પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી હતી. આ રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ એનસીસી દળોએ કરેલી માર્ચ પાસ્ટ નિહાળી હતી. અન્ય મૈત્રીપૂર્ણ અને પડોશી દેશોના કેડેટ્સને પણ આવકાર આપ્યો હતો.
બોડો અને બ્રૂ રિયાંગ કરાર
ઉત્તર-પૂર્વમાં થઈ રહેલા વિકાસના પ્રયાસો અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, અગાઉ આ પ્રદેશની અવગણના કરવામાં આવી હતી અને તેને ઉદ્દામવાદીઓ સાથે લડતા રખાયા હતા. આ હિંસામાં નિર્દોષ લોકો માર્યા જતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સરકારે એક તરફ ઉત્તર-પૂર્વના લોકો માટે અભૂતપૂર્વ કામગીરીઓ શરૂ કરી છે અને બીજી તરફ તમામ સહયોગીઓ સાથે ખૂબ જ ખૂલ્લા મને અને ખૂબ જ સહૃદય સાથે સંવાદ શરૂ કરાયો છે. બોડો કરાર એ તેનું પરિણામ છે. આ યુવા ભારતની વિચારધારા છે.
મિઝોરમ અને ત્રિપૂરા વચ્ચે બ્રૂ-રિયાંગ કરાર કરાયા પછી બ્રૂ આદિવાસીઓ જેની સાથે સંકળાયેલા હતા તે 23 વર્ષ જૂની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું છે. આ યુવા ભારતની વિચારધારા છે. અમે સૌને સાથે લઈને દેશને આગળ ધપાવી રહ્યા છીએ. સૌનો વિકાસ કરી રહ્યા છીએ અને સૌનો વિશ્વાસ પ્રાપ્ત કરી રહ્યા છીએ.
નાગરિકતા સુધારા ધારો
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના યુવાનો માટે નાગરિકતા સુધારા ધારા અંગે જાણવું આવશ્યક છે. આઝાદીકાળથી સ્વતંત્ર ભારતે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખો અને અન્ય લઘુમતિઓને વચન આપ્યું હતું કે જો તેમને જરૂર પડે તો તે ભારત આવી શકશે. તેમને કહેવામાં આવ્યું હતું કે ભારત તેમની પડખે ઉભુ છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીની પણ આવી જ ઈચ્છા હતી. 1950માં થયેલા નહેરૂ-લિયાકત કરારની ભાવના પણ કંઈક આવી જ હતી. “આ દેશોમાં જે લોકોને પોતાની આસ્થાને કારણે ત્રાસ આપવામાં આવે છે એવા લોકોને શરણ આપવાની, ભારતની નાગરિકતા આપવાની ભારતની જવાબદારી છે, પરંતુ આવા હજારો લોકો તરફ મોં ફેરવી લેવામાં આવ્યું છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે “આ લોકોને થયેલા આવા ઐતિહાસિક અન્યાયને રોકવા માટે અમારી સરકાર નાગરિકતા સુધારા ધારો લાવીને તેમને નાગરિકતા આપી રહી છે અને આવા લોકો પ્રત્યેનું વચન પાળવાની જવાબદારી નિભાવી રહી છે” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે વિભાજન વખતે ઘણા લોકોએ ભારત છોડ્યું હતું, પરંતુ તેમની અહીંની સંપત્તિ પર હક્ક જાળવી રાખ્યો હતો. કરોડો રૂપિયાની આ મિલકતો પર ભારતનો હક હોવા છતાં દુશ્મનોની મિલકતના હકને દાયકાઓ સુધી જાળવી રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો એનિમી પ્રોપર્ટી લૉ નો વિરોધ કરી રહ્યા છે તે એવા લોકો છે કે જે હવે નાગરિકતા સુધારા ધારાનો વિરોધ કરવા માટે પણ બહાર આવ્યા છે.
ભારત-બાંગ્લાદેશ સીમા કરાર
પ્રધાનમંત્રીએ એવો ઉલ્લેખ કર્યો હતો કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ અંગેના વિવાદને હલ કરવા માટે કોઈ નક્કર પ્રયાસો કરવામાં આવ્યા નહોતા. તેમણે કહ્યું કે જ્યાં સુધી સરહદો વિવાદી બનેલી રહેશે ત્યાં સુધી ઘૂસણખોરી ચાલુ રહેશે. સરહદ અંગેનો વિવાદ વણઉકલ્યો રાખવાથી ઘૂસણખોરોને ખૂલ્લો રસ્તો મળી જાય છે અને તે અંગેનું રાજકારણ ચાલુ રહેતું હોય છે.
તેમણે કહ્યું કે આ સરકારે એક બીજાને સાંભળીને બાંગ્લાદેશ સાથેનો સીમા વિવાદ હલ કર્યો છે. એકબીજાને સમજીને તથા સમસ્યાનો ઉકેલ શોધવામાં બંને દેશો સંમત થયા છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આજે સરહદી વિવાદ તો હલ થયો જ છે, પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો પણ ઐતિહાસિક ઊંચા સ્તરે પહોંચ્યા છે અને બંને દેશો સાથે મળીને ગરીબી સામે લડત આપી રહ્યા છે.
કરતારપુર કોરિડોર
પ્રધાનમંત્રીએ કહ્યું કે વિભાજનને કારણે ગુરૂદ્વારા કરતારપુર સાહિબ આપણી પાસેથી છીનવાઈ ગયું અને તે પાકિસ્તાનનો હિસ્સો બની ગયું. કરતારપુર ગુરૂ નાનકની ભૂમિ હતી. સ્વાભાવિક છે કે આપણા દેશના લોકોની શ્રદ્ધા આ પવિત્ર સ્થળ સાથે જોડાયેલી હોય. તેમણે વધુમાં જણાવ્યું કે દાયકાઓ સુધી શીખ શ્રધ્ધાળુઓ કરતારપુર આસાનીથી પહોંચવા માટે રાહ જોઈ રહ્યા હતા અને ગુરૂ નાનકની ભૂમિને એક ઝલક નિહાળવા ઈચ્છતા હતા. કરતારપુર કોરિડોરનું બાંધકામ કરીને આ સરકારે તેમની ઈચ્છા ફળીભૂત કરી છે.