પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 જાન્યુઆરી, 2021ના રોજ સંસદના બજેટ સત્ર પર સર્વપક્ષીય બેઠકને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે પૂજ્ય બાપૂના સ્વપ્નો સાકાર કરવા માટે આતુર રહેવું જોઈએ. તેમણે આજે સવારે અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના કૃત્યને વખોડી નાંખ્યું હતું અને જણાવ્યું હતું કે, આ પ્રકારનું ધૃણાનું વાતાવરણ આપણી પૃથ્વી પર આવકારદાયક નથી.
પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, સરકાર ખુલ્લા મને કૃષિ કાયદાઓના મુદ્દે વાટાઘાટ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સરકારનું વલણ 22 જાન્યુઆરીએ જે હતું એ જ છે અને કૃષિ મંત્રીએ રજૂ કરેલી દરખાસ્તો હજુ પણ સ્વીકારી શકાય એમ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કૃષિ મંત્રીને એક ફોન કરીને વાટાઘાટો આગળ વધારી શકાય છે.
26મી જાન્યુઆરીના રોજ રાજધાનીમાં બનેલી કમનસીબ ઘટનાઓ પર નેતાઓની વાત પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાયદો એનું કામ કરશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર બેઠકમાં નેતાઓએ ઉઠાવેલા મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે સંસદની કામગીરી વ્યવસ્થિત ચાલે અને ગૃહના મંચ પર વિસ્તૃત ચર્ચા કરવાનું મહત્વ ફરી સમજાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સંસદની કામગીરીમાં અવારનવાર વિક્ષેપ ઊભો થવાથી નાનાં પક્ષોને મુશ્કેલી પડશે, કારણ કે તેમને રજૂઆત કરવા માટે પર્યાપ્ત સમય નહીં મળે. તેમણે કહ્યું હતું કે, સંસદની કામગીરી બરોબર ચાલે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી મોટા પક્ષોની છે. સંસદની કામગીરીમાં વિક્ષેપ ન થવો જોઈએ, જેથી નાનાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સંસદમાં તેમનો મત રજૂ કરી શકે.
પ્રધાનમંત્રીએ ઘણા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય હિતને આગળ વધારવા ભારત કેવી ભૂમિકા ભજવી શકે છે એ વિશે વાત કરી હતી. તેમણે ભારતીયોની કુશળતા અને ઉત્કૃષ્ટતાનો સંદર્ભ આપ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય સમૃદ્ધિ માટે બહુસ્તરીય પ્રેરકબળ બની શકશે