પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની 49મી પરિષદના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ એ વિષય પર વિસ્તૃત ચર્ચા કરી કે કઈ રીતે રાજ્યપાલોએ તેમના બહોળા અનુભવનો જીવનના વિવિધ તબક્કાઓમાં મહત્તમ ઉપયોગ કરવો જોઇએ કે જેથી કરીને લોકો વિવિધ કેન્દ્રીય વિકાસ યોજનાઓ અને પહેલોનો વધુમાં વધુ લાભ ઉઠાવી શકે. તેમણે કહ્યું કે રાજ્યપાલોની સંસ્થા દેશના સમવાયીતંત્ર અને બંધારણીય માળખામાં મહત્વની ભૂમિકા ધરાવે છે.
તેમણે કહ્યું કે એવા રાજ્યોના રાજ્યપાલો કે જ્યાં મહત્વાકાંક્ષી આદિવાસી સમુદાયની સંખ્યા વધુ છે ત્યાં સાથે એ બાબતની ખાતરી કરી શકે છે કે આદિવાસી સમુદાયને શિક્ષણ, રમતગમત અને નાણાકીય સમાવેશીતાના ક્ષેત્રમાં સરકારી પહેલોમાંથી લાભ પ્રાપ્ત થઈ શકે. તેમણે કહ્યું કે આદિવાસી સમુદાયે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા અદા કરી છે અને ડિજિટલ સંગ્રહાલયોનાં માધ્યમથી તેમનું સન્માન થવું જોઈએ અને ભાવી પેઢી માટે તેમની સાચવણી થવી જોઈએ.
પ્રધાનમંત્રીએ એ બાબત નોંધી કે રાજ્યપાલો એ વિશ્વવિદ્યાલયોનાં કુલાધિપતિ પણ છે. તેમણે કહ્યું કે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યુવાનો વચ્ચે યોગ અંગે વધુ જાગૃતિ કેળવવા માટેના એક અવસર તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે. એ જ રીતે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વવિદ્યાલયો પણ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે કેન્દ્રીય ભૂમિકા નિભાવી શકે તેમ છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પોષણ અભિયાન, ગામડાઓનું વિદ્યુતીકરણ અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિકાસના માપદંડો જેવા વિકાસના મહત્વના વિષયોનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સૂચન કર્યું કે રાજ્યપાલો વિદ્યુતીકરણના ત્વરિત ફાયદાઓ અંગે જાણવા માટે કેટલાક તાજેતરમાં વિદ્યુતીકરણ પામેલા ગામડાઓની મુલાકાત પણ લઇ શકે છે.
તેમણે કહ્યું કે તાજેતરના 14મી એપ્રિલથી શરુ થયેલ ગ્રામ સ્વરાજ અભિયાન દરમિયાન 16,000થી વધુ ગામડાઓમાં સરકારની મુખ્ય સાત યોજનાઓને સંપૂર્ણ રીતે અમલમાં મુકવામાં આવી. તેમણે કહ્યું કે આ ગામડાઓ જન ભાગીદારીના માધ્યમથી સાત સમસ્યાઓથી મુક્ત થયા છે. તેમણે કહ્યું કે ગ્રામ સ્વરાજ અભિયાન હવે 15મી ઓગસ્ટની લક્ષ્યાંકિત તારીખ સાથે વધુ 65,000 ગામડાઓમાં વિસ્તૃત થઇ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે રાજ્યપાલોની 50મી પરિષદનું આયોજન પણ તાત્કાલિક શરુ કરી દેવામાં આવે. આ પ્રયત્ન વડે આ વાર્ષિક કાર્યક્રમને વધુ ઉત્પાદક બનાવવા પર ધ્યાન કેન્દ્રીત થવું જોઈએ.