પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંશોધનને માનવ આત્માની માફક શાશ્વત ઉદ્યમ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર સંશોધનના બહુવિધ ઉપયોગ અને નવીનીકરણનું સંસ્થાકીયકરણ કરવાના બેવડા ધ્યેયો હાંસલ કરવા માટે પ્રયાસરત છે. પ્રધાનમંત્રી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ 2021ને સંબોધી રહ્યા હતા, જેમાં તેમણે નેશનલ એટોમિક ટાઈમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલિ રાષ્ટ્રને અર્પિત કરી હતી તેમજ નેશનલ એન્વાયર્નમેન્ટલ સ્ટાન્ડર્ડસ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં સંશોધનની ભૂમિકા વિશે સવિસ્તાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વિકાસશીલ સમાજમાં સંશોધન, એ ફક્ત સ્વાભાવિક આદન જ નથી હોતુ, પરંતુ કુદરતી પ્રક્રિયા પણ હોય છે. તેમણે જણાવ્યું કે સંશોધનની અસર વેપાર ઉપર કે સમાજ ઉપર પડી શકે છે અને સંશોધન આપણા જ્ઞાનને વિસ્તારવામાં તેમજ સમજવામાં મદદરૂપ થાય છે. સંશોધનની ભાવિ દિશાઓ અને ઉપયોગો વિશે અનુમાન બાંધવા હંમેશા સંભવ હોતાં નથી. ફક્ત એટલી જ વાત નિશ્ચિત હોય છે કે સંશોધન જ્ઞાનના નવા અધ્યાય તરફ દોરી જશે, જે કદીયે વ્યર્થ નહીં જાય. પ્રધાનમંત્રીએ જેનેટિક્સના પિતામહ ગણાતા મેન્ડેલ અને નિકોલસ ટેસ્લાનાં ઉદાહરણો ગણાવ્યાં હતાં, જેમનાં કાર્યોના લાભની ઘણા સમય બાદ નોંધ લેવાઈ હતી.
ઘણીવાર સંશોધનથી કોઈ તત્કાળ ધ્યેય હાંસલ થઈ શકતું નથી, છતાં તે જ સંશોધન અન્ય કોઈ ક્ષેત્ર માટે નવો ચીલો ચાતરનાર બને છે. પ્રધાનમંત્રીએ જગદીશ ચંદ્ર બોઝનું ઉદાહરણ આપીને આ મુદ્દો સમજાવ્યો હતો, જેમની માઈક્રોવેવ થિયરી વ્યાપારી ધોરણે આગળ ધપાવી શકાઈ ન હતી, પરંતુ આજે સમગ્ર રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ તેના આધારે જ ઊભી થઈ છે. તેમણે વિશ્વ યુદ્ધોના સમયે થયેલાં સંશોધનનાં ઉદાહરણો પણ આપ્યાં હતાં, જેનાથી યુદ્ધો બાદ વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ સર્જાઈ હતી. દાખલા તરીકે, ડ્રોન, યુદ્ધ માટે બનાવવામાં આવેલાં, જે આજે ફોટોશૂટ્સ માટે તેમજ ડિલિવરી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. એટલા માટે જ આપણા વૈજ્ઞાનિકો, ખાસ કરીને યુવા વૈજ્ઞાનિકોએ સંશોધનના પરસ્પર ઉપયોગ (પરફલન)ની સંભાવનાઓ શોધવી જોઈએ. તેમના સંશોધનના ઉપયોગની સંભાવના તેમના ક્ષેત્રથી બહાર કેવી રીતે કરી શકાય, તે બાબત તેમના સતત ધ્યાનમાં હોવી જોઈએ.
કોઈ પણ નાનું સંશોધન કેવી રીતે વિશ્વનો ચહેરો બદલી શકે છે, તે જણાવવા પ્રધાનમંત્રીએ આજે પરિવહન, કોમ્યુનિકેશન, ઉદ્યોગ કે રોજિંદા જીવન સહિતની તમામ ચીજોને ચલાવતી ઈલેક્ટ્રિસિટીનું ઉદાહરણ આપ્યું હતું. તે જ રીતે, સેમી–કન્ડક્ટર જેવું સંશોધન આપણા જીવનમાં ડિજિટલ ક્રાંતિ લાવ્યું. આવી અનેક શક્યતાઓ આપણા યુવા સંશોધકો સામે રહેલી છે, જેઓ તેમના સંશોધન અને શોધખોળો મારફતે સંપૂર્ણપણે ભિન્ન ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે, તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભવિષ્ય માટે સજ્જ ઈકો–સિસ્ટમ તૈયાર કરવા પાછળના પ્રયાસો પણ જણાવ્યા હતા. ભારત ગ્લોબલ ઈનોવેશનના રેન્કિંગમાં ટોચના 50 દેશોમાં સામેલ થઈ ગયું છે તેમજ વિજ્ઞાન તેમજ એન્જિનિયરીંગ ક્ષેત્રે વિશ્વના નિષ્ણાતો દ્વારા સમીક્ષામાં ત્રીજો ક્રમ ધરાવે છે, જે મૂળભૂત સંશોધન ઉપર વધુ ભાર હોવાનું દર્શાવે છે. ઉદ્યોગ અને સંસ્થાઓ વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. વિશ્વભરની તમામ મોટી કંપનીઓ તેમની સંશોધન સવલતો ભારતમાં સ્થાપી રહી છે. તાજેતરનાં વર્ષોમાં આ પ્રકારની અનેક સવલતોની સ્થાપનામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય યુવાનો માટે સંશોધન અને નવીનીકરણની અપાર સંભાવનાઓ છે. એટલે, નવીનીકરણનું સંસ્થાકીયકરણ થાય તે પણ નવીનીકરણ જેટલું જ મહત્ત્વનું બને છે. આપણા યુવાનોને બૌદ્ધિક સંપત્તિનું કેવી રીતે રક્ષણ કરવું તે સમજવું પડશે. આપણે એ યાદ રાખવું પડશે કે આપણી પાસે જેટલી વધુ પેટન્ટ્સ હશે, તેટલી તે વધુ ઉપયોગી બનશે. જે ક્ષેત્રોમાં આપણાં સંશોધનો મજબૂત અને સ્પર્ધાત્મક હશે, તે ક્ષેત્રોમાં આપણી ઓળખ વધુ મજબૂત બનશે. તેના પગલે ભારત, એક બ્રાન્ડ તરીકે વધુ મજબૂત બનશે, તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
વૈજ્ઞાનિકોને કર્મયોગી તરીકે સંબોધતાં પ્રધાનમંત્રીએ લેબોરેટરીમાં તેમના અથાક પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ 130 કરોડ ભારતીયો માટે આશા અને આકાંક્ષાઓના સ્ત્રોત છે.
Research, like the human soul, is eternal!
— Narendra Modi (@narendramodi) January 4, 2021
We are working towards two objectives:
Cross-utilisation of research.
Institutionalising innovation.
The advantages of doing so are many. pic.twitter.com/dVBx9Mp4km