સિઓલ પીસ પ્રાઇઝ કમિટીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 2018 સિઓલ શાંતિ પુરસ્કાર એનાયત કરવાનો નિર્ણય લીધો હતો. પ્રધાનમંત્રી મોદીનાં આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનાં, વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપવા, દુનિયાનાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દ્વારા ભારતીયોનાં માનવ વિકાસને વેગ આપવા તથા ભ્રષ્ટાચાર વિરોધી અને સામાજિક સમરસતાનાં પ્રયાસો મારફતે લોકશાહીને વધુ વિકસાવવાનાં પ્રયાસો બદલ આ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવાયો છે.
જ્યારે 2018 સિઓલ શાંતિ પુરસ્કાર આપતાં પુરસ્કાર સમિતિએ પ્રધાનમંત્રી મોદીનાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્રોની વૃદ્ધિ માટેનાં પ્રયાસો, ધનિક અને ગરીબ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરવા માટે ‘મોદીનોમિક્સ’ ઊભું કરવાની પ્રશંસા કરી હતી. સમિતિએ પ્રધાનમંત્રીને ભ્રષ્ટાચાર વિરોધી પગલાંઓ અને વિમુદ્રીકરણ મારફતે સરકારને પારદર્શક બનાવવાનો શ્રેય પણ આપ્યો હતો. સમિતિએ ‘મોદી સિદ્ધાંત’ (Modi Doctrine) અને ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ હેઠળ દુનિયાભરનાં દેશોમાં સક્રિય વિદેશી નીતિ મારફતે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે તેમનાં પ્રદાનને બિરદાવ્યું પણ હતું. પ્રધાનમંત્રી મોદી આ પુરસ્કારનાં 14મા વિજેતા છે.
પ્રતિષ્ઠિત સન્માન માટે અને ભારતની પ્રજાસત્તાક કોરિયા સાથેની ભાગીદારીને ગાઢ બનાવવા બદલ આભાર વ્યક્ત કરીને પ્રધાનમંત્રી મોદીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ પુરસ્કાર પરસ્પર અનુકૂળ સમયે સિઓલ પીસ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
સિઓલ પીસ પ્રાઇઝની શરૂઆત 1990માં પ્રજાસત્તાક કોરિયાનાં સિઓલમાં 24માં ઓલિમ્પિક રમતોત્સવની સફળતાપૂર્વક ઉજવણી કરવા માટે થઈ હતી. આ રમતોત્સવમાં દુનિયાભરનાં 160 દેશો સામેલ થયાં હતાં, જેમની વચ્ચે સંવાદિતા અને મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત થયા હતાં તેમજ વિશ્વમાં શાંતિ અને સમાધાનનું વાતાવરણ ઊભું થયું હતું. સિઓલ પીસ પ્રાઇઝ કોરિયાનાં લોકોની કોરિયન દ્વિપકલ્પ અને બાકીની દુનિયામાં શાંતિ માટેની ઇચ્છાને વ્યક્ત કરવા સ્થાપિત થઈ હતી.
સિઓલ પીસ પ્રાઇઝ દર બે વર્ષે એવી વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમણે માનવજાતનાં કલ્યાણ માટે, વિવિધ દેશો વચ્ચે સમાધાનમાં અને વૈશ્વિક શાંતિ માટે કામ કર્યું હતું. અગાઉ આ પારિતોષિક સંયુક્ત રાષ્ટ્રનાં ભૂતપૂર્વ મહાસચિવ કોફી અન્નાન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલ અને ડૉક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એન્ડ ઓક્સફામ જેવી પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને એનાયત થયો છે. દુનિયાભરનાં 1300થી વધારે નોમિનેટર્સ દ્વારા મોકલવામાં આવેલા સેંકડો ઉમેદવારોનું મૂલ્યાંકન કર્યા પછી એવોર્ડ સમિતિએ આ પ્રાઇઝ પ્રધાનમંત્રી મોદીને આપવાનો નિર્ણય કર્યો હતો અને તેમને ‘2018નાં સિઓલ શાંતિ પુરસ્કાર માટે સર્વોત્તમ ઉમેદવાર’ ગણવામાં આવ્યા હતાં.