ખેલ મહાકુંભ ૨૦૧૨ નું શાનદાર સમાપન
કુસ્તીની રમતને ઓલિમ્પીકમાંથી દુર કરવા સામે ભારત અવાજ ઉઠાવેઃ મુખ્યમંત્રીશ્રીનો આક્રોશ
૯૨ હજાર જેટલા શારિરીકમાનસિક ક્ષતિ ધરાવતા રમતવીરોનો વિક્રમ
મહેસાણાના શ્રમજીવી પરિવારની શારિરીક વિકલાંગ માયા દેવીપૂજકે હોકીમાં ગોલ્ડ મેડલ વિશ્વ સ્પર્ધામાં જીત્યો - રૂા.બે લાખનું ખાસ ઇનામ એનાયત
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ખેલ મહાકુંભનું સમાપન જાહેર કરતા આગામી ઓલિમ્પિક રમતોમાંથી કુસ્તીની રમતની બાદબાકી કરી દેવાના નિર્ણયને ભારત માટે અપમાનજનક ગણાવી આક્રોશ વ્યકત કર્યો હતો. કુસ્તી અતિપ્રાચીન રમત છે અને ભારત સહિત એશિયન દેશોમાં ખેલાડીઓએ પોતાનુ કૌશલ્ય બતાવેલું છે ત્યારે ભારત સરકાર અને વડાપ્રધાને પહેલ કરીને હજ્જારો વર્ષની કુસ્તીની રમતને ઓલિમ્પિક રમતમાંથી દૂર ન કરાય તે માટેનો અવાજ ઉઠાવે. સમગ્ર ખેલ જગતના લોકો હિંમતપૂર્વક કુસ્તીની રમતના મહિમાને આધુનિકતાના નામે નષ્ટ કરવા સામે અવાજ ઉઠાવવો જ જોઇએ. માત્ર કુસ્તીબાજો જ નહીં પણ એશિયા અને ભારતની કુસ્તીની રમતનું આધુનિકતાના નામે હનન કરવાની રમત એ બદઇરાદો છે અને ભારતે અવાજ ઉઠાવવો જ જોઇએ, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતભરમાં રમત પ્રવૃત્તિનું સાર્વત્રિક વાતાવરણ ઉજાગર કરનારા રાજ્યના ત્રીજા ખેલ મહાકુંભ૨૦૧૨નું આજે અમદાવાદમાં શાનદાર સમાપન થયું હતું. સતત ત્રીજા વર્ષના આ ખેલ મહાકુંભમાં ૨૧ રમતોમાં થઇને એકંદરે ૨૫ લાખ જેટલા રમતવીરોમહિલાઓએ અભૂતપૂર્વ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભની વિક્રમસર્જક વિશેષતા એ પણ હતી કે વિકલાંગ કક્ષાની રમત સ્પર્ધાઓમાં ૯૨ હજાર જેટલા શારિરીક જેટલા અશક્ત પણ વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા રમતવીર ભાઇબહેનોએ પણ ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભમાં ૪૩ યુવાનો અને ૨૯ યુવતીઓ મળીને વિવિધ રમતોના નવા ૭૨ વિક્રમો સ્થાપ્યા હતા. જ્યારે સમગ્રતયા ૩૯૯ ગોલ્ડ મેડલ, ૩૯૯ સીલ્વર મેડલ અને ૪૯૪ બ્રોન્જ મેડલ મળીને કુલ ૧૨૭૨ મેડલ રમતવીર વિજેતાઓએ જીત્યા હતા. ૮ લાખ મહિલા ખેલાડીઓએ ભાગ લઇ નારીશકિતનું કૌશલ્ય રમત ક્ષેત્રે બતાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ સાઉથ કોરિયામાં રમાયેલી સ્પેશીયલ વર્લ્ડ વિકર ગેઇમ૨૦૧૩ માં હોકીની મહિલાઓની રમતમાં મહેસાણાના અત્યંત શ્રમજીવી પરિવારની માયા દેવીપૂજકે વિશ્વકક્ષાનો હોકીનો સ્પેશિયલી એબલ્ડ વિજેતાનો ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતની નારીશકિતનું ખેલકૌશલ્ય કેવી ઉંચાઇ પર છે તેની અનૂભૂતિ કરાવી તે માટે તેણીનું જાહેર સન્માન કર્યું હતું અને રૂા.બે લાખનું ખાસ પ્રોત્સાહક ઇનામ મુખ્યમંત્રીશ્રીએ એનાયત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યકક્ષાની સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો અને શિલ્ડચંદ્રકોનું વિતરણ કરતાં આ ખેલ મહાકુંભમાં ભાગ લેનારા સૌ નાગરિક ભાઇબહેનોને અભિનંદન આપ્યા હતા.
૧૮મી જાન્યુઆરીથી ૧૩મી ફેબ્રુઆરી સુધી યોજાયેલા આ ખેલ મહાકુંભની અદભૂત સફળતા અને આન, બાન તથા શાન જાળવવા માટે સૌ સહયોગીઓને અભિનંદન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિજયના વિશ્વાસ સાથે ગુજરાતની સમગ્ર ઓળખ રમતક્ષેત્રે ઉભી થઇ છે, તેમ ગૌરવપૂર્વક જણાવ્યું હતું. પ્રેકિટશપરફોર્મન્સ અને પ્રોગ્રેસ દ્વારા રમતગમત ક્ષેત્રે તથા ગુજરાતના સમાજજીવનમાં ખેલ મહાકુંભે મક્કમ ડગ માંડયું છે. ૭૨ જેટલી રમતોમાં જુના વિક્રમો તોડીને નવા વિક્રમો સ્થાપીને ગુજરાતે રમતના મહાત્મ્યને સ્વીકાર્યું છે. સમાજ જીવનમાં ખેલદિલી પ્રગટાવવામાં આ ખેલ મહોત્સવ ઉદ્દીપક બન્યું છે. નવી જીંદગી જીવવા માટે ખેલ મહાકુંભે નવા પ્રાણપૂર્યા છે એમ તેમણે જણાવ્યું હતું. શારીરિક ક્ષતિમાનસિક ક્ષતિ ધરાવતાં ૯૨ હજાર ભાઇબહેનોએ રમત ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવે એવો ખેલ મહાકુંભનો આ અવસર છે, એમ તેમણે જણાવ્યું હતું
આગામી સમયમાં શારિરીક ક્ષતિ ધરાવતાં લોકો માટે સંવેદનશીલ એવા ગુજરાતે વિશેષ વિકલાંગ રમતોત્સવ યોજ્યો તેની દુનિયાએ નોંધ લેવી પડશે. સમાજની સામુહિક શકિત અને સમગ્ર રાજ્ય ખેલાડીઓનું ગૌરવ કરે એવું સર્જવા મુખ્યમંત્રીશ્રીએ ભાર મુકયો હતો. દુનિયાના દેશોનું ધ્યાન ગુજરાતના સ્પોર્ટસ ડેવલપમેન્ટ ઉપર ગયું છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી સાથે સમજૂતિના કરાર રમતગમતના વિકાસ માટે ગુજરાતે કર્યા છે. ફ્રાન્સની સ્પોર્ટસ કંપની પણ ગુજરાતમાં આવી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સ્પોર્ટસ યુનિવર્સિટીના યોગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
રમતગમત મંત્રી શ્રી રમણલાલ વોરાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સ્વર્ણિમ વર્ષમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી ત્યારે ૧૩ લાખ રમતવીરોએ ભાગ લીધો હતો. જ્યારે આ વર્ષે ૨૫ લાખ રમતવીરોએ ભાગ લીધો છે. ગામથી માંડીને તાલુકાજિલ્લા કક્ષાના રમતવીરોને પ્રોત્સાહન આપવાનો આ સરકારનો અભિગમ છે જે ખેલ મહાકુંભ દ્વારા સાકાર થયો છે. મંત્રીશ્રીએ ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તેવા રાજ્ય સરકારના અભિગમની જાણકારી આપી હતી. ઓસ્ટ્રેલિયા હાઇ કમિશનના ટ્રેડ કમિશનર ટોમ કાલ્ડરે જણાવ્યું હતું કે, ગુજરાતભારતમાં ક્રિકેટ ઉપરાંત ૨૧ રમત રમાય છે તે આનંદની વાત છે. તેમણે ગુજરાતે રમતગમત ક્ષેત્રે હાંસલ કરેલા નવા આયામોને પણ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે સાબરકાંઠા અને બનાસકાંઠાની અન્ડર ૧૬ રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં બનાસકાંઠાની ટીમ વિજયી નિવડી હતી. આ પ્રસંગે મંત્રીઓ સર્વશ્રી આનંદીબેન પટેલ, ગણપતભાઇ વસાવા, પ્રદિપસિંહ જાડેજા, મેયર શ્રી અસિતભાઇ વોરા, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સીલરો, ડીજીપી શ્રી ચિતરંજનસિંઘ, રમત વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ જ્હા, સ્પોર્ટસ ઓથોરિટીના ગુજરાતના ડાયરેકટર જનરલ શ્રી વિકાસ સહાય ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત હતા.