પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણરેખાની નજીક ગુરેઝ ખીણમાં ભારતીય સેના અને બીએસએફનાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેઓ ત્યાં લગભગ બે કલાક રોકાયા હતાં. આ સતત ચોથી દિવાળી છે, જે પ્રધાનમંત્રીએ સરહદ પર જવાનો સાથે ઉજવી છે.
પ્રધાનમંત્રીએ જવાનોને મીઠાઈની ભેટ ધરી હતી અને શુભેચ્છાનું આદાનપ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ જવાનોને સંબોધતા કહ્યું હતું કે, અન્ય દરેકની જેમ તેઓ પણ તેમનાં પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે, એટલે તેઓ સશસ્ત્ર દળોનાં જવાનો સાથે દિવાળી ઉજવવા આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, જવાનો જ ‘મારો પરિવાર’ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ સશસ્ત્ર દળોનાં જવાનો અને સૈનિકો વચ્ચે સમય પસાર કરે છે, ત્યારે તેમને નવી ઊર્જા મળે છે. એમણે પ્રતિકૂળ અને કઠોર સ્થિતિ વચ્ચે રહેતા જવાનોનાં સમર્પણ અને ત્યાગની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને કહેવામાં આવ્યું છે કે અત્યારે હાજર જવાનો નિયમિત યોગ કરે છે. તેમણે કહ્યું હતું કે, યોગથી તેમની ક્ષમતા વધશે અને તેમને શાંતિનો અનુભવ થશે.
તેમણે કહ્યું હતું કે, સૈનિક તરીકે પોતાનો કાર્યકાળ પૂરો થયા પછી સશસ્ત્ર દળને છોડનાર જવાનો ઉત્કૃષ્ટ યોગ શિક્ષક બની શકે છે.
પ્રધાનમંત્રીએ દરેક ભારતીયએ વર્ષ 2022 માટે એક નિર્ધાર લેવો જોઈએ એવી વાત કરી હતી. વર્ષ 2022માં દેશ આઝાદીનું 75મું વર્ષ ઉજવશે. તેમણે જવાનોને નવીન વિચારો રજૂ કરવા પ્રોત્સાહન પણ આપ્યું હતું, જેથી તેમની નિયમિત કામગીરી અને ફરજો સરળ અને સલામત બને. એમણે નવીન બાબતોને કેવી રીતે માન્યતા મળી રહી છે તથા સૈન્ય દિવસ, નૌકાદળ દિવસ અને વાયુદળ દિવસનાં રોજ એવોર્ડ આપવામાં આવે છે એનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર શક્ય દરેક રીતે સશસ્ત્ર દળોનાં કલ્યાણ અને ઉત્થાન પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ સંબંધમાં તેમણે વન રેન્ક, વન પેન્શનનાં અમલનો ઉલ્લેખ કર્યો હતો, જેનાં પર દાયકાઓથી વિલંબ થઈ રહ્યો હતો.
આ પ્રસંગે ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ બિપીન રાવત અને અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુલાકાતીની બુકમાં પ્રધાનમંત્રીએ લખ્યું હતું કેઃ
“પોતાનાં પ્રિયજનોથી દૂર માતૃભૂમિનું રક્ષણ કરતા, ત્યાગની સર્વોચ્ચ પરંપરાઓ પ્રદર્શિત કરનાર, દેશની સરહદો પર ખડેપગે પોતાની ફરજ બજાવતા સૈનિકો સાહસ અને સમર્પણનું પ્રતીક છે.
મને તમારી સાથે દિવાળીની ઉજવણી કરવાની તક મળી છે. પ્રકાશનાં આ પર્વે સરહદ પર બહાદુર સૈનિકોની હાજરી કરોડો ભારતીયોનાં દિલમાં આશાનો દીપ પ્રકટાવે છે અને નવી ઊર્જા પેદા કરે છે.
‘નવા ભારત’નું સ્વપ્ન સાકાર કરવા આપણાં બધા માટે ખભેખભો મિલાવીને કામ કરવાની આ સોનેરી તક છે. સેના પણ તેનો એક ભાગ છે.
તમને બધાને દિવાળીની ખૂબ ખૂભ શુભેચ્છા.”