ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણનો અમારો સંકલ્પ
પ્રિય મિત્રો,આ સપ્તાહની શરૂઆતમાં અમે ગુજરાત ભાજપનું સંકલ્પપત્ર જાહેર કર્યું. સંકલ્પપત્રનાં માધ્યમથી અમે આવતા પાંચ વર્ષોમાં વિકાસના કેવા કાર્યો કરવા પ્રતિબધ્ધ છીએ તેનાથી આપને જ્ઞાત કર્યા.
એક પછી એક કોંગ્રેસની દરેક સરકારે સમાજનાં અમુક વર્ગો કે જેમને તે પોતાની વોટબેંક બનાવવા માંગતા હતા તેમની સામે ટુકડાઓ ફેંક્યા કર્યા, અને બાકીનાં વર્ગોને છોડી દીધા; એટલે નહિ કે આ લોકો લાભ આપવાને લાયક નહોતા; એટલે નહિ કે આ લોકોમાં વિકાસ કરવાની ક્ષમતા નહોતી; પણ માત્ર એટલા માટે કે કોંગ્રેસની સરકારને તેઓ ચૂંટણીની દ્રષ્ટિએ ફાયદાકારક નહોતા લાગતા.
જ્યારે સરકારો વોટબેંકની રાજનીતિમાં ગળાડુબ બને છે ત્યારે તે લોકોને એવું કહીને મૂર્ખ બનાવે છે કે તે વિકાસનાં ફળ દરેક વર્ગનાં લોકોને સમાન રીતે આપવા માંગે છે. આ બાબત મને ઘણી પીડા આપે છે. પણ આ પરિસ્થિતિ બદલાવી જોઈએ. પ્રત્યેક ગુજરાતીને, ભલે તે ભાજપને મત આપતો હોય કે નહિ, પ્રગતિનાં સમાન અવસરો કેમ ન મળે?
સર્વસમાવેષક અને સર્વાંગી વિકાસ દ્વારા ગુજરાતને એક ભવ્ય અને દિવ્ય રાજ્ય બનાવવાનુ અમારુ વિઝન રહ્યું છે અને રહેશે. આ સંકલ્પપત્ર દ્વારા હું મારા ગુજરાતી ભાઈ-બહેનોને ભાજપને ચૂંટી કાઢવાની અપીલ કરુ છું. ધર્મ, નાત, જાતનાં ભેદભાવ વગર દરેકને સમાન અવસરો મળી રહે તે માટે, ફરી એકવાર, ભાજપને ચૂંટી કાઢો. ગરીબીની ખાઈમાંથી પ્રગતિનાં શિખર સુધી પહોંચવા ભાજપને ચૂંટી લો. ગરીબી નાબુદીની યોજનાઓમાંથી વચેટિયા અને એજન્ટોનું નામોનિશાન મિટાવી દેવા ભાજપને ચૂંટી લો. મિત્રો, આ ‘ગરીબી હટાવો’ સૂત્ર ઘણું આકર્ષક છે. કમનસીબે, કોંગ્રેસે આને માત્ર એક સૂત્ર પૂરતુ મર્યાદિત બનાવી રાખ્યુ છે. કોંગ્રેસ માટે આ એક એવું ઘરેણું છે જેને તે દર પાંચ વર્ષે લોકરમાંથી કાઢીને લોકોને બતાવે છે અને તેમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે.
કોંગ્રેસનાં રાજમાં વચેટિયાઓ ફુલ્યા-ફાલ્યા છે, અને સરકારી તિજોરીમાંથી નીકળેલો પ્રત્યેક રૂપિયો લોકો સુધી પહોંચતા સુધી તો સાવ ૧૫ પૈસા બનીને રહી ગયો છે. નિરંતર વિકાસને બદલે કોંગ્રેસે લગાતાર ગરીબી આપી છે. અમારી સરકારનાં પ્રયાસોને લીધે મોટી સંખ્યામાં દરેક ધર્મ અને જાતનાં લોકો હવે મધ્યમ વર્ગમાં સ્થાન પામ્યા છે. એક નવો મધ્યમ વર્ગ ઉભો થયો છે, જેમના પોતાના સ્વપના છે, મહત્વકાંક્ષાઓ છે અને આગળ વધવાનો નિર્ધાર છે. આ વર્ગ ગુજરાતની વિકાસયાત્રાને વેગ આપનાર એક અત્યંત મહત્વનું પાસુ બની રહ્યો છે. ગુજરાતનો વિકાસ ઘણા અંશે આ વર્ગનાં લોકો પર આધારિત છે, અને એટલે જે તેમને ‘
અમારા વિકાસ થકી ગુજરાતનો વિકાસ’ એવું એક સૂત્ર આત્મસાત કરી લેવાનું હું આહવાન આપું છું. તમે જોયું હશે કે કોંગ્રેસ સરકાર અને તેના સાથી પક્ષોનાં ચૂંટણી ઢંઢેરાઓમાં તેઓ હજી પણ સાવ પ્રાથમિક કહેવાય એવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાનાં વચન આપે છે. આ પહેલા આપેલા વચનો હજી સુધી તેમણે પાળ્યા નથી એ હકીકતને તેઓ ભુલી જાય છે! મિત્રો, અત્યાર સુધી તો અમે અગાઉની કોંગ્રેસ સરકારોએ પાડેલા ખાડા પુરવાનું કામ કર્યું છે. હવે વર્તમાન યોજનાઓ અને કાર્યક્રમોનું ફલક વિસ્તૃત બનાવીને તેમનો વ્યાપ વધારવો છે. આમાંથી ઘણી યોજનાઓને તો રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે ઓળખ અને પ્રશંસા પણ મળી ચૂકી છે.
શિક્ષણ, ખાસ કરીને કન્યા કેળવણી, આરોગ્ય સેવાઓ, શહેરી અને ગ્રામીણ આવાસ, કૃષિ, સિંચાઈ, ગરીબી નાબુદી, વીજળી, સડક, પાણી, રોજગાર જેવા મહત્વનાં ક્ષેત્રોમાં હજી વધુ ફરણફાળ ભરવા ગુજરાત તૈયાર થઈ ચૂક્યુ છે.
વૈશ્વિક સ્પર્ધાનાં આ સમયમાં ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા ગુજરાત જ્યારે તૈયાર થયું છે, ત્યારે દેશમાં હાલનાં સમયમાં ઉભી થયેલી કેટલીક ચિંતાજનક બાબતો અંગે મારા વિચારો તમારી સાથે શેર કરવા માંગુ છું. એક પછી એક હજ્જારો કરોડ રૂપિયાનાં કૌભાંડો કરીને યુપીએ સરકારે દેશને ઉંડી ખાઈમાં ધકેલી દીધો છે. યુપીએ સરકારની નીતિપંગુતા અને નેતા, નીતિ તથા નિયતનાં અભાવે દેશનાં લોકોની ઉદ્યોગસાહસિકતા અને આશાઓ પર કુઠારાઘાત કરીને દેશમાં ચારેકોર નિરાશાનું વાતાવરણ સર્જી દીધુ છે. લોકો હવે ઉદ્યોગ-વાણિજ્ય અને મૂડીરોકાણને અવિશ્વાસની નજરોથી જોઈ રહ્યા છે. આ બાબત આપણા દેશ માટે સારી નથી. ઉદ્યોગો, ઉદ્યમ અને મૂડીરોકાણ જ આપણા દેશને સ્વનિર્ભર બનાવશે. ગુજરાતમાં થતા પ્રત્યેક મૂડીરોકાણ થકી જે મૂડી અન્યથા નકામી પડી રહી હોત અથવા તો વિદેશોમાં જતી રહી હોત તે આપણા અર્થતંત્રમાં આવે છે. તેનાથી મોટા પાયે રોજગારીનાં અવસરોનું સર્જન થાય છે.
રાજ્યભરમાં અનેક આનુષાંગિક એકમો ઉભા થઈ રહ્યા છે અને પરિણામે રોજગારી વધી રહી છે. ફાઈવસ્ટાર હોટલથી લઈને પરવડે એવા ગેસ્ટહાઉસ, મલ્ટી-ક્વિઝીન રેસ્ટોરાંથી લઈને ચા ની દુકાન – આ બધા ધંધા અહીં ધમધોકાર ચાલે છે. પરિણામે ઘણા ગુજરાતી ભાઈ-બહેનોનાં ઘરનો ચૂલો તેમની પોતાની પરસેવાની કમાણીથી પ્રગટી રહ્યો છે. સમગ્ર રાજ્ય ઉર્જા અને જુસ્સાથી થનગની રહ્યુ છે. ઉદ્યોગ-વાણિજ્યનો નહિ પણ ભ્રષ્ટાચાર અને સગાવાદનો ખાતમો બોલાવાની જરૂર છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ માટે જરૂર છે વિઝનની અને ઉત્સાહની. તમારા પરસેવાની કમાણી પર કોઈ એક પક્ષ કે પરિવાર માલિકી ભોગવે એમ ન બનવુ જોઈએ. આ પરિસ્થિતિને બદલવા માટે હું મારા પ્રયાસો ચાલુ રાખીશ. મિત્રો, ચાલો આ ચૂંટણીમાં કોંગ્રેસને મૂળથી ઉખેડી કાઢવાનો સંકલ્પ લઈએ. કોંગ્રેસ આપણી લોકશાહીમાં કોઈ સર્જનાત્મક ભુમિકા ભજવતી નથી. ગુજરાતમાં તે સત્તા પર હતી ત્યારે તો નિષ્ફળ રહી જ, પણ વિરોધ પક્ષ તરીકેની ભુમિકામાં પણ નિષ્ફળ રહી છે.
ગુજરાતનો જેવો અને જેટલો વિકાસ થશે એ તમારા જીવનને પણ પ્રભાવિત કરશે. ચૂંટણી એ આપણી લોકશાહીનો સૌથી મહત્વનો તહેવાર છે, અને મત આપવો એ તમારો સૌથી અગત્યનો અધિકાર છે. તમારો મત વિચારીને આપો. તમે ભલે ગમે તેને મત આપો, એક વાત યાદ રાખજો, આ યાત્રામાં આપણા સૌ સાથે છીએ. જય જય ગરવી ગુજરાત!
આપનો,
નરેન્દ્ર મોદી