પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રેન્ચ રિપબ્લિકના પ્રમુખ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી
બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેઓએ યુક્રેનમાં સતત દુશ્મનાવટ અને બગડતી માનવતાવાદી પરિસ્થિતિ અંગે તેમની ચિંતાઓ શેર કરી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ દુશ્મનાવટ બંધ કરવા અને સંવાદ અને રાજદ્વારી પ્રયાસો તરફ પાછા ફરવા માટે ભારતની સતત અપીલને પુનરોચ્ચાર કર્યો. તેમણે ભારતની માન્યતા પર ભાર મૂક્યો હતો કે આંતરરાષ્ટ્રીય કાયદા, યુએન ચાર્ટર અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન સમકાલીન વિશ્વ વ્યવસ્થાને આધાર આપે છે.
પ્રધાનમંત્રીએ બંને પક્ષો વચ્ચેની વાટાઘાટોનું સ્વાગત કર્યું અને તમામ લોકોની મુક્ત અને અવિરત માનવતાવાદી પહોંચ અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોનને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી તેના નાગરિકોને બહાર લાવવા અને અસરગ્રસ્ત વસ્તી માટે દવાઓ સહિત તાત્કાલિક રાહત પુરવઠો મોકલવાના ભારતના પ્રયાસો વિશે પણ માહિતી આપી હતી.