પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ષ 2017ની બેચનાં લગભગ 160 યુવાન આઈએએસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ અધિકારીઓની તાજેતરમાં ભારત સરકારમાં સહાયક સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ મસૂરીમાં તાલીમ દરમિયાન આ અધિકારીઓનાં સમૂહની સાથે પોતાની બેઠકને યાદ કરી હતી.
અધિકારીઓને વાતચીત દરમિયાન ફિલ્ડ તાલીમ સાથે સંબંધિત પોતાનાં અનુભવો વહેંચ્યાં હતાં. તેમણે મસૂરીમાં પોતાની કક્ષા તાલીમ સત્રોની સાથે આ અનુભવોને જોડ્યાં હતાં. જે અધિકારોએ આકાંક્ષી જિલ્લોઓમાં કામ કર્યું હતું, તેમને જણાવ્યું હતું કે, આ જિલ્લાઓમાં તાજેતરમાં વિવિધ પહેલોથી કેટલાં સકારાત્મક પરિણામો સામે આવી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ ભારત સરકારની સાથે આ અધિકારીઓની આગામી ત્રણ મહિનાની તાલીમને અત્યંત મહત્વપૂર્ણ અને સુવિચારિત પ્રક્રિયાનું અંગ જણાવી, તેમણે જણાવ્યું કે, આ ત્રણ મહિનામાં દરેક અધિકારી પાસે નીતિ નિર્ધારણને પ્રભાવિત કરવાની તક હશે.
શ્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓને સમસ્યાનું સમાધાન કરવા માટે નવી દ્રષ્ટિ, નવા વિચારો અને નવો દ્રષ્ટિકોણ અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ સરકારનાં કામકાજમાં નવીનતા અને તાજગી લાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, અનુભવોનો સમન્વય અને તાજગી વ્યવસ્થા માટે લાભદાયક હશે.
તેમણે જણાવ્યું કે, અધિકારી પોતાને સુપરત કરેલા કાર્યો પ્રત્યે નવા અને જનકેન્દ્રિત દ્રષ્ટિકોણને અપનાવે.
પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, અધિકારીઓને જે જવાબદારીઓ સુપરત કરવામાં આવી છે, એમને એમાં સંપૂર્ણ સમાધાન શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.
તેમણે અનુરોધ કર્યો હતો કે, તેઓ દિલ્હીમાં જે કામ કરશે, એને ફિલ્ડમાં પ્રાપ્ત થયેલા પોતાનાં અનુભવો સાથે જોડે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રી કાર્યાલય અને કર્મચારી તથા તાલીમ વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતાં.
આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન અને ઉપલબ્ધિઓ દર્શાવતી એક ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. શ્રી પટેલને ભારતમાં સિવિલ સેવાઓનાં નિર્માતા માનવામાં આવે છે.