પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક પુસ્તક લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે “રાષ્ટ્રપતિ ભવનઃ ફ્રોમ રાજ ટૂ સ્વરાજ” નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું અને તેની પ્રથમ નકલ રાષ્ટ્રપતિને ભેટ ધરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
તેમણે પ્રધાનમંત્રી બન્યા પછી શરૂઆતના દિવસોમાં રાષ્ટ્રપતિ મુખર્જીએ આપેલા માર્ગદર્શનને યાદ કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે દેશને લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ મુખર્જીના અનુભવમાંથી લાભ મળવાનું ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, તેમને રાષ્ટ્રપતિ મુખર્જી સાથે કામ કરવાની તક મળી અને તેમની પાસેથી શીખવા મળ્યું એ તેમનું સદનસીબ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે વિમોચન થયેલા ત્રણ પુસ્તકો રાષ્ટ્રપતિ ભવનના વિવિધ પાસાંઓની ઉપયોગી માહિતી આપે છે, જેમાં રાષ્ટ્રપતિ ભવનનો ઇતિહાસ તથા તેમાં રહેલા મહાનુભાવોના જીવન અને પ્રવૃત્તિઓની માહિતી સામેલ છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અજય મિત્તલે પુસ્તક “રાષ્ટ્રપતિ ભવનઃ ફ્રોમ રાજ ટૂ સ્વરાજ”ના પ્રકાશનની સુવિધા કરી હતી. તમામ ત્રણ પુસ્તકો માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત થયા છે.