પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું.
ગ્રેટર નોઇડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2018નાં ઉદ્ઘાટન સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ શરૂઆતમાં ઇસરોને પીએસએલવી-સી40નાં સફળતાપૂર્વક પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અંતરિક્ષમાં આપણી હરણફાળ આપણાં નાગરિકોને મદદરૂપ થશે અને આપણા વિકાસની સફરને આગળ વધારશે.
તેમણે ડિસેમ્બર, 2017માં મન કી બાત દરમિયાન જિલ્લાઓમાં મોક સંસદ યોજવાની વાતને યાદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારની મોક સંસદ આપણાં યુવાનો વચ્ચે ચર્ચાનો જુસ્સો વધારશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણો જન્મ વર્ષ 1947 પછી થયો છે અને એટલે આપણે આઝાદીની લડાઈમાં સામેલ થવાનું ગૌરવ લઈ શક્યાં નહોતા. તેમણે ઉમેર્યું હતું કે, પણ આપણી પાસે આઝાદીની લડત લડનાર મહાન સ્ત્રી અને પુરુષોનાં સ્વપ્નો સાકાર કરવાની તક છે, જેમણે આપણી સ્વતંત્રતા કાજે તેમનાં જીવનનું બલિદાન આપ્યું હતું. શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સ્વપ્નનાં ભારતનું નિર્માણ કરીશું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે આપણાં યુવાનોને રોજગારીનાં સર્જકો બનાવવા ઇચ્છીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, જે નવીનતા લાવે છે, જે સંશોધન કરે છે એ યુવાન છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાંક લોકો કહે છે કે આજની યુવા પેઢીમાં ‘ધૈર્ય’ નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણાં યુવાનોનું અધીરાપણું જ તેમને નવીનતા લાવવા માટે પ્રેરિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા યુવાનોનો ઉત્સાહ નવીનતાસભર વિચાર કરવા અને નવી કામગીરી કરવા સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રીએ યુવાનોને રમતગમતને તેમનાં જીવનનું અભિન્ન અંગ બનાવવા અપીલ કરી હતી.
રાષ્ટ્રીય યુવા દિવસ અને કર્ણાટકનાં બેલગાવીમાં સર્વધર્મસમભાવ સભાનાં કાર્યક્રમોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે બંધુત્વની ભાવના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદ ભારતનાં વિકાસમાં જ આપણું સુખ, આપણી શાંતિ અને સમૃદ્ધિ રહેલી હોવાનું માનતાં હતાં.
શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ જગતમાં ભારત સામે ઘણો દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો, જેને સ્વામી વિવેકાનંદે ખોટો પુરવાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદે સામાજિક અનિષ્ટો સામે અવાજ બુલંદ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેટલાંક લોકો દેશનાં લોકોમાં ભાગલાં પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પણ આ દેશનાં યુવાનો તેમને યોગ્ય જવાબ આપશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણી યુવા પેઢી ક્યારેય ગેરમાર્ગે દોરાશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનાં યુવાનો જ સ્વચ્છ ભારત અભિયાનને નવી ઊંચાઈ પર લઈ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સાધુસંતોની ભૂમિ છે, જેમણે સમાજની સેવા કરી હતી અને સુધારાનો પવન ફૂંક્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સેવાભાવ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર ભારતમાં કેટલાંક વ્યક્તિઓ અને સંસ્થાઓ નિઃસ્વાર્થપણે સમાજની સેવા કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ આપણાં દેશને ઓડીએફ (ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત) બનાવવા માટે કામ કરનારા દરેકની પ્રશંસા કરી હતી.
Click here to read PM's speech at Gautam Buddha University in Noida