિતી આપી કે તેઓ નવીન ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ માટે સુગમકારી અભિગમ અનુસરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ અધિકારીઓને રાજ્યો સાથે એ સુનિશ્ચિત કરવા સંકલન સાધવાની સૂચના આપી હતી કે વિવિધ દવાઓનો પૂરતો બફર સ્ટૉક રહે. તેમણે અધિકારીઓને પેડિઆટ્રિક સુવિધાઓ સહિત મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરીની સમીક્ષા માટે રાજ્યો સાથે કામ કરવા જણાવ્યું હતું.
પીએસએ ઑક્સિજન પ્લાન્ટ્સ અને વેન્ટિલેટર્સની યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રીએ અધિકારીઓને રાજ્યો સાથે સંકલન સાધવા કહ્યું હતું.
આ મીટિંગમાં કૅબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા; નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલ; ગૃહ સચિવ શ્રી એ.કે. ભલ્લા; આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ શ્રી રાજેશ ભૂષણ; સચિવ (ફાર્માસ્યુટિકલ્સ); સચિવ (બાયોટેકનોલોજી) ડૉ. રાજેશ ગોખલે, આઇસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવ; સચિવ (આયુષ) શ્રી વૈદ્ય રાજેશ કોટેચા; સચિવ (શહેરી વિકાસ) શ્રી દુર્ગા શંકર મિશ્રા, એનએચએના સીઈઓ શ્રી આર. એસ. શર્મા, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. કે. વિજય રાઘવન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.