મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટેની તકેદારી-મોનિટરીંગની રાજ્યકક્ષાની બેઠક યોજાઇ
દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારોના કેસોની સર્વગ્રાહી સમીક્ષા
કાયદાની કોઇ દ્વિધા કે ઉદાસિનતા વગર અત્યાચારોનો ભોગ બનેલાને ત્વરિત ન્યાય-સહાય મળે તે જ આપણી પ્રતિબધ્ધતા છે - મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય અનૂસૂચિત જાતિ અને જનજાતિઓ માટેની તકેદારી અને મોનિટરીંગ સમિતિ બેઠક મળી હતી જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓ અત્યાચાર નિવારણ અધિનિયમ અન્વયે થયેલા કેસો, અત્યાચારોનો ભોગ બનેલા લોકોને સહાય, પોલીસ રક્ષણ, પડતર કેસો અને ખાસ અદાલતો વિષયક સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં મંત્રીશ્રીઓ સર્વશ્રી વજુભાઇ વાળા, ફકીરભાઇ વાઘેલા, મંગુભાઇ પટેલ, રમણભાઇ વોરા, વિધાનસભા વિપક્ષ નેતા શ્રી શકિતસિંહજી ગોહિલ, રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ, સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, અને વરિષ્ઠ સચિવોએ ભાગ લીધો હતો.
મુખ્યમંત્રીશ્રીએ દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારોના કિસ્સાઓમાં ભોગ બનેલાને ન્યાય મળે તેની પ્રક્રિયામાં કાયદાની કોઇ અસમંજસતા કે દ્વિધા હોય તે સર્વગ્રાહી કાનૂની અભિપ્રાય મેળવીને દૂર થાય અને સરકાર પક્ષે કોઇ વિલંબને સ્થાન રહે નહીં તે જોવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર આવા અત્યાચારોના ગુનાઓને પૂરી ગંભીરતાથી લેવા પ્રતિબધ્ધ છે અને તેમાં કોઇ ઉદાસિનતાનો પ્રશ્ન જ ઉદ્દભવતો નથી એમ તેમણે જણાવ્યું હતું.
વિપક્ષના નેતાશ્રીએ કરેલી રજૂઆતો સંદર્ભમાં આ સમિતિની બેઠક નિર્ધારિત સમયાંતરે મળે તે જરૂરી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કોમ કોમ વચ્ચે સામાજિક તનાવને બદલે સમરસતા અને દલિત-આદિવાસી હોય કે શોષિત-પીડિત હોય તેના સામાજિક ન્યાયની પ્રક્રિયા જ આપણા સૌની સહિયારી જવાબદારી છે એમ જણાવ્યું હતું.
ગુજરાતમાં 3પ લાખ જેટલા અનુસૂચિત જાતિ અને 74 લાખ જેટલા જનજાતિના લોકો સામેના અત્યાચારોની ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે એમ બેઠકમાં સમીક્ષા દરમિયાન જણાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ અતિપછાત સેનવા રાવત સમાજના 11માં સમૂહ લગ્નોત્સવમાં પ્રભૂતામાં પગલા પાડનારા પ૬ નવદમ્પતિઓને આશિષ-શુભેચ્છા આપ્યા
ગરીબો-વંચિતોની વહારે ગરીબની બેલી બનીને સરકાર ઉભી છે...
જન્મથી મૃત્યુની જીવન સફરના હરેક તબકકે ગરીબની પડખે સરકાર
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગરમાં ગુજરાતના અનુસૂચિત જાતિના અતિપછાત દલિત એવા સેનવા રાવત સમાજના સમૂહ લગ્નોત્સવમાં પ6 જેટલા નવદમ્પતિઓને સુખી-સમૃધ્ધ લગ્નજીવનના શુભ-આશિષ આપ્યા હતા.
ગુજરાત સેનવા-રાવત સમાજ સંઘના ઉપક્રમે 11મો સમૂહ લગ્નોત્સવ યોજવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજની પ્રગતિ માટેના આ સામાજિક રિવાજની નવી દિશા અપનાવવા આયોજકોને અભિનંદન આપ્યા હતા.
રાજ્ય સરકાર વંચિતોના વિકાસને સાચી દિશામાં લઇ જવા પ્રોત્સાહક અભિગમ ધરાવે છે તેની ભૂમિકા આપી તેમણે જણાવ્યું કે કુંવરબાઇનું મામેરૂ રૂપે ગરીબ કન્યાને અપાતી સહાય તથા સાતફેરા સમૂહલગ્ન માટે અપાતી સહાય રૂા. પ000માંથી રૂા. 10,000ની બમણી કરી છે. રાજ્ય સરકાર ગરીબોની બેલી છે અને જીવનના હરેક તબકકે ગરીબ માતાની કુખે ગર્ભસ્થ શિશુ અને તેના જન્મથી લઇને ગરીબના પરિવારમાં કોઇના મૃત્યુ સમયે સહાય આપવા સુધીની યોજનાઓ લઇને આ સરકાર તેમની પડખે ઉભી રહે છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં દલિત સમાજમાં પણ અતિપછાત જ્ઞાતિઓના ઉત્કર્ષ માટેની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ શિક્ષણથી ગરીબીનો વારસો ફગાવી દેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બેચર સ્વામી અતિપછાત જાતિ નિગમના શ્રી પૂનમભાઇ મકવાણા સહિતના સમાજ અગ્રણીઓ તથા સેનવા-રાવત પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.