પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની પરિષદના સમાપન સત્રને સંબોધન કર્યું હતું.
આ પરિષદ દરમિયાન થયેલા વિવિધ સૂચનો અને ચર્ચાઓની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી તેમજ તેને આવકારી હતી.
રાજ્યોમાં ભાગીદારીને ઉત્તેજન આપતી, સાંસ્કૃતિક આપ-લે અને લોકોથી લોકોના સંપર્કને વેગ આપતી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ઝુંબેશને મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને હાકલ કરી હતી. ભારતના વિવિધ રાજ્યો વચ્ચે એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે નવા માર્ગો અપનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને વિવિધ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે શિક્ષણમાં વિવિધ સ્તરે જોવા મળતા કૌશલ્યને પ્રોત્સાહિત કરવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટી મહત્વાકાંક્ષા હોવી જોઇએ અને રાજ્યપાલો આ પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે તેમ છે. આ બાબતે તેમણે આઈઆઇએમ, અને મુખ્ય 10 જાહેર અને 10 ખાનગી યુનિવર્સિટીમાં સ્વાયત્તતા લાવવા માટેની કેન્દ્ર સરકારની પહેલનું ઉદાહરણ આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સામાન્ય માનવીનાં જીવનને સરળ બનાવવા આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે જાહેર જીવનના પોતાના બહોળા અનુભવ થકી રાજ્યપાલો નાગરિક સંસ્થાઓ અને સરકારી વિભાગોને આ મુદ્દે કાર્ય કરવા વચનબદ્ધ થવા માટે પ્રેરણા આપી શકે છે.
પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના આરોગ્ય વીમા યોજના આયુષમાન ભારત વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 2022માં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી જેવા અવસરો અને 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી જેવા પ્રસંગો વિકાસના ઉદ્દેશો અને લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સીમાચિહ્નરૂપ બની રહે તેવી પ્રેરણા આપી શકાય તેમ છે. તેમણે ઉમેર્યું કે આગામી કૂંભ મેળા જેવા પ્રસંગો પણ રાષ્ટ્રના હિત માટેના વિવિધ હેતુને પાર પાડવા માટે પ્રેરક બની શકે છે.