''બીજેપીની મજલ ભારતના લોકોમાં આશાનું કિરણ ઊભું કરી રહી છે. આજે બીજેપી જ્યાં પહોંચી છે તે એક વ્યક્તિને કારણે નહીં, પણ કાર્યકર્તાઓની આખી પેઢીના સખત પરિશ્રમ, પરસેવા અને ત્યાગને કારણે પહોંચી છે. આપણા માટે પક્ષ કરતા રાષ્ટ્ર મહાન છે અને આપણે ઈન્ડિયા ફર્સ્ટના સિધ્ધાંત સાથે આગળ ધપીશું."
અમદાવાદમાં તા. 6 એપ્રિલ, 2013ના રોજ કાર્યકર્તા મહાસંમેલનમાં સંબોધન કરતા મોદીએ ઉપર મુજબ જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદી ભાજપના 33મા સ્થાપના દિવસે કાર્યકર્તા મહાસંમેલનને સંબોધન કરતા જણાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે પોતાની મજલ પક્ષના કાર્યકર્તા તરીકે શરૂ કરીને તે દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે, કારણ કે તે સંગઠન રચવા માટેની લાક્ષણિકતા ધરાવે છે અને તેમને સોંપાયેલી સંગઠન નિર્માણની કામગીરી કુશળતાપૂર્વક બજાવે છે. તે જ્યારે પક્ષના કાર્યકર્તા હતા ત્યારે તેમને સંગઠનમાં જે કોઈ ભૂમિકા સોંપવામાં આવે તે કાર્યક્ષમતાથી બજાવતા જણાયા છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ પક્ષના વિકાસ માટે તેમને જે વિસ્તારમાં મુશ્કેલી હલ કરવાની હોય ત્યાં મોકલતા હતા. જ્યાં પણ રેલીનું આયોજન કરવાનું હોય કે વિરોધી વિસ્તારમાં ચૂંટણી માટે ઝૂંબેશ કરવાની હોય ત્યારે મોદી અપેક્ષા કરતા સારૂં કામ બજાવતા હતા.
હાલમાં પણ તે દરેક સ્તરે સંગઠનમાં કાર્યકરોની ભૂમિકાને મહત્વ આપી રહ્યા છે અને ઘણીવાર આ બાબતનો ઉલ્લેખ પણ કરે છે.
નરેન્દ્ર મોદીએ ઉપર દર્શાવ્યા મુજબનું પ્રવચન અમદાવાદમાં સપ્ટેમ્બરની ગરમીમાં ભાજપની યુથ વીંગ, ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોને સંબોધતા કર્યું હતું.
તેમના પ્રવચનમાં બુથ મેનેજમેન્ટ અંગે તેમણે નીચે મુજબનો સંદેશો આપ્યો હતો.
''ચૂંટણીઓ દરમિયાન બુથ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વનું હોય છે. જે રીતે તમે કિલ્લો જીત્યા વગર યુધ્ધ જીતી શકતા નથી તે રીતે તમે પોલિંગ બુથના સ્તરે વિજય મેળવ્યા વગર ચૂંટણી જીતી શકતા નથી. પોલિંગ બુથના સ્તરે વિજય હાંસલ કરવો તે ચૂંટણીની સાચી કસોટી છે."
નરેન્દ્ર મોદી ભારતીય જનતા યુવા મોરચાને સંબોધન કરી રહ્યા છે.
આ પ્રવચનમાં જ તેમણે જણાવ્યું હતું કે તે પક્ષના કાર્યકરો સુખ-દુઃખના સમયમાં એકબીજા સાથે ખભા મિલાવીને ઊભા રહે તે મહત્વનું છે અને તેમણે એક-બીજાસાથે વ્યક્તિગત સંપર્ક વિકસાવવો જોઈએ.
દુનિયા આજે નરેન્દ્ર મોદીને પોતાના વતનના રાજ્ય ગુજરાતની સિકલ બદલી નાંખનાર એક ગતીશીલ વ્યક્તિ તરીકે ઓળખે છે, પરંતુ તેમને આ ખ્યાતિ પ્રાપ્ત થઈ તે પહેલા તેમણે મિડાસ ટચ ધરાવતા ઉત્તમ આયોજક તરીકે ઓળખ હાંસલ કરી હતી. તેમણે જે કોઈ ક્ષેત્રમાં કામ કર્યું તે ક્ષેત્રે સફળતાની ગાથા રચાઈ હતી.
નરેન્દ્ર મોદી- મિડાસ ટચ ધરાવા પુરૂષ.
હાલમાં આકર્ષક ચેમ્બરમાં ભારત અને દુનિયાના મહાનુભવો સાથે બેઠેલા જોવા મળતા નરેન્દ્ર મોદી એક સમયે આરએસએસના મુખ્ય મથક ખાતે તેમની પ્રથમ કામગીરી તરીકે ફ્લોરની સફાઈનું ધ્યાન આપતા હતા.
તેમની ફરજોમાં સવારમાં દૂધ લઈ આવવાનું અને ઓફિસના સંકુલને સ્વચ્છ રાખવાના કામનો સમાવેશ થતો હતો. સન્માનને કારણે તે વરિષ્ઠ પ્રચારકોના કપડા પણ ધોઈ આપતા હતા.
ચૂંટણીના રાજકારણથી દૂર રહેવાની મોદીની ઈચ્છા છતાં સંઘના નેતૃત્વએ 1987માં ભારતીય જનતા પક્ષના જનરલ સેક્રેટરી તરીકે જોડાવા માટે જણાવ્યું. એ પછી તેમણે પાછા વળીને જોયું નથી. એક પછી એક ચૂંટણીઓ જીતતા ગયા છે અને ભાજપના અન્ય લોકોને પણ ચૂંટણીઓ જીતવામાં મદદ કરી છે.
મ્યુનિસિપલ ચૂંટણીઓઃ નાનું એ મોટું
1987માં ભાજપમાં જોડાયા પછી નરેન્દ્ર મોદી માટે એ વર્ષે અમદાવાદમાં યોજાનાર મ્યુનિસિપલ ચૂંટણીઓ પ્રથમ કસોટી બની રહી. 1980ના દાયકામાં ભાજપે રાજકોટ અને જૂનાગઢ કોર્પોરેશનમાં વિજયનો સ્વાદ ચાખ્યો હોવા છતાં, તથા વિધાનસભાની કેટલીક બેઠકો જીતી હોવા છતાં રાજ્યમાં પગ મજબૂત કરવા ઈચ્છતા ભાજપ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીતવી ખૂબ જ મહત્વની હતી. ગુજરાતમાં કોંગ્રેસ લોકસભા, વિધાનસભા અને લગભગ દરેક પંચાયત/કોર્પોરેશનમાં મજબૂત સ્થિતિ ધરાવતી હતી. તેને ઘણી બાબતોમાં નામોશી મળી હતી છતાં તેના બાહુબળને કારણે તેને હરાવવી મુશ્કેલ હતી.
આ પડકાર ઉપાડી લઈને મોદીએ સમગ્ર શહેરને આવરી લઈ અથાગ પ્રયાસો કરી ભાજપને વિજય અપાવ્યો અને આખરે ભાજપની ઈચ્છા મુજબનું પરિણામ મળ્યું. પક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષ બન્યો અને તેને લોકોની સેવા કરવાની તક મળવાથી તેનો પાયો આગામી વર્ષોમાં વિસ્તારી શકાયો.
વર્ષ 2000 સુધી ભાજપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રભાવક પરિબળ બની રહ્યો હતો. પરિસ્થિતિની વક્રતા એ હતી કે 1987 પછી આ એવી પ્રથમ મ્યનિસિપલ ચૂંટણી હતી, જ્યારે મોદી ગુજરાતમાં ન હતા અને અન્ય સ્થળે કામ કરતા હતા.
વિધાનસભામાં સફળતા... ગાંધીનગરમાં કમળ ખિલ્યું
માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ અને KHAM (ક્ષત્રિય, હરિજન,આદિવાસી અને મુસ્લિમ) જોડાણને કારણે 1980માં કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં 51.04 ટકા મતના હિસ્સા સાથે 141 બેઠકો મળી હતી. ભાજપને માત્ર 9 બેઠકો મળી હતી. નવા સામાજિક જોડાણના અને શ્રીમતિ ઈંદિરા ગાંધીની હત્યા પછી સહાનુભૂતિના મોજાં હેઠળ સોલંકીએ કોંગ્રેસને નેતૃત્વ આપી 55.55 ટકા મત હિસ્સા સાથે 149 બેઠકો દ્વારા ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. ભાજપ માટે ફરીથી હતાશાની સ્થિતિ પેદા થઈ હતી. પક્ષે મતના હિસ્સામાં થોડાક વધારા (14.96 ટકા) સાથે 11 બેઠકો મેળવીને આંશિક સુધારો હાંસલ કર્યો હતો.
આમ છતાં કોંગ્રેસમાં નીતિ વિષયક ધ્યેયનો અભાવ હતો અને તેણે અનામતનું રાજકારણ રમવાને કારણે સામાજિક જોડાણોમાં ભાંગતોડ થઈ હતી. 1985 અને 1988માં મોટા દુષ્કાળ પડ્યા. આ ઉપરાંત કેટલાક બોંબ ધડાકાઓને કારણે ગુજરાતના તાણાં-વાણાં તૂટવા લાગ્યા હતા.
1990ના દાયકામાં નરેન્દ્ર મોદીને આવકાર
1990ની ચૂંટણી નજીક હતી ત્યારે લોકોનો મૂડ કોંગ્રેસ વિરોધી હતો, પણ આ પક્ષ દ્વારા બાહુબળની પધ્ધતિ અપનાવવાની પ્રથા ચાલુ રહી હતી. નરેન્દ્ર મોદીને મજબૂત સંગઠનની રચના કરવાનું કામ સોંપાયું, જેને કારણે પક્ષના રાજકીય નેતૃત્વ માટે લોક ચૂકાદો મેળવવાનું સલામત બને.
એક દાયકાના શાસન પછી 27 ફેબ્રુઆરી, 1990ના રોજ ગુજરાતે નવી વિધાનસભાની રચના કરી. આ પરિણામોને કારણે ચિમનભાઈ પટેલની આગેવાની હેઠળના જનતાદળને 29.36 ટકા મત સાથે 70 બેઠકો મળી. ભાજપ 26.69 ટકા મત સાથે 67 ટકા બેઠકો મેળવી બીજા ક્રમે રહ્યો. જૂજ હાજરી ધરાવતો ભાજપ એક મજબૂત પરિબળ તરીકે ઉપસી આવ્યો.
નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ અને અન્ય નેતાઓ 1990ની આસપાસ એલ.કે. અડવાણીનું પ્રવચન સાંભળી રહ્યા છે.
ગુજરાત-ભાજપે 1995ની વિધાનસભાની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી સંયોજક તરીકે ખૂબ જ સક્રિય હતા ત્યારે બીજા લીટમસ ટેસ્ટનો સામનો કરવામાં આવ્યો. 1995ની ચૂંટણીઓમાં સૌ પ્રથમવાર ભાજપે વિધાનસભાની 182 બેઠકોમાં લડત આપી અને સૌ પ્રથમવાર કોંગ્રેસ કરતા વધુ બેઠકોમાં સ્પર્ધા કરી. ભાજપને આ ચૂંટણીમાં 121 બેઠકો સાથે ભારે વિજય હાંસલ થયો. ભાજપનો મત હિસ્સો વધીને 42.51 ટકા સુધી પહોંચ્યો. કોંગ્રેસ માટે આ ચૂંટણી ખૂબ જ નિરાશાજનક બની રહી અને તે માત્ર 45 બેઠકો જ જીતી શકી. નરેન્દ્ર મોદીએ સફળતાપૂર્વક સંગઠનને મજબૂત બનાવ્યું હતું અને કોંગ્રેસના કિલ્લામાં પડેલી કેટલીક તિરાડોને ખૂલ્લી પાડી હતી.
બીજેપીએ સરકારની રચના કરી, પણ સમસ્યાઓ અટકવાનું નામ લેતી ન હતી. ગુજરાતના ભાજપના નેતાઓ વચ્ચે ભારે ભાગલાઓ પડેલા હતા અને આખરે 1996માં પક્ષે સત્તા પરની પક્કડ ગૂમાવી. એ સમયે નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપના નેશનલ સેક્રેટરી તરીકે કામ કરતા હતા.
1996માં પોતાના પક્ષ સાથે છેડો પાડીને અલગ થયેલા કેટલાક નેતાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા. 1998માં ભાજપ ફરીથી સત્તા પર આવ્યો, પરંતુ 2001 સુધીમાં તો અનેક આફતો આવી પહોંચી. પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને કચ્છના ભયાનક ભૂકંપ જેવી એક પછી એક કુદરતી આફતો તથા રાહત કામોમાં નબળી કામગીરીને કારણે લોકો ભાજપથી દૂર થવા લાગ્યા. સહકારી ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. આવા કપરા સમય વચ્ચે 7 ઓક્ટોબર, 2001ના દિવસે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનવા કહેવામાં આવ્યું. જેમણે સત્તા મેળવવાનું સપનું ક્યારેય સેવ્યું ન હતું તેવી વ્યક્તિને ભાજપ સરકારની તૂટતી પ્રતિષ્ઠા બચાવવા માટેની આ જવાબદારી સોંપવામાં આવી. માર્ચ 2003માં ચૂંટણીઓ થવાની હોવાથી મોદીએ કપરી કામગીરી બજાવવાની હતી.
ગોધરાની કમનસીબ ઘટનાઓ અને બાકીના ગુજરાતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ તેને કારણે રાજ્યમાં ઘા રૂઝવવાની તથા વિકાસની કામગીરી બજાવવાની હતી. આ કામગીરી બજાવવા માટે ભાજપ યોગ્ય પક્ષ હતો. આથી વિધાનસભાને વહેલી વિખેરી નાંખવામાં આવી અને ડિસેમ્બર 2002માં ચૂંટણીઓ જાહેર કરવામાં આવી.
આ ઝૂંબેશ દરમિયાન નરેન્દ્ર મોદીને ભારતના રાજકારણના ભારે બદનામ નેતા તરીકે દર્શાવવામાં આવ્યા. રાજકીય પંડિતોએ તેમનો ઘણો ઉપહાસ કર્યો અને મતદાનનાં સર્વેક્ષણોમાં પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવવાની આગાહીઓ વ્યક્ત થઈ. તેમણે ખૂબ જ પરિશ્રમપૂર્વક પ્રચાર કર્યો પણ અગાઉની ચૂંટણીઓથી વિપરીત આ વખતે તે પ્રચારનો ચહેરો હતા. - તેમણે આ વ્યૂહરચના ફરીથી લોકસભાની ચૂંટણીમાં પણ અપનાવી હતી.
જે પરિણામ આવ્યું તેમાં ભાજપનો અભૂતપૂર્વ વિજય થયો. ભાજપને 127 બેઠકો મળી અને તેમનો મતનો હિસ્સો 49.85 ટકા થયો. કોંગ્રેસે માત્ર 51 બેઠકો જીતી.
વર્ષ 2002 થી 2007 દરમિયાન મોદીએ ગુજરાતને સ્વચ્છ અને વિકાસલક્ષી સરકાર મળશે તેની ખાત્રી રાખી અને ગુજરાત કૂદકે ને ભૂસકે આગળ વધતુ ગયું. પરંતુ જેમ જેમ ગુજરાતમાં વધુ વિકાસ થતો ગયો તેમ વિરોધપક્ષની હતાશા વધતી ગઈ. વર્ષ 2007માં વિધાનસભાનીચૂંટણીઓ આવી. આ વખતે પણ મોદીની વધુ એક વાર વ્યક્તિગત બદનક્ષી થાય તેવા આક્ષેપો કરવામાં આવ્યા. અત્યંત કડવાશભરી ચૂંટણી ઝૂંબેશમાં કોંગ્રેસ પ્રમુખે તેમને મોતના સોદાગર તરીકે ઓળખાવ્યા. નરેન્દ્ર મોદી નફરતના રાજકારણથી દૂર રહ્યા અને પોતાનું ધ્યેય, સબળ પાસા અને વિકાસના એજન્ડામાં કેન્દ્રીત કર્યું. આખરે ભાજપને 117 બેઠકો મળી અને 49.12 ટકાનો મત હિસ્સો જાળવી રાખ્યો. કોંગ્રેસને 60 થી ઓછી 59 બેઠકો મળી.
https://www.narendramodi.in/360/build.html
નરેન્દ્ર મોદીને ગુજરાતમાં છેલ્લો વિજય ડિસેમ્બર, 2012માં હાંસલ થયો અને પક્ષ 115 બેઠકો સાથે વિજેતા બન્યો. ગુજરાતના લોકોએ તેમને પ્રચંડ વિજય આપ્યો.
વર્ષ 2001થી માંડીને વર્તમાન સમય સુધી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપર રહ્યા. ભાજપને પંચાયત તથા કોર્પોરેશનની તમામ ચૂંટણીઓમાં વિજય હાંસલ થયો.
1990થી 2012 સુધીમાં ઘણાં પરિવર્તનો આવ્યા, પરંતુ તેમની જે બાબત યથાવત રહી હતી તે હતો પરિશ્રમ, દ્રઢ નિશ્ચય, અને નરેન્દ્ર મોદીની સમર્પણ ભાવના. તેમણે દરેક પ્રચાર ઝૂંબેશમાં નવતર પધ્ધતિઓ દ્વારા પરિણામો ભાજપની તરફેણમાં આવે તેની ખાત્રી રાખી હતી.
લોકસભાની ચૂંટણીઓ : દિલ્હીમાં ગુજરાતમાંથી મહત્તમ કમળ
એક આયોજક તરીકે નરેન્દ્ર મોદીની ક્ષમતાને કારણે પક્ષ એક પછી એક ચૂંટણીઓમાં ગુજરાતમાંથી મહત્તમ સંસદસભ્યોને દિલ્હી મોકલી શક્યો. 1984માં ભાજપને ગુજરાતમાંથી લોકસભાની એક માત્ર બેઠક હાંસલ થઈ હતી, પણ 5 વર્ષ પછી 1989ની ચૂંટણીઓમાં પક્ષના સંસદ સભ્યોનો આંક વધીને 12 થયો અને આ આંક 1991માં વધીને 20 સુધી પહોંચ્યો.
વર્ષ 1996, 1998 અને 1999માં મોદી ગુજરાતમાં નહીં હોવા છતાં ભાજપના સંસદસભ્યોની સંખ્યા 20થી વધુ રહી. વિજયનો આ પાયો મોદીના અથાક પ્રયાસોને કારણે નખાયો હતો. તે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2004 અને વર્ષ 2009માં ભાજપને ગુજરાતમાંથી મહત્તમ બેઠકો મળી હતી.
યાત્રાઃ પોતાની જાત કરતા રાષ્ટ્રને આગળ મૂકવાનો પ્રયાસ
ગુજરાતમાં મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી 1987માં ન્યાય યાત્રા અને 1989માં લોક શક્તિ યાત્રા કાઢવામાં મુખ્ય પરિબળ બની રહ્યા. આ બંને યાત્રાઓમાં કેન્દ્ર સરકારના દમનકારી અને ભ્રષ્ટ શાસનમાં ગુજરાતના લોકોને ન્યાય અપાવવાની બાબત કેન્દ્ર સ્થાને હતી.
નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોષી દ્વારા 1991માં નિકળેલી એકતા યાત્રા.
શ્રી લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળ સોમનાથથી અયોધ્યા સુધીની અયોધ્યા યાત્રાના આયોજનમાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે મહત્વનું સ્થાન ધરાવતા હતા. શ્રી મુરલી મનોહર જોષીની આગેવાની હેઠળ એકતા યાત્રાનું આયોજન કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ઊભી કરાયેલી અશાંત પરિસ્થિતિની પશ્ચાદ્દ ભૂમિકામાં કરાયું હતું. આતંકીઓ શ્રીનગરમાં તિરંગો ફરકાવતા રોકી રહ્યા હતા. યાત્રા શરૂ થઈ તે પહેલા નરેન્દ્ર મોદીએ તમામ સ્થળોની મુલાકાત લઈને જાતે જ ચકાસણી કરી હતી.
નરેન્દ્ર મોદી એલ. કે. અડવાણીની જનાદેશ યાત્રામાં જોડાયેલા જણાય છે.
એલ. કે. અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા.
યાત્રાનું આયોજન કરવું તે કોઈ આસાન કામ નથી. યાત્રાના માર્ગને આખરી સ્વરૂપ આપવાથી માંડી દરેક સ્થળે યાત્રા સરળતાથી પસાર થાય તે માટેની ખાત્રી રાખવી તે બધું આયોજકની ફરજનો એક હિસ્સો હતો. નરેન્દ્ર મોદીએ તે વર્ષોમાં આ ભૂમિકા ખૂબ જ ચોકસાઈ સાથે ભજવી. મુખ્યમંત્રી તરીકે પણ તેમણે ઘણી યાત્રાઓ કાઢી. આ યાત્રાઓમાં તાજેતરમાં કાઢેલી 2012ની વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો સમાવેશ થાય છે, જેમાં તેમણે ગુજરાતભરમાં પ્રવાસ કર્યો અને લોકોમાં સ્વામી વિવેકાનંદનો સંદેશો ફેલાવ્યો.
નરેન્દ્ર મોદી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો પ્રારંભ કરતા જણાય છે.
ગુજરાતથી આગળ વધીને ઉત્તર ભારતમાં સફળતા
વર્ષ 1995માં નરેન્દ્ર મોદીને દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે મોકલવામાં આવ્યા હતા. તેમને ઉત્તર ભારતના રાજ્યો એટલે કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા કેન્દ્ર શાસિત ચંદિગઢનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ તમામ રાજ્યોમાં ભાજપની સ્થિતિ નબળી હતી. જમ્મુ અને કાશ્મીર તથા પંજાબ છેલ્લાં 15 વર્ષથી અશાંત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. 1987માં જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીઓમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ હતી. આથી વિરોધ પક્ષે 1992માં પંજાબની ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો. એ સમયે હરિયાણા કોંગ્રેસની ઝોળીમાં હતું અને હિમાચલ પ્રદેશમાં ભાજપને 1993ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભારે હાર પ્રાપ્ત થઈ હતી
1992માં નરેન્દ્ર મોદી શ્રીનગરમાં તિરંગો ઝંડો ફરકાવતા જણાય છે.
વધુ એકવાર, નરેન્દ્ર મોદીનું સંગઠન અંગેનું કૌશલ્ય કામે આવ્યું. હરિયાણા કે જ્યાં 1996ના મધ્ય ભાગમાં ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યાં ભાજપે બંસીલાલની હરિયાણા વિકાસ પાર્ટી સાથે જોડાણ કર્યું અને આ જોડાણે 44 બેઠકો સાથે સરકારની રચના કરી. બંસીલાલ મુખ્યમંત્રી બન્યા. ભાજપને તેણે લડેલી 25 બેઠકોમાંથી 11 બેઠકો મળી. 1991ની સાથે સરખાવીએ તો પક્ષે તે વખતે 90 બેઠકોમાંથી 89 બેઠકો લડી હતી અને માત્ર બે બેઠકો મેળવી હતી. એક દાયકા પહેલા એવી કલ્પના કરવાનું પણ મુશ્કેલ હતું કે ભાજપ બંસીલાલ અને દેવીલાલ સાથે જોડાણ કરશે. આમ છતાં, ભારે કુનેહપૂર્વક અને પક્ષની મુખ્ય વિચારધારા સાથે કોઈપણ સમાધાન કર્યા સિવાય આ જોડાણ હકીકત બની શક્યું હતું.
જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ સંકુલ પ્રકારની હતી- 1987ની ચૂંટણીઓ થોડા વિવાદાસ્પદ સંજોગો વચ્ચે યોજાઈ હતી અને કાશ્મીર 1990થી રાષ્ટ્રપતિ શાસન હેઠળ હતું. જ્યારે રાજ્યમાં ચૂંટણીઓ યોજાઈ ત્યારે લોકોએ ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોંગ્રેસની તરફેણમાં ચૂકાદો આપ્યો અને તેમને 87 બેઠકોમાંથી 57 બેઠકો મળી. ભાજપ સૌથી વધુ બેઠકો ધરાવતો બીજા નંબરનો પક્ષ બન્યો, જો કે બેઠકોની સંખ્યા માત્ર 8 હતી. આમ છતાં, આ વિજય એટલા માટે મહત્વનો હતો કે કોંગ્રેસ અથવા જનતાદળ કરતા ભાજપને વધુ બેઠકો મળી હતી.
નરેન્દ્ર મોદીની નજર હેઠળનું બીજું રાજ્ય હિમાચલ પ્રદેશ હતું. ત્યાં પણ એક અલગ પ્રકારનું રાજકીય વાતાવરણ હતું. 1990માં કુલ 68 બેઠકોમાંથી ભાજપે 46 બેઠકો સાથે સરકાર રચી, પરંતુ 1992માં બાબરીના ધ્વંસ પછી સરકાર ગૂમાવવી પડી. 1993માં ફરીથી મતદાન થયું ત્યારે ભાજપની બેઠકો ઘટીને માત્ર 7 થઈ ગઈ. 1988માં ભાજપ અને કોંગ્રેસ બંનેને 31 બેઠકો મળી અને સત્તાની સમતુલા ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન સુખરામની હિમાચલ વિકાસ કોંગ્રેસ તરફ ઝૂકેલી રહી. તેમના માત્ર 5 ધારાસભ્યો હતા. નરેન્દ્ર મોદીએ સુખરામને મનાવવામાં ખૂબ જ વગ ધરાવતી ભૂમિકા ભજવી અને એક નવા ચહેરા પ્રેમકુમાર ધૂમલની આગેવાની હેઠળ સરકારની સ્થાપના કરી. વર્ષ 2007માં ધૂમલ ફરીથી સંપૂર્ણ બહુમતિ મેળવીને પૂરી ટર્મ માટે મુખ્યમંત્રી બન્યા.
પંજાબમાં મળેલો વિજય ખૂબ જ ભવ્ય હતો. ત્યાં અકાલી દળ અને ભાજપે સાથે મળીને 1997ની વિધાનસભાની ચૂંટણીઓમાં 117માંથી 93 બેઠકો મેળવીને સત્તા હાંસલ કરી. ભાજપે માત્ર 22 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ 18 બેઠકો જીતીને તેણે જ્યાં ચૂંટણીઓ લડી હતી તે વિસ્તારોમાં 48.22 ટકા જેટલો મતનો હિસ્સો હાંસલ કર્યો હતો. તેના એક વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ ચંદિગઢ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની પ્રચાર ઝૂંબેશ સંભાળી હતી અને ભાજપને ત્રણ ચતુર્થાંશ બહુમતિ અપાવી હતી.
આ વિજય એટલા માટે મહત્વપૂર્ણ હતો કે ચંદિગઢ કોર્પોરેશનમાં સભ્યોની સંખ્યાના આધારે એલજી દ્વારા સભ્યોનું નોમિનેશન કરવામાં આવે છે અને એલજીની નિમણૂંક બિન ભાજપી સરકારે કરી હતી. શ્રી નરેન્દ્ર મોદીની વિગતોની જાણકારીને આધારે પક્ષે ચંદિગઢ લોકસભાની બેઠક ઉપર 1998માં લડવા માટે શ્રી સત્યપાલ જૈનની પસંદગી કરી અને તેમણે પવનકુમાર બંસલને પરાજય આપ્યો હતો
નરેન્દ્ર મોદી અને પ્રકાશ સિંઘ બાદલ
સંસદની ચૂંટણીઓમાં એક આયોજક તરીકે નરેન્દ્ર મોદીની કામગીરી ખૂબ જ નોંધપાત્ર રહી છે. તેમણે 6 વર્ષના ગાળામાં, જ્યારે તે ગુજરાતની બહાર હતા ત્યારે લોકસભાની ત્રણ ચૂંટણીઓનો સામનો કર્યો હતો. પ્રથમ ચૂંટણીમાં તે આ રાજ્યોના ઈન્ચાર્જ તરીકે હતા ત્યારે ભાજપને જમ્મુ અને કાશ્મીરમાં 1 બેઠક, હરિયાણામાં 4 બેઠકો અને પંજાબ અને હિમાચલ પ્રદેશમાં કોઈ બેઠક મળી ન હતી. આમ છતાં 1999માં જમ્મુ અને કાશ્મીરમાંથી 2, હિમાચલમાંથી 3, પંજાબમાંથી 1 અને હરિયાણામાંથી 5 સંસદસભ્યોને લોકસભામાં મોકલ્યા હતા.
1998માં શ્રી અટલ બિહારી વાજપેયીનો શપથવિધિ સમારંભ
નરેન્દ્ર મોદીને 1998માં રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બનાવવામાં આવ્યા. પક્ષના સંગઠનના માળખામાં આ એક ખૂબ જ મહત્વનું પદ છે, જેની કામગીરીમાં સમગ્ર રાષ્ટ્રની બાબતોનું સંકલન કરવાનો સમાવેશ થાય છે. અગાઉ આ પદ જેમણે સંભાળ્યું હતું તેમાં- કુશાભાઉ ઠાકરે અને સુંદરસિંહ ભંડારીનો સમાવેશ થતો હતો. તે 1999માં સંગઠનના મહામંત્રી હતા ત્યારે લોકસભામાં ભાજપને સૌથી વધુ 81 બેઠકો હાંસલ થઈ હતી.
જૂન 2013માં લોકસભાની 2014ની ચૂંટણીઓ માટે તા.13 સપ્ટેમ્બર, 2013ના રોજ એનડીએના પ્રધાનમંત્રીપદના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું.
નરેન્દ્ર મોદીને એનડીએના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા.
ઓફિસના સંકુલની સફાઈ કરવાથી માંડીને પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણી ઝૂંબેશોનો હિસ્સો બનનાર શ્રી મોદીએ પક્ષના સંગઠનનું જે કામ સંભાળ્યું તેમાં તેમના સ્પર્શથી જ સફળતા હાંસલ થઈ. તેમને ભાજપના મિડાસ મેન તરીકે ઓળખવામાં આવે તેમાં કશું નવાઈ ઉપજે તેવું નથી.