મુખ્યમંત્રીશ્રીની જાહેરાતો
વન અધિકારપત્ર ધારકોને બધી સરકારી યોજનાઓના લાભો મળશે
બધા આદિવાસી તાલુકામાં મેડિકલ કોલેજમાં પ્રવેશ કસોટી માટેના તાલીમ કેન્દ્રો શરૂ થશે
ગુજરાતમાં આ દશક આદિવાસીઓને વિકાસમાં સશકત બનાવશે
૧૦ જિલ્લાના ૧૧,૦૦૦ થી અધિક આદિવાસીઓને વન અધિકારપત્રો આપતાં મુખ્ય મંત્રીશ્રી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ઝાલોદ ખાતે આજે મધ્યગુજરાતના આદિવાસી સશકિતકરણ સંમેલનમાં જણાવ્યું હતું કે જે આદિવાસીઓને જંગલની જમીનના અધિકાર મળ્યા છે તેમને બધીજ સરકારની યોજનાઓના લાભો મળવાપાત્ર છે. રાજયના પ્રત્યેક આદિવાસી તાલુકાઓમાં આદિવાસી વિદ્યાર્થીઓ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે સશકત બને તે માટે મેડીકલ પ્રવેશ-કસોટીના તાલીમ કેન્દ્રો શરૂ કરાશે.
રાજય સરકારના આદિવાસી કલ્યાણ વિભાગના ઉપક્રમે આદિવાસી અધિકાર અને સશકિતકરણનો આ કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જિલ્લામાં ઝાલોદ ખાતે મધ્ય અને ઉત્તર ગુજરાતના ૧૦ જિલ્લાઓના ૧૧૦૦૦ થી અધિક આદિવાસીઓને વન અધિકારપત્રોનું વિતરણ કરતાં શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ જણાવ્યું હતું કે આ સરકારે બાર વર્ષથી આદિવાસીઓના કલ્યાણને પ્રાથમિકતા આપી છે. આદિવાસીઓના વન અધિકારપત્રો ૧.૧૦ લાખ લોકોને આપી દીધા અને ૧૦ લાખ એકરથી અધિક જંગલની ભૂમિની કિંમત જ રૂા. ૩૦૦૦ હજાર કરોડ થવા જાય છે. આનાથી આદિવાસીઓના જીવનમાં કેટલું મોટું ગુણાત્મરક પરિવર્તન આવશે તેની કલ્પજના જેઓ ગુજરાતને બદનામ કરે છે તેમની સમજમાં આવી નહીં શકે.
આદિવાસીઓના ૪ લાખ આવાસો માટે મકાન બાંધકામ સહાય ચૂકવવાનું ભગીરથ કામ આ સરકારે કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના કુલ ૧૫ જિલ્લાઓમાં ૬૩૦૦૦ જેટલા આદિવાસીઓને અત્યાર સુધીમાં કુલ રૂા.૨૨૭૫ કરોડની જંગલની જમીનના અધિકારો રાજયની વર્તમાન સરકારે આપી દીધા છે. વન અધિકારપત્રોના હકકદાવાના નવા ૨૩૦૦૦ પૂરાવા માન્ય રાખવાની પુનઃ ચકાસણી કરવામાં આવી હતી. આજના આદિવાસી વિશાળ માનવ મહેરામણની ઉપસ્થિતિમાં રૂા.૧૪ કરોડની વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં આદિવાસીઓના અધિકારોના રક્ષણ અને સશકિતકરણનું ભગીરથ અભિયાન સરકારે ઉપાડયું છે. વિકાસની સાચી દિશાનો આદિવાસીઓ અનુભવ કરી રહયા છે.
ગુજરાત-છત્તીસગઢ-મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજયોના મળી દેશના કુલ ૪૦ ટકા આદિવાસીઓની સેવા કરવાનું સૌભાગ્ય ભાજપાની સરકારોને મળ્યું છે તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે હિન્દુસ્તા્નમાં ગુજરાતનો સમગ્ર આદિવાસી પટ્ટો આગામી દશકમાં આદિવાસી સશકિતકરણથી વિકાસમાં નવી ઉંચાઇ બતાવશે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસ જેની ઠેકેદારી માનતા હતા અને વોટબેન્કના નામે દલિત, આદિવાસી, લઘુમતી સમાજને કોરી ખાધો હતો તેઓએ હવે કોંગ્રેસમાંથી ભરોસા ગૂમાવી દીધો છે. ગરીબી, ગુલામી, ઓશિયાળી જીંદગીમાં વિકાસના ટુકડા ફેંકીને જેમણે દેશના ગરીબ, દલિત, આદિવાસીઓ, લઘુમતીઓને વિકાસથી વંચિત રાખ્યા હતા પરંતુ તાજેતરની ચાર રાજયોની ચૂંટણીઓના પરિણામોએ પૂરવાર કર્યું છે કે દલિતો, આદિવાસીઓ, લઘુમતી સમાજોએ વિકાસના માર્ગ માટે ભરોસો ભાજપા ઉપર મૂકયો છે અને ભવિષ્યના સશકત ભારતમાં તેમની ભાગીદારીનો ઉજ્જવળ સંકેત પૂરો પાડે છે. રૂા.૧૫૦૦૦ કરોડની વનબંધૂ કલ્યાણ યોજનાના પ્રથમ પાંચ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે આદિવાસી ક્ષેત્રમાં ગુજરાતે ક્રાંતિ કરી છે તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે આદિવાસીઓની યુવાપેઢીના સશકિતકરણ માટે આઇ.ટી.આઇ., વિજ્ઞાન પ્રવાહની શાળાઓ, ઇજનેરી કોલેજો, નર્સિંગ અને ફિઝીયોથેરાપી કોલેજો અને એગ્રોપોલિટેકનીક કોલેજો તાલુકે તાલુકે બનાવી છે. ૧૩૩ આદિવાસી યુવાનો વિદેશ અભ્યાસ કરે છે અને ૨૧ યુવાનો પાઇલોટ બની ગયા છે.
હવે રૂા.૪૦,૦૦૦ કરોડની વનબંધુ યોજનામાં રૂા.૪૦૦૦ કરોડનો સિંચાઇ પ્રોજેકટ હાથ ધર્યો છે. અમે એક જ દશકમાં ૯૨૦૦૦ કૂવાનું વિજળીકરણ આદિવાસી ક્ષેત્રમાં કર્યું જે અગાઉના ૪૦ વર્ષમાં માત્ર ૨૦૦૦૦ કૂવાઓને વિજળી જોડાણ મળેલા. વિકાસની ગતિ આ સરકારે કેટલી હરણફાળ ઝડપે આગળ વધારી તેની ભૂમિકા પણ તેમણે આપી હતી.
આઝાદીની લડતમાં અંગ્રેજો સામે શહિદી અને વીરતાની લડાઇમાં આદિવાસીઓની શહાદતના ઈતિહાસને કોંગ્રેસે ભૂલાવી દીધો હતો પણ આ વર્તમાન સરકારે માનગઢ અને સાબરકાંઠાના પાલચિતરીયામાં આદિવાસી શહિદ સ્મારકો બનાવીને આદિવાસીઓની વીરતાનું ગૌરવ કર્યું છે તેમ જણાવતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સમગ્ર દેશમાં આઝાદી પછી પહેલીવાર પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેઇએ જ દેશના આદિવાસીઓના કલ્યાણ માટે અલગ મંત્રાલય બનાવ્યું હતું, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ઉમરગામ થી અંબાજીના પટામાં જળાશયો અને પર્વતીય પ્રાકૃતિક સૌંદર્ય, પ્રવાસન વિકાસ અને આર્થિક પ્રવૃતિનું વિશાળ ક્ષેત્ર બની શકે એમ છે પણ ભૂતકાળની કોઇ સરકારોમાં એ વિઝન નહોતું. આ સરકારે હવે આદિવાસી ક્ષેત્રના પૂર્વ પટ્ટામાં આ પ્રાકૃતિક પ્રવાસન સ્થંળો વિકસાવીને આદિવાસી રોજગારની નવી દિશા અપનાવી છે.
આદિવાસીઓની ખેતીવાડી અને પશુપાલનમાં આર્થિક વૃધ્ધિ માટે વનબંધૂ કલ્યાણ યોજનાએ ખૂબ મોટી સફળતા મેળવી છે અને ઓર્ગેનિક ખેતી માટે આદિવાસી ખેડૂતોને પ્રોત્સાહન અપાઇ રહયું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પૂ. ઠકકરબાપા સહિત આદિવાસી સમાજની સેવા કરનારા મૂકસેવકોને આદર અંજલિ આપતા દાહોદ જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ વિકાસમાં બાધક મૂળ સમસ્યા્ઓને સમજીને તેના નિવારણનું અને આદિવાસી સમાજના વિકાસ અને સુખ સમૃધ્ધિનું સુચારૂં આયોજન કર્યું છે. વન જમીનના ખેડવાનો અધિકાર આપવાના રાજય સરકારના આયોજનથી મંજૂરી માટે હિજરત કરવાની આદિવાસી સમાજની લાચારીનું નિરાકરણ આણશે. આદિવાસીઓ ખેતીના મુખ્ય પાક મકાઇનું મૂલ્ય વર્ધન કરવાનું રાજય સરકારના માર્ગદર્શનથી શીખે, કાજૂના પાક જેવી નવી ખેતી અપનાવે અને સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપે તેવો ખાસ અનુરોધ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વ હેઠળની રાજય સરકારે એક દાયકામાં આદિજાતિ વિકાસ માટે રૂા.૭૩૮૦૦ કરોડ જેટલી રકમનું ભગીરથ આયોજન કર્યું છે તેવી માહિતી આપતા આદિવાસી વિકાસ અને વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે ભૂતકાળની વિરોધપક્ષની સરકારોએ આદિવાસીઓને વિકાસથી વંચિત રાખ્યા હતા અને માત્ર વોટબેન્ક તરીકે આ સમાજનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આદિવાસી સમાજના મોટાભાઇ છે. ૬૪ હજારથી વધુ દાવા હેઠળ નવ લાખ એકરથી વધુ જમીનના ખેડવાનો વન અધિકાર કાયદા હેઠળ અધિકાર આદિવાસીઓને આપવામાં આવ્યો છે. આદિવાસી સમાજે વન વિભાગ સાથે મળીને જંગલને સાચવવાનું કામ શરૂ કર્યું છે. આ સરકાર આદિવાસીઓ અને ગરીબોની સરકાર છે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. આદિવાસી સમાજ નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન બનવાનો આશિર્વાદ આપે તેવો હાર્દિક અનુરોધ તેમણે કર્યો હતો.
આદિજાતિ કલ્યાણના ક્ષેત્રમાં ગુજરાત મૉડેલ રાજય બન્યું છે. તેવી લાગણી વ્યકત કરતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યાક્ષશ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજયના ઇતિહાસમાં આદિજાતિ વિકાસની અતિ અભૂતપૂર્વ અને વ્યાપક કામગીરી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વ હેઠળ થઇ છે.
આદિવાસી વિકાસનું જે કામ આદિવાસી મુખ્યમંત્રીના શાસનકાળમાં ન થઇ શકયું તે કામ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળમાં થયું તેનો આનંદ કરતાં આદિજાતિ કલ્યાણ રાજય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે આદિવાસીઓના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સર્વાંગી વિકાસનું પૂ. ઠકકરબાપાનું સ્વપ્ન આ સરકારે સાકાર કર્યું છે. વનબંધૂઓ મુખ્ય મંત્રીશ્રીને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
દશ જિલ્લાઓમાં આદિવાસી અધિકાર અને સશકિતકરણ કાર્યક્રમના સફળ આયોજન માટે દાહોદ જિલ્લાના પ્રશાસનને અભિનંદન પાઠવતા આદિજાતિ વિકાસના અગ્રસચિવશ્રી અરવિંદ અગ્રવાલે સહુને આવકારતા જણાવ્યું હતું કે વન અધિકાર કાયદા હેઠળ ગુજરાતમાં ૬૪ હજાર દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે એ આ લાભાર્થીઓને તમામ સરકારી સહાય યોજનાઓનો લાભ આપવાનો સરકારે નિર્ણય લીધો છે.
મંત્રી શ્રી પરબતભાઇ પટેલ, લીલાધરભાઇ વાઘેલા, જયદ્રથસિંહ પરમાર સહિત મંત્રીમંડળના સદસ્યો , સાંસદશ્રીઓ, ધારાસભ્યંશ્રીઓ, જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રીઓ, પૂર્વમંત્રીશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, નિગમના અધ્ય્ક્ષશ્રીઓ, દાતાઓ, અગ્રણીઓ અને મહાનુભાવો તેમજ જિલ્લાના પ્રભારી સચિવશ્રી ભાગ્યેશ જહા સહિત ઉચ્ચઅધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી ડી. એ. સત્યા સહિત જિલ્લા પ્રશાસન અને પોલીસતંત્રના ઉચ્ચા્ધિકારીઓ તેમજ વનબંધૂઓનો વિશાળ સમુદાય કાર્યક્રમમાં ઉપસ્થિત રહયો હતો.