પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને વર્ષ 2019 માટે આજે ટેલિફોન પર એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ નાતાલનાં પ્રસંગે રશિયાનાં રાષ્ટ્રપતિ અને જનતાને પણ શુભેચ્છા પાઠવી હતી, જેની આજે રશિયામાં ઉજવણી થઈ રહી છે.
બંને નેતાઓએ ગયા વર્ષમાં બંને દેશો વચ્ચેનાં વિશેષ અને ગાઢ વ્યૂહાત્મક સંબંધોમાં પ્રાપ્ત થયેલી મોટી સફળતાઓની પ્રશંસા કરી હતી. મે મહિનામાં સોચીમાં અને વાર્ષિક શિખર સંમેલન માટે ઓક્ટોબરમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ પુટિનની મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર થયેલી સફળ વાટાઘાટોને યાદ કરીને બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોમાં ગતિ જાળવવા સંમત થયા હતાં. રાષ્ટ્રપતિ પુટિને સપ્ટેમ્બર, 2019માં વાર્ષિક ઇસ્ટર્ન ઇકોનૉમિક ફોરમ માટે તેમના આમંત્રણનો પુનરોચ્ચાર કર્યો હતો.
દ્વિપક્ષીય સાથ-સહકારનાં મુખ્ય ક્ષેત્રોમાં સંરક્ષણ અને આતંકવાદનો સામનો સામેલ હતાં, જેનાં પર વાટાઘાટો થયા હતા.
બંને નેતાઓ સંમત થયા હતાં કે, ભારત-રશિયા વચ્ચનો સાથ-સહકાર વૈશ્વિક બહુપક્ષીય વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે બંને દેશો સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ, એસસીઓ અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓમાં ગાઢ સંબંધો જાળવશે.